અલ્હાબાદ હાઇકોર્ટે (Allhabad High Court) તાજેતરમાં એક છૂટાછેડાની અરજી પર સુનાવણી કરતાં ટિપ્પણી કરી કે જો પત્ની દારૂનું સેવન કરતી હોય તો ત્યાં સુધી તેને ‘ક્રૂરતા’ માની લેવામાં ન આવે જ્યાં સુધી તે નશાની હાલતમાં પતિ સાથે અયોગ્ય વર્તન ન કરે. કોર્ટે છૂટાછેડાની (Divorce) માંગ કરતી પતિની અરજી પર સુનાવણી કરતાં આ ટિપ્પણી કરી હતી. જોકે, પછીથી બંને લાંબા સમયથી એકબીજાથી અલગ રહેતાં હોવાના તથ્યને ધ્યાનમાં લેતા છૂટાછેડાની અરજી રદ કરવાના ફેમિલી કોર્ટના નિર્ણયને રદ કર્યો હતો.
મામલાની વિગતો એવી છે કે, દંપતી એક મેટ્રિમોનિયલ વેબસાઈટ પર મળ્યું હતું અને વર્ષ 2015માં તેમણે લગ્ન કરી લીધાં હતાં. પતિનો આરોપ છે કે પત્ની વર્ષ 2016માં જ પુત્રને લઈને કોલકાતા રહેવા જતી રહી હતી અને ત્યારથી બંને અલગ જ રહે છે. ત્યારબાદ પતિએ લખનૌની ફેમિલી કોર્ટમાં અરજી કરીને છૂટાછેડાની માંગ કરી હતી, પરંતુ ફેમિલી કોર્ટે અરજી ફગાવી દીધી. ત્યારબાદ તેમણે કોલકાતા હાઇકોર્ટમાં અરજી કરીને ફેમિલી કોર્ટના આદેશને પડકાર્યો હતો.
#AllahabadHighCourt ruled that a wife’s alcohol consumption does not amount to cruelty unless it leads to unwarranted behavior. Granting divorce on desertion grounds, the Court noted the wife's separation since 2016 and her refusal to return without valid cause. pic.twitter.com/A9UwdKjyIN
— Lets Learn Law (LLL) (@LetsLearnLaw) January 16, 2025
પતિએ કોર્ટ સમક્ષ દલીલો એવી આપી હતી કે, પત્નીને દારૂની લત છે અને આ બાબત એક મધ્યમવર્ગીય સમાજના નિયમો અને નૈતિકતા વિરુદ્ધ છે અને પત્નીનું આ વર્તન તેમને માનસિક પીડા આપી રહ્યું છે. પરંતુ કોર્ટે આ દલીલ ગ્રાહ્ય ન રાખી.
કોર્ટે કહ્યું કે, “પીધા પછી અભદ્ર અને અયોગ્ય વર્તન ન કરે ત્યાં સુધી દારૂના સેવનને ક્રૂરતા સાથે જોડી શકાય નહીં.” કોર્ટે ઉમેર્યું કે, એ વાત સાચી કે મધ્યમવર્ગીય પરિવારોમાં દારૂનું સેવન વર્જિત ગણવામાં આવે છે, પરંતુ તેનાથી ક્રૂરતા આચરવામાં આવે તેવું માનવા માટેના કોઈ પુરાવા નથી. રેકર્ડ પર એવી કોઈ સામગ્રી ઉપલબ્ધ નથી જેનાથી એ સાબિત કરી શકાય કે દારૂના સેવનથી પતિ સાથે ક્રૂરતા થાય છે. કોર્ટે એમ પણ કહ્યું કે, માત્ર આરોપો લગાવવામાં આવ્યા હોય અને તેની સાબિતી માટે કોઈ પુરાવા ન હોય તો છૂટાછેડા માટે આધાર બની શકે નહીં.
જોકે, પછીથી કોર્ટે છૂટાછેડા માટે લીલી ઝંડી આપી હતી, પણ તેનો આધાર જુદો છે. વાસ્તવમાં પત્ની વર્ષ 2016થી અલગ રહે છે અને અનેક વખત નોટિસ પાઠવવામાં આવ્યા છતાં ન તો કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યા કે ન કાર્યવાહીમાં સહયોગ આપ્યો હતો. હાઇકોર્ટે આ બાબતના આધારે પતિની અરજી મંજૂર રાખી હતી.
કોર્ટે નોંધ્યું કે, જો પત્ની જાણીજોઈને આ કાર્યવાહીને અવગણી હોય કે પતિના ઘર તરફ ક્યારેય ફરી જોયું જ ન હોય તો હિંદુ મેરેજ એક્ટ હેઠળ એ છૂટાછેડાનો આધાર બને છે. કોર્ટે બંને વચ્ચે ઘણાં વર્ષોથી કોઈ સંબંધ ન હોવાની બાબત નોંધીને જણાવ્યું કે, હવે એવું માની લેવામાં આવે કે તેમનાં લગ્નનો હવે ભાવનાત્મક રીતે અંત આવ્યો છે. કોર્ટે કહ્યું, “ઘણા લાંબા સમય સુધી અલગ રહેવું એ દર્શાવે છે કે હવે વૈવાહિક સંબંધો સુધરી શકે એમ નથી. બંને ભલે કાયદાકીય રીતે પતિ-પત્ની હોય પણ હવે તેમના વિવાહ કલ્પનામાત્ર રહી ગયા છે.
આ અવલોકનોના આધારે હાઇકોર્ટે પતિની અરજી સ્વીકારી લીધી હતી અને ફેમિલી કોર્ટનો આદેશ રદ કરી દીધો હતો.