મૂળ મહારાષ્ટ્રની અને આણંદ પાસેના એક ગામમાં રહેતી 35 વર્ષીય મહિલાએ પહેલાં પોતાના 9 વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મહિલા મૂળ હિંદુ હતી પરંતુ મુસ્લિમ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા બાદ ઈસ્લામ અપનાવ્યો હતો. તેણે આપઘાત પહેલાં એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી, જે મળી આવી છે. ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે બંનેની અંતિમવિધિ હિંદુ પદ્ધતિથી કરવામાં આવે અને તેના પતિ કે તેના નજીકના વ્યક્તિઓને તેમના મૃતદેહોથી દૂર રાખવામાં આવે. પતિની ઓળખ અન્સાર લતીફ શેખ તરીકે થઈ છે.
મૃતક મહિલાની ઓળખ અનમ શેખ તરીકે થઈ છે. જે મૂળ હિંદુ હતી, પરંતુ વર્ષ 2015માં અન્સાર શેખ નામના મુસ્લિમ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા બાદ અનમ નામ ધારણ કર્યું હતું. તેઓ 9 વર્ષના પુત્ર સાથે છેલ્લાં અઢી વર્ષથી આણંદ નજીકના ગામડી ગામમાં રહેતાં હતાં. દંપતી મૂળ મહારાષ્ટ્રનું છે. અન્સાર શેખ માર્કેટિંગનું કામ કરે છે.
તાજેતરમાં અન્સાર અજમેર ગયો હતો અને મંગળવારે સવારે પરત ફર્યો હતો. પણ ઘરમાં પ્રવેશતાં જ તેણે પત્નીને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી અને બાજુમાં પલંગ પર 9 વર્ષનો પુત્ર પણ મૃત હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. ત્યારબાદ તેણે બૂમાબૂમ કરતાં પાડોશીઓ પણ એકઠા થઈ ગયા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
પોલીસ ઘરમાં તપાસ કરતાં એક દીવાલ પર સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં મૃતક મહિલાએ જણાવ્યું હતું કે, તેના મૃત્યુ માટે કોઇ જવાબદાર નથી. ત્યારબાદ કહ્યું હતું કે તેની અને તેના પુત્રની લાશ મુસ્લિમ રીત પ્રમાણે દફનાવવામાં નહીં આવે પરંતુ તેના અગ્નિસંસ્કાર (હિંદુ વિધિ) કરવામાં આવે. સાથે એમ પણ લખ્યું હતું કે તેમના બંનેના મૃતદેહોને અન્સાર કે તેની સાથે સંકળાયેલા કોઇ વ્યક્તિથી અલગ રાખવામાં આવે.
સ્યુસાઇડ નોટમાં લખ્યું- પતિને મૃતદેહની નજીક આવવા દેવામાં ન આવે, અંતિમવિધિ અગ્નિસંસ્કાર થકી થાય
મહિલાએ સ્યુસાઇડ નોટ હિન્દીમાં લખી છે. જેમાં જણાવ્યું છે કે, ‘હું અનાથ છું અને મારું આ દુનિયામાં કોઇ નથી. હું મારી મરજીથી જીવનનો અંત આણી રહી છું. કારણ માત્ર હું પોતે છું અને તેનો કોઇ સાથે કોઇ સંબંધ નથી. સાથે હું મારા પુત્રને લઈને જાઉં છું જેથી પછીથી મારા પછી મારા સંતાને મારા ભાગની પીડા ન ભોગવવી પડી અને તકલીફો ન સહન કરવી પડે. જ્યાં સુધી તે જીવિત રહેશે ત્યાં સુધી તેના માટે મારો આત્મા તડપતો રહેશે. અમારા મૃત્યુ બાદ કોઈને કોઈ તકલીફ ન પડવી જોઈએ અને મારી અંતિમ ઈચ્છા એ છે કે અમારા બંનેના મૃતદેહોને જમીનમાં દફનાવવામાં નહીં આવે પણ સળગાવી દેવામાં આવે, જેથી કોઇ નિશાન ન રહે. તેમજ અન્સાર લતીફ શેખ નામના શખ્સને અને તેની સાથે સંકળાયેલા તમામને અમારા મૃતદેહોથી દૂર રાખવામાં આવે. ભૂલથી પણ તેમને અમારો સ્પર્શ કરવાની પરવાનગી આપવામાં ન આવે.’
રિપોર્ટ અનુસાર, યુવતી મૂળ હિંદુ હતી અને અગાઉનું નામ કવિતા હતું. વર્ષ 2015માં તેણે અન્સાર સાથે નિકાહ કર્યા બાદ નામ બદલીને મુસ્લિમ નામ ધારણ કરી લીધું હતું. 9 વર્ષ બાદ આખરે આ કરુણ અંજામ આવ્યો છે. પોલીસ હાલ મામલાની તપાસ કરી રહી છે.
પોલીસે પછીથી બંનેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં બાળકનું મૃત્યુ શ્વાસ રૂંધાવાના કારણે થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મહિલાએ પહેલાં કોઇ રીતે બાળકને મારીને પછીથી પોતે પણ આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસે મૃતક મહિલા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.