2019ની લોકસભા ચૂંટણીમાં મોદી સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને ચાલતા બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા છે. કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી છે અને સાથે દંડ પણ ફટકાર્યો છે. જોકે, પછીથી સજાની સામે અપીલ કરવા માટે કોર્ટે તેમને જામીન આપી દીધા હતા. પરંતુ હવે એ ચર્ચાઈ રહ્યું છે કે શું રાહુલ ગાંધી લોકસભાનું સભ્યપદ ગુમાવશે?
આ કેસ 2019થી સુરત કોર્ટમાં ચાલી રહ્યો હતો. 2019ના એપ્રિલમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે એક જનસભામાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે?” ત્યારબાદ તેમણે નિરવ મોદી, લલિત મોદી અને પીએમ નરેન્દ્ર મોદીનાં નામ લીધાં હતાં.
રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સુરતના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની સામે ફરિયાદ કરીને તેમણે સમગ્ર મોદી સમાજનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જેના આધારે સુરત કોર્ટે કેસને સુનાવણી યોગ્ય માનીને કાર્યવાહી શરૂ કરી હતી. ચાર વર્ષની સુનાવણી બાદ આજે કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે.
રાહુલ ગાંધી દોષી ઠેરવવામાં આવ્યા બાદ હવે એ ચર્ચા પણ શરૂ થઇ ગઈ છે કે શું તેઓ તેમનું લોકસભાનું સભ્યપદ ગુમાવી દેશે? હાલ તેઓ કેરળના વાયનાડથી લોકસભાના સાંસદ છે. અહીં ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ ઉત્તર પ્રદેશની અમેઠી અને કેરળની વાયનાડ એમ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા, જેમાંથી અમેઠી પર ભાજપનાં સ્મૃતિ ઈરાની સામે હાર ચાખવી પડી હતી. આ બેઠક પરથી તેઓ 2004થી ચૂંટાતા આવતા હતા.
શું કહે છે રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951
લોકસભાના સભ્યો અને ધારાસભ્યોની લાયકાત અને તેમના ડિસ્ક્વોલિફિકેશનની વિગતો રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951માં મળી આવે છે. આ એક્ટના ખંડ 8માં ડિસ્ક્વોલિફિકેશન માટેના નિયમો અને શરતો જણાવવામાં આવ્યાં છે. સેક્શન 8(3) મુજબ, કોઈ પણ સાંસદ કે ધારાસભ્ય કોઈ ગુનામાં દોષી જાહેર થાય અને બે વર્ષ કે તેથી વધુની સજા થાય તો સજા થયાના દિવસથી તેનું સભ્યપદ રદ ગણવામાં આવે છે.
કાયદાના સેક્શન 8(1) અને 8(2) અનુસાર, IPCની અમુક કલમ હેઠળ દોષી જાહેર થનાર વ્યક્તિને તેની સજાના સમયગાળાને ધ્યાનમાં લીધા વગર ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે. જ્યારે તે સિવાયના ગુનાઓ માટે જો વ્યક્તિને ઓછામાં ઓછી બે વર્ષની સજા થઇ હોય તો બરતરફ કરવાનો નિયમ લાગુ પડે છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે 2013 સુધી આ જ કાયદાના ખંડ 8(4)નો ઉપયોગ કરીને સાંસદો કે ધારાસભ્યો તાત્કાલિક અસરથી બરતરફ થવાથી બચી શકતા હતા. આ સેક્શન હેઠળ જો કોઈ દોષિત MP, MLA કે MLC કોર્ટના નિર્ણયના 3 મહિનાની અંદર ઉચ્ચ અદાલતમાં સજા વિરુદ્ધ અપીલ કરે તો તેઓ પદ પર યથાવત રહી શકે તેવી જોગવાઈ હતી. જેથી માત્ર ચુકાદા સામેની અપીલ કરીને નેતાઓ પોતાનું પદ બચાવી શકતા હતા.
ઘણા લોકો આ બાબતનો આધાર લઈને દાવો કરી રહ્યા છે કે અપીલ કરવાના કારણે રાહુલ ગાંધી સભ્યપદ ગુમાવશે નહીં. પરંતુ એ નોંધવું જરૂરી છે કે 2013માં એક કેસ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે એક્ટનો આ ખંડ 8(4) રદબાતલ કરી નાંખ્યો હતો અને ઠેરવ્યું હતું કે દોષી ઠેરવાયાના દિવસથી જ વ્યક્તિનું સભ્યપદ રદ ગણાશે.
હવે RPAનો સેક્શન 8(4) અમલમાં નથી, જેથી અપીલ કરવા છતાં કોઈ પણ પ્રકારની રાહત મળી શકે તેમ નથી. જેના કારણે એક્ટના સેક્શન 8(3) હેઠળ રાહુલ ગાંધી લોકસભામાંથી બરતરફ થઇ શકે તેમ છે.
જોકે, સુરતની કોર્ટે સજા સંભળાવ્યા બાદ રાહુલ ગાંધીએ અપીલ કરી હતી કે તેમની સજા રદ કરવામાં આવે અને તેમને જામીન આપવામાં આવે, જેથી તેઓ આગળ અપીલ કરી શકે. જેને માન્ય રાખીને કોર્ટે તેમને 30 દિવસ માટે જામીન આપીને સજા રદ કરી છે. જેથી તેની શું કાયદાકીય જોગવાઈઓ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
રાહુલ ગાંધીએ ફાડ્યું હતું UPA સરકાર દ્વારા લાવવામાં આવેલું બિલ
એ પણ નોંધવું જોઈએ કે 2013ના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તત્કાલીન UPA સરકારે તેને પલ્ટાવવાના પણ પ્રયાસ કર્યા હતા પરંતુ રસપ્રદ વાત એ છે કે ત્યારે રાહુલ ગાંધીએ પોતે જ પગલાંનો વિરોધ કર્યો હતો. તત્કાલીન કાયદા મંત્રી કપિલ સિબ્બલે એક બિલ રજૂ કર્યું હતું જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી વિપરીત અપીલમાં ગયેલા MP, MLA કે MLCને પદ પર બન્યા રહેવાની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં એવી પણ જોગવાઈ હતી કે આવા નેતાઓ સંસદ કે વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઇ શકશે પરંતુ કોર્ટ અરજી પર કોઈ નિર્ણય ન આપે ત્યાં સુધી પોતે મત નહીં આપી શકે કે પગાર-ભથ્થાં ઉપાડી શકશે નહીં.
તે સમયે રાહુલ ગાંધીએ તેમની સરકાર દ્વારા લાવવામાં આવેલું આ બિલ જાહેરમાં ફાડી નાંખ્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકાર ખોટું કરી રહી છે અને આ બંધ થવું જોઈએ. પછીથી બિલ અને અધ્યાદેશ બંને પરત લેવામાં આવ્યા હતા.
જો રાહુલ ગાંધીએ 2013માં પોતાની જ સરકાર સામે બાંયો ન ચડાવી હોત અને અધ્યાદેશને કાયદો બનવા દીધો હોત તો અત્યારે તેઓ સુરતની કોર્ટ દ્વારા દોષી ઠેરવાયા છતાં ડિસ્ક્વોલિફિકેશનથી બચી શક્યા હોત.