Friday, October 4, 2024
More
    હોમપેજરાજકારણનવા સંસદ ભવનમાં પસાર થનારું પહેલું બિલ બન્યું 'નારીશક્તિ વંદન વિધેયક', લોકસભા...

    નવા સંસદ ભવનમાં પસાર થનારું પહેલું બિલ બન્યું ‘નારીશક્તિ વંદન વિધેયક’, લોકસભા બાદ રાજ્યસભામાંથી પણ પાસ: સમર્થનમાં 214 મત, વિરોધમાં એકેય નહીં

    આ બિલમાં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભામાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. લોકસભા પહેલેથી જ પસાર કરી ચૂકી છે, હવે રાજ્યસભાએ પણ પાસ કર્યું.

    - Advertisement -

    લોકસભા બાદ હવે રાજ્યસભામાંથી પણ મહિલા અનામત બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. ગુરૂવારે (21 સપ્ટેમ્બર, 2023) કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે બિલ રાજ્યસભામાં રજૂ કર્યું હતું, ત્યારબાદ દિવસભર તેની ઉપર ચર્ચા ચાલી હતી. આખરે બહુમતી સાથે તેને પસાર કરી દેવામાં આવ્યું છે. આ બિલના સમર્થનમાં 214 મતો પડ્યા, જ્યારે વિરોધમાં એક પણ મત ન પડ્યો. જે ઐતિહાસિક ઘટના છે.

    રાજ્યસભામાં પણ લગભગ તમામ મોટી પાર્ટીઓનું બિલને સમર્થન મળ્યું. જોકે, ક્વોટા અને તેના અમલીકરણને લઈને પાર્ટીઓ સરકાર સામે બાંયો ચડાવતી જોવા મળી. બીજી તરફ, ભાજપ સાંસદ જે. પી નડ્ડાએ પણ ગૃહમાં સંબોધન કર્યું હતું. તેમણે બિલ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો તેમજ સાથે ઉમેર્યું કે, આ બિલ થકી ભારતીય જનતા પાર્ટી કોઇ વિશેષ રાજકીય લાભ મેળવવા માંગતી નથી પરંતુ મૂળ આશય મહિલા સશક્તિકરણનો છે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ દિપેન્દર હુડ્ડાએ કહ્યું કે, સરકારે આ બિલને તરત લાગુ કરવું જોઈએ. તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયને રાજ્યસભામાં પણ મહિલાઓને 33 ટકા ક્વોટા આપવા માટે માંગ કરી હતી. 

    ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સિતારામને પણ જવાબ રજૂ કર્યો હતો અને બિલને ઐતિહાસિક ગણાવતાં કહ્યું કે, આ બિલ માત્ર ચૂંટણીમાં લાભ લેવા માટે લાવવામાં આવ્યું નથી કે સરકાર મહિલા વિષયક બાબતોમાં રાજકારણ રમતી નથી. તેમણે અમલીકરણને લઈને કોંગ્રેસના આરોપોનો પણ જવાબ આપ્યો અને કહ્યું કે, એક વખત વસ્તી ગણતરી થાય અને સીમાંકન થઈ જાય ત્યારબાદ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓને અનામત આપવામાં આવશે. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે મોદી સરકારે બિલ રજૂ કર્યું તે પહેલાં કોઇ બિલ પેન્ડિંગ ન હતું, કારણ કે 2010માં રાજ્યસભાએ પસાર કર્યા બાદ લોકસભામાં લંબિત રહ્યું પરંતુ 2014માં લોકસભા ભંગ થયા બાદ તે નિરસ્ત થઈ ગયું હતું.

    - Advertisement -

    પીએમ મોદીએ સમર્થન આપવા બદલ તમામ પાર્ટીઓનો આભાર વ્યક્ત કર્યો

    ચર્ચાના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંબોધન કર્યું હતું. તેમણે બિલને સમર્થન આપવા બદલ તમામ પાર્ટીઓના સાંસદોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, વિધેયક પ્રત્યે તમામ રાજનીતિક પાર્ટીઓનો સકારાત્મક વિચાર દેશની નારીશક્તિને એક નવી ઊર્જા આપશે અને નવા વિશ્વાસ સાથે રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા માટે મહિલાઓનું આગળ આવવું આપણા ઉજ્જવળ ભવિષ્યની એક ગેરંટી બનશે. અંતે તેમણે સાંસદોને અપીલ કરી કે મતદાન દરમિયાન સૌ સર્વસંમતિથી બિલ પસાર કરે અને દેશને નવો વિશ્વાસ આપે.

    દિવસભરની ચર્ચા બાદ બિલ મતદાન માટે મૂકવામાં આવ્યું, જેમાં બહુમતીથી પસાર કરી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બંધારણીય સુધારો હોવાના કારણે ફરજિયાત ડિવિઝન વૉટથી મતદાન કરવું પડે છે. 2/3 સાંસદો સમર્થનમાં મતદાન કરે તો બિલ પસાર થાય છે. જોકે, અહીં તો 100 ટકા મતો તરફેણમાં જ પડ્યા હતા. જેની સાથે જ તે નવા સંસદ ભવનમાં પસાર થનારું પહેલું બિલ બન્યું છે. કારણ કે લોકસભાએ પહેલેથી જ બિલને મંજૂરી આપી દીધી છે.

    લોકસભા પસાર કરી ચૂકી છે 

    ઉલ્લેખનીય છે કે લોકસભા આ બિલ પહેલેથી જ પસાર કરી ચૂકી છે. મંગળવારે નવા સંસદ ભવનમાં બિલ રજૂ કરવામાં આવ્યા બાદ બુધવારે (20 સપ્ટેમ્બર, 2023) તેની ઉપર ચર્ચા ચાલી હતી. દિવસભરની ચર્ચા બાદ મતદાન હાથ ધરવામાં આવ્યું, જેમાં બિલની તરફેણમાં 454 અને વિરોધમાં 2 મત પડ્યા હતા. AIMIM સાંસદો અસદુદ્દીન ઓવૈસી અને ઈમ્તિયાઝ જલીલે OBC અને મુસ્લિમ ક્વોટાના મુદ્દે આ બિલનો વિરોધ કર્યો હતો. 

    શું છે મહિલા અનામત બિલ?

    આ બિલમાં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભામાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. હાલ લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી પણ ઓછી છે, જ્યારે રાજ્યોની વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી પણ ઓછું છે. જો આ બિલ પસાર થઈને એક્ટ લાગુ થાય તો આ તમામ ઠેકાણે એક તૃત્યાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. 

    આ બિલની ચર્ચા આમ તો ઘણાં વર્ષોથી ચાલતી હતી અને પહેલી વખત 12 સપ્ટેમ્બર, 1996ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. છેલ્લે વર્ષ 2010માં તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું અને સાંસદોના હોબાળા વચ્ચે પસાર કરી દેવામાં આવ્યું હતું. તેમાં જોગવાઈ એવી હતી કે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવામાં આવે. જોકે, પછીથી લોકસભામાં આ બિલ પસાર ન થતાં ખરડો રદ કરી દેવામાં આવ્યો હતો. 

    મોદી સરકારે નવેસરથી બિલ લાવીને વિશેષ સત્રમાં તેને પસાર કરાવ્યું છે. હવે રાષ્ટ્રપતિ પાસે ઔપચારિક મંજૂરી માટે મોકલવામાં આવશે. તેમના હસ્તાક્ષર બાદ તે એક્ટ બનશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં