અમેરિકામાં (America) ચાઇનીઝ વિડીયો એપ ટિકટોક (TikTok) પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બાયડન પ્રશાસને એક કાયદો બનાવીને એપ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે બહાલી આપી અને તેની સાથે કંપનીનાં શટર પડી ગયાં છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે 17 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને ટિકટોક પર પ્રતિબંધ લાદવાના કાયદાને મંજૂરી આપી હતી. પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી હવે એપ્લિકેશન હટાવી લેવામાં આવી છે.
હાલ એપલ કે એન્ડ્રોઇડ યુઝર્સને તેમના ટિકટોક પર એક સંદેશ જોવા મળી રહ્યો છે. આ સંદેશ કંપની દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે અને એપ ઓપન કરતાં સાથે જ આ મેસેજ દેખાય રહ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે, “અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ લગાવતો કાયદો લાગુ થઈ ગયો છે. દુર્ભાગ્યવશ તેનો અર્થ તે છે કે આપ હમણાં ટિકટોકનો ઉપયોગ નહીં કરી શકો. જોકે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે તેઓ કાર્યભાર સંભાળશે ત્યારબાદ એપને ફરી શરૂ કરવાની દિશામાં આપણી સાથે કામ કરશે.”
ટિકટોક દ્વારા ટ્રમ્પનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો કારણ કે, તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે આ ચાઇનીઝ એપને પ્રતિબંધિત કરવા મામલે હમણાં તેમણે કોઈ નિર્ણય નથી કર્યો. તેઓ આ શોર્ટ વિડીયો શેરિંગ એપને આપવામાં આવેલી સમયસીમા 90 દિવસ વધારવા તરફ વિચાર કરી શકે છે. જો ટ્રમ્પ આ મામલે નિર્ણય લે તો સોમવારે (20 જાન્યુઆરી, 2025) આ મામલે કોઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી શકે છે. સોમવારે જ ટ્રમ્પ સત્તા સંભાળવા જઈ રહ્યા છે.
અમેરિકાએ શા માટે લગાવ્યો ચાઇનીઝ એપ પર બૅન?
રિપોર્ટ અનુસાર અમેરિકન અધિકારીઓએ ટિકટોક અંગે ચિંતા વ્યક્ત કરીને દાવો કર્યો હતો કે આ ચાઇનીઝ એપથી USની રાષ્ટ્રીય સુરક્ષાને મોટું જોખમ છે. તેઓ માને છે કે ચીની સરકાર આ એપ્લિકેશનનો ઉપયોગ અમેરિકનોની જાસૂસી કરવા અથવા ગુપ્ત રીતે લોકોની માનસિકતા, વિચારોને પ્રભાવિત કરવા માટે કરી શકે છે. આશંકા એવી વ્યક્ત કરવામાં આવી છે કે કંપની એપ પર શું સામગ્રી બતાવવી કે છુપાવવી તેને નિયંત્રિત કરી શકે છે, જેનાથી લોકોના વિચાર અને માનસિકતા પર પ્રભાવ પડી શકે તેમ છે.
આ ચિંતા ચીનના રાષ્ટ્રીય સુરક્ષા કાયદાઓમાંથી ઉદ્ભવે છે, જેમાં કંપનીઓને ગુપ્તચર પ્રવૃત્તિઓમાં મદદ કરવાની જરૂર પડે છે. એફબીઆઈના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ ગયા વર્ષે કોંગ્રેસને જણાવ્યું હતું કે ચીની સરકાર ટિકટોકના સોફ્ટવેર દ્વારા અમેરિકનોના ઉપકરણોનું એક્સેસ મેળવી શકે છે.
અમેરિકાની ગુપ્તચર એજન્સી FBI પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. FBI ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ ગયા વર્ષે કોંગ્રેસને આ મામલે જણાવ્યું હતું કે ચીની સરકાર આ એપના માધ્યમથી અમેરિકી સરકારનાં ઉપકરણોનાં એક્સેસ મેળવી શકે છે. એપ ડાઉનલોડ કરતી વખતે આપવામાં આવતી પરમિશનો પણ ચિંતાજનક રીતે એપને ડેટા મેળવવા સક્ષમ કરે છે.
સુપ્રીમ કોર્ટે કંપનીની દલીલો ફગાવી
આ ચિંતાઓને કારણે US કોંગ્રેસે ટિકટોક પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો હતો. આ પ્રતિબંધ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તેની ચાઇનીઝ પેરેન્ટ કંપની બાઇટડાન્સ તેને અમેરિકન સરકાર દ્વારા માન્ય ખરીદનાર અન્ય કોઈ કંપનીને વેચી દે નહીં. આ મામલે રાષ્ટ્રપતિ જો બાયડને એપ્રિલ 2024માં કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. તે સમયે બાઇટડાન્સને ટિકટોક વેચવા માટે 19 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જોકે, બાઇટડાન્સ દ્વારા કાયદાને કોર્ટમાં પડકારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈ છતાં તેનો આ પ્રયાસ નિષ્ફળ ગયો છે.
6 ડિસેમ્બરના રોજ અમેરિકન સુપ્રીમ કોર્ટના ત્રણ ફેડરલ જસ્ટિસની પેનલે સર્વસંમતિથી ટિકટોક વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. કંપનીએ દલીલ આપી હતી કે, આ કાયદો પ્રથમ સુધારા હેઠળ વાણી સ્વતંત્રતાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે, જોકે કોર્ટે તેની આ દલીલ નકારી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે 17 જાન્યુઆરીએ ટિકટોકની અપીલને સર્વાનુમતે ફગાવી દીધી હતી, જેના પરિણામે 19 જાન્યુઆરીથી અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ અમલમાં આવી ગયો હતો.
અમેરિકામાં ટિકટોકનું ભવિષ્ય અંધકારમાં, શું ટ્રમ્પ ઉગારશે?
અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ લાગ્યા બાદ હવે તેનું ભવિષ્ય અંધકારમ ભાસી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે એપ્લિકેશન અમેરિકામાં હમેશા માટે પ્રતિબંધિત થઈ જશે, કારણ કે નવા કાયદા હેઠળ એપલ અને ગૂગલ જેવા એપ સ્ટોર્સમાંથી અપડેટ્સ અને સપોર્ટ હટાવી દેવામાં આવ્યાં છે. કંપની પાસે એક રસ્તો હતો કે તે સરકારની વાત માનીને અમેરિકન કમ્પનીના તાબા હેઠળ કામ કરે. જોકે તેની સમયમર્યાદા પણ જતી રહી છે. ત્યારે હવે બધાની નજર પ્રેસિડેન્ટ ઈલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર ટકેલી છે. તેઓ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળવાના છે. તેમણે તાજેતરમાં એનબીસીને આપેલા એક નિવેદનમાં ટિકટોકની સ્થિતિને ‘વેરી બીગ સિચુએશન’ ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ સંભવિત પ્રતિબંધને 90 દિવસ માટે પાછો ખેંચવા પર વિચાર કરી શકે છે.
જોકે 90 દિવસની અવધિ મળે તો પણ ટિકટોકના માથે અમેરિકન કંપનીને શેર વેચવાની તલવાર તો લટકતી જ રહેશે. સરળ ભાષામાં કહીએ તો ટ્રમ્પ દ્વારા મળનાર છૂટ એ સીધી રીતે કંપની વેચવા માટેનો વિચાર કરવાનો સમય હશે. જો માર્કેટમાં ટકવું હશે તો આ નિર્ણય ચીની કંપનીએ માનવો જ રહ્યો.
ભારતે પણ સુરક્ષા હેતુથી ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો
અહીં નોંધવું અનિવાર્ય છે કે જાન્યુઆરી 2021માં ભારત સરકારે પણ ટિકટોક પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તે સમયે સરકારે આ શોર્ટ વિડીયો શેરિંગ એપ્લિકેશન સહિત WeChat, Baidu, Alibabaના UC બ્રાઉઝર, ક્લબ ફેક્ટરી, BIGO Live અને અન્ય સહિત 59 ચાઈનીઝ એપ્સ પર કાયમી પ્રતિબંધ મૂક્યો હતો. જૂન 2020માં સરકારે આ તમામ એપ્લિકેશન સેન્સર કરી દીધી હતી અને ભારતમાં તેનો ઉપયોગ અટકાવી દીધો હતો.
આ કાર્યવાહી ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeiTY) દ્વારા આઈટી એક્ટની કલમ 69A હેઠળ શરૂ કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ તમામ એપ ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતના રાજ્ય અને જાહેર વ્યવસ્થાની સુરક્ષા, સંરક્ષણ માટે પ્રતિકૂળ પ્રવૃત્તિઓમાં સામેલ છે.
2020ના અંત સુધીમાં ભારત સરકારે સપાટો બોલાવીને કુલ 267 ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ લાવી દીધો હતો. આ દરમિયાન અતિ લોકપ્રિય મોબાઇલ ગેમ PUBG પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, આ ગેમ આમ તો દક્ષિણ કોરિયાની ગેમિંગ કંપની PUBG કોર્પોરેશનની માલિકીની અને વિકસિત હતી પરંતુ તેમ મોટાભાગના શેર ચાઇનીઝ મૂળની કંપનીના હતા. બાદમાં તેની પેરેન્ટ કંપનીએ ભારત સરકારના નિયમો સામે નમતું જોખીને ભારતમાં કાયદાઓમાં રહીને અન્ય નામ સાથે ગેમ ફરી લૉન્ચ કરી હતી.