કેરળ હાઇકોર્ટે (Kerala High Court) પ્રતિબંધિત ઇસ્લામી કટ્ટરપંથી સંગઠન ‘પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા’ (PFI) વિશે અપમાનજનક લેખો પ્રકાશિત કરવા બદલ મીડિયા હાઉસ સામે શરૂ કરવામાં આવેલી ફોજદારી માનહાનિની કાર્યવાહીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, PFI ભારતમાં પ્રતિબંધિત સંગઠન (Prohibited organization in India) છે અને તેની સામે માનહાનિનો આરોપ લગાવી શકાય નહીં કારણ કે તેનું કોઈ કાનૂની અસ્તિત્વ જ નથી.
કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણને કહ્યું કે, પ્રતિબંધિત સંગઠન માનહાનિની ફરિયાદ દાખલ કરી શકે નહીં. કોર્ટે કહ્યું, “PFI IPCની કલમ 499માં વ્યાખ્યાયિત ‘વ્યક્તિ’ની પરિભાષામાં આવી શકે છે, પરંતુ જ્યારે કેન્દ્ર દ્વારા દેશમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે આવું પ્રતિબંધિત સંગઠન IPCની કલમ 499ના દાયરામાં નહીં આવે. કારણ કે તેનું કાનૂની અસ્તિત્વ જ નથી.”
નોંધવા જેવું છે કે, PFIના જનરલ સેક્રેટરી મોહમ્મદ બશીરે આરોપ લગાવ્યો છે કે, ભારત પ્રકાશન (દિલ્હી) લિમિટેડે (Bharat Prakashan) તેમની વિરુદ્ધ અપમાનજનક લેખ પ્રકાશિત કર્યો છે. આરોપ હતો કે, લેખમાં PFIને પ્રતિબંધિત સંગઠન ‘સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઑફ ઇન્ડિયા’નો નવો અવતાર, લવ જેહાદને પ્રોત્સાહન આપનાર જેવા ઘણા આરોપ લગાવવામાં આવ્યા હતા.
+
— Organiser Weekly (@eOrganiser) December 1, 2024
The detailed copy of the judgement by High Court of Kerala pic.twitter.com/L3zibPhzQV
આ સિવાય બશીરે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તે લેખમાં PFI પર 2008માં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ભરતી, બેંગ્લોર સિરિયલ બ્લાસ્ટ, પ્રોફેસર ટીજે જોસેફનો હાથ કાપી નાખવા જેવી ગંભીર ઘટનાઓમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભારત પ્રકાશન ઉપરાંત, બશીરે ઓર્ગેનાઇઝરના (Organizer) એડિટર અને રિપોર્ટર વિરુદ્ધ IPCની કલમ 499 અને 500 હેઠળ કેસ દાખલ કર્યો હતો.
કોર્ટે કહ્યું કે, 27 સપ્ટેમ્બર, 2022ના રોજ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ‘પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા’ અને તેની સહયોગી સંસ્થાઓ અથવા મોરચાઓને ગેરકાયદેસર સંઘ ઘોષિત કર્યા હતા. જેમાં રિહેબ ઇન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઑફ ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા ઈમામ કાઉન્સિલ, નેશનલ કોન્ફેડરેશન ઑફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઇઝેશન, નેશનલ વિમેન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઇન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે.
વધુમાં, કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણને કહ્યું કે, લેખમાં માત્ર અમુક આરોપો જ મૂકવામાં આવ્યા છે, જે સાર્વજનિક ડોમેનમાં પણ ઉપલબ્ધ હતા. આમ કોર્ટે માનહાનિની ફરિયાદ અને અરજદારો સામેની તમામ કાર્યવાહી રદ કરી હતી.