Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આતંકીઓ પાકિસ્તાન ભાગી જશે તો ત્યાં ઘૂસીને મારીશું’: વિદેશી મીડિયાના રિપોર્ટ પર...

    ‘આતંકીઓ પાકિસ્તાન ભાગી જશે તો ત્યાં ઘૂસીને મારીશું’: વિદેશી મીડિયાના રિપોર્ટ પર બોલ્યા રક્ષામંત્રી રાજનાથ સિંઘ, કહ્યું- ભારત સામે આંખ ઉઠાવનારાઓની ખેર નથી

    "ઇતિહાસ ઉઠાવીને જુઓ, આજ સુધી આપણે ન દુનિયાના કોઇ પણ દેશ પર આક્રમણ કર્યું છે કે ન કોઈની એક ઇંચ જમીન પર કબજો કરવાના પ્રયાસ કર્યા છે. આ ભારતનું ચરિત્ર છે. પરંતુ ભારત સામે વારંવાર કોઇ આંખ દેખાડે અને ભારતમાં આવીને આતંકી ગતિવિધિઓને અંજામ આપે તો તેની ખેર નથી.”

    - Advertisement -

    તાજેતરમાં બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરીને ભારતે છેલ્લાં 3 વર્ષમાં પાકિસ્તાનમાં 20 જેટલા આતંકવાદીઓનો સફાયો કર્યો હોવાનો દાવો કર્યા બાદ આ મુદ્દો ચર્ચામાં છે. પીએમ મોદી પણ આડકતરી રીતે તેની ઉપર નિવેદન આપી ચૂક્યા છે ત્યારે હવે રક્ષામંત્રી રાજનાથ સિંઘે પણ મહત્વની વાત કહી છે. તેમણે કહ્યું કે, ભારતમાં અશાંતિ સર્જવાના પ્રયાસ કરે તો આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારીશું. 

    તેઓ ન્યૂઝ18 સાથે વાતચીત કરી રહ્યા હતા, જે દરમિયાન આ વાત કહી હતી. ઇન્ટરવ્યુ દરમિયાન તેમને ‘ધ ગાર્ડિયન’ના રિપોર્ટ વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેમણે કહ્યું, “20 આતંકવાદીઓને માર્યા છે. કોઈ પણ આતંકવાદી પાડોશી દેશમાંથી ભારતમાં અશાંતિ સર્જવાના પ્રયાસ કરશે, અહીં આતંકવાદી હરકતો કરશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. જો પાકિસ્તાનમાં ભાગી ગયો તો પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું.”

    તેમણે આગળ કહ્યું કે, “વડાપ્રધાને પણ કહ્યું છે. આ તાકાત ભારતમાં છે. હવે પાકિસ્તાન પણ સમજવા માંડ્યું છે. ભારત પોતાના પાડોશી દેશો સાથે સારા સંબંધો રાખવાના પક્ષમાં છે, પછી તે કોઇ પણ પાડોશી દેશ હોય. ઇતિહાસ ઉઠાવીને જુઓ, આજ સુધી આપણે ન દુનિયાના કોઇ પણ દેશ પર આક્રમણ કર્યું છે કે ન કોઈની એક ઇંચ જમીન પર કબજો કરવાના પ્રયાસ કર્યા છે. આ ભારતનું ચરિત્ર છે. પરંતુ ભારત સામે વારંવાર કોઇ આંખ દેખાડે અને ભારતમાં આવીને આતંકી ગતિવિધિઓને અંજામ આપે તો તેની ખેર નથી.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ધ ગાર્ડિયને રિપોર્ટ પ્રકાશિત કરીને દાવો કર્યો હતો કે છેલ્લાં 3 વર્ષથી પાકિસ્તાનમાં એક પછી એક આતંકવાદીઓની હત્યા થઈ રહી છે તે પાછળ ભારતની એજન્સીઓનો સીધો હાથ છે અને આ એજન્સીઓ પીએમ મોદીને રિપોર્ટ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, 2019ના પુલવામા હુમલા બાદ ભારતે જુદું વલણ અપનાવ્યું અને ઈઝરાયેલની મોસાદ અને રશિયાની કેજીબી જેવી એજન્સીઓની કામ કરવાની રીત અપનાવીને પાકિસ્તાનમાં આતંકવાદીઓનો સફાયો કરવાનો ચાલુ કર્યો. 

    2020થી અત્યાર સુધીમાં આવા 20 આતંકવાદીઓને માર્યા હોવાનો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો. આ માટે UAEથી R&AWના સ્લીપર સેલ હેન્ડલિંગ કરતા હોવાનો તેમજ અફઘાનિસ્તાનથી શૂટરો લાવીને તેમની પાસે કામ કરાવવામાં આવતું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. જોકે, વિદેશ મંત્રાલયે આ રિપોર્ટને નકારી દીધો છે અને કહ્યું કે, ભારતની આ નીતિ નથી. 

    બીજી તરફ, શુક્રવારે (5 એપ્રિલ) રાજસ્થાનના ચુરુમાં એક સંબોધન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત હવે નવું ભારત છે અને તે ઘરમાં ઘૂસીને મારે છે. તેમણે બાલાકોટ એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં