વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (1 ઓકટોબર, 2023) ‘સ્વચ્છાંજલિ’ કાર્યક્રમ અંતર્ગત શ્રમદાન કર્યું હતું. જેનો તેમણે વિડીયો પણ શેર કર્યો છે. વિડિયોમાં તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબર અંકિત બૈયનપુરિયા સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન PM મોદીએ અંકિત સાથે વાત કરી હતી. વિડીયોમાં બંને ઝાડુ લગાવીને સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. તેના થકી PM મોદીએ દેશને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
PM મોદીએ ’75 ડે હાર્ડ ચેલેન્જ’ પૂર્ણ કરનાર અંકિત બૈયનપુરિયા સાથે સ્વચ્છતા અભિયાન અને વાતચીતનો વિડીયો શેર કર્યો છે. સાથે લખ્યું છે કે, “આજે દેશ સ્વચ્છતા પર ધ્યાન આપી રહ્યો છે. મેં અને અંકિત બૈયનપુરિયાએ પણ એ જ કર્યું છે. સ્વચ્છતા ઉપરાંત અમે ફિટનેસ અને સુખાકારી વિશે પણ વાત કરી છે. આ બધું સ્વચ્છ અને સ્વસ્થ ભારત માટે છે.”
Today, as the nation focuses on Swachhata, Ankit Baiyanpuriya and I did the same! Beyond just cleanliness, we blended fitness and well-being also into the mix. It is all about that Swachh and Swasth Bharat vibe! @baiyanpuria pic.twitter.com/gwn1SgdR2C
— Narendra Modi (@narendramodi) October 1, 2023
વિડીયોની શરૂઆતમાં PM મોદી વાતચીતની શરૂઆત અંકિતની ઓળખ બની ગયેલા ખાસ શબ્દો ‘રામ રામ ભાઈ સારે ને…’ સાથે કરે છે અને કહે છે કે, “આજે અમે તમારી પાસેથી કંઈક શીખીશું. ફિટનેસ માટે આપ આટલી મહેનત કરો છો. તેમાં આ સ્વચ્છતા અભિયાન કેવી રીતે મદદ કરશે?” જેના જવાબમાં અંકિત કહે છે, “પર્યાવરણને સ્વચ્છ રાખવું એ આપની ફરજ છે. જો પર્યાવરણ સ્વચ્છ હશે તો આપણે સ્વચ્છ રહીશું.”
આ પછી PM મોદીએ અંકિતને તેમના જિલ્લા અને તેના ગામોમાં સ્વચ્છતા પ્રત્યે લોકોના વિશ્વાસને લઈને પ્રશ્ન પૂછ્યો હતો જેના ઉત્તરમાં અંકિતે કહ્યું હતું કે હવે લોકો સ્વચ્છતા તરફ વધારે ધ્યાન આપી રહ્યા છે. ત્યારબાદ PM અંકિતને ફિજિકલ એક્ટિવિટી માટે સમય આપવા વિશે પૂછે છે. તેના જવાબમાં અંકિત કહે છે કે તે દિવસના ચારથી પાંચ કલાક શારીરિક પ્રવૃતિ કરે છે. અંકિતે કહ્યું કે તેઓ PM મોદીને જોઈને પણ મોટિવેટ થાય છે. જેની ઉપર PMએ કહ્યું કે તેઓ ઓછી એક્સરસાઈઝ કરી રહ્યા છે પણ અનુશાસન પર વધુ ધ્યાન આપે છે. જોકે, આજકાલ તેઓ જમવાના સમય અને ઊંઘમાં શિસ્તતા જાળવી શકતા નથી. ત્યારબાદ અંકિત કહે છે કે આખો દેશ ઊંઘી શકે તે માટે વડાપ્રધાન જાગે છે.
ત્યારબાદ PM મોદી અંકિતને કહે છે સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ કરી શકાય છે, તે તેમણે કરીને બતાવ્યું છે. PMએ અંકિત સાથે તેમની ’75 ડે હાર્ડ ચેલેન્જ’ વિશે પણ વાત કરી. અંકિતે કહ્યું કે આમાં 5 નિયમોનું પાલન કરવું પડે છે. પ્રથમ એ કે દિવસમાં બે વખત વર્કઆઉટ. બીજો નિયમ, ઓછામાં ઓછું 4 લિટર પાણી, ત્રીજો, એક પુસ્તક વાંચવાનું- ઓછામાં ઓછા 10 પેજ. પહેલાં તેમણે શ્રીમદ્ભગવદ ગીતા વાંચી હતી, હવે શિવપુરાણ વાંચી રહ્યા છે. ચોથો નિયમ સ્ટ્રિક્ટ ડાઈટ ફોલો કરવાની અને પાંચમો નિયમ પોતાની પ્રોગ્રેસ જોવા માટે સેલ્ફી લેવી. આ દરમિયાન અંકિતને PM સાથે સેલ્ફી લેતા પણ જોઈ શકાય છે.
કોણ છે અંકિત બૈયનપુરિયા?
‘રામ-રામ ભાઈ સારે ને’ ટેગલાઈનથી પ્રખ્યાત અંકિત બૈયનપુરિયા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર 50 લાખ ફોલોવર્સ અને યુટ્યુબ પર 17 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. અંકિત માટે ડિલિવરી બોયથી લઈને વડાપ્રધાન મોદીને મળવા સુધીની સફર સરળ ન હતી.
હરિયાણાના સોનીપત જિલ્લાના બયાનપુર ગામના એક મધ્યમ વર્ગમાં જન્મેલા અંકિત બૈયનપુરિયાનું સાચું નામ અંકિત સિંહ છે. પરંતુ તેમના ગામનું નામ બયાનપુર હોવાના કારણે તેમણે તેમનું નામ બદલીને અંકિત બૈયનપુરિયા રાખ્યું. અંકિતના પિતા ખેડૂત અને માતા ગૃહિણી છે.
અંકિત બૈયનપુરિયાએ પોતાનો 10મા ધોરણ સુધીનો અભ્યાસ બયાનપુર લહરારાની સરકારી સ્કૂલમાં પૂર્ણ કર્યો હતો. ત્યાબાદ 11 અને 12મા ધોરણના અભ્યાસ માટે સોનીપત જતા રહ્યા હતા, જ્યાં એક સરકારી સ્કૂલમાં એડમિશન લઈને આર્ટસમાં 12મુ ધોરણ પાસ કર્યું હતું. ત્યારબાદ મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી રોહતકમાંથી આર્ટસમાં જ ગ્રેજ્યુએશન પણ કર્યું.
આમ તો અંકિતે વર્ષ 2013માં યુટ્યુબ ચેનલ બનાવી હતી, પરંતુ 4 વર્ષ પછી એટલે કે વર્ષ 2017માં તેમણે પોતાનો પ્રથમ વિડીયો અપલોડ કર્યો હતો. તેમની ચેનલનું નામ ‘હરિયાણવી ખાગડ’ હતું. તેમાં તેઓ ફની વિડીયો શર કરતા હતા. જોકે, 2020માં કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉન દરમિયાન તેમણે ફની વિડીયોના બદલે ફિટનેસ, વર્કઆઉટ અને ડાઈટને લગતા વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. આ સાથે તેમણે પોતાની ચેનલનું નામ બદલીને ‘Ankit Baiyanpuriya” કરી દીધું હતું.
આ પછી અંકિતે ફિટનેસ પર વિડીયો બનાવવાનું શરૂ રાખ્યું અને ધીરે ધીરે તેમની ચેનલ પર સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધતી ગઈ. તે પોતાની ચેનલ પર પારંપરિક કુસ્તી, દોરડાના સહારે ચડવાની અને દોડવાની સાથે જ અન્ય બાબતોની ટ્રેનિંગ પણ આપે છે. આ સિવાય તે પોતાના ગામ બયાનપુરમાં કોચ કૃષ્ણા પહેલવાન સાથે ટ્રેનિંગ પણ કરે છે. આ વર્ષે જૂનમાં તેમણે યુટ્યુબ પર 1 લાખ સબસ્ક્રાઈબર્સ પૂરા કર્યા હતા. આ કારણે તેમણે સિલ્વર પ્લે બટન મળ્યું હતું.
આ પછી, 27 જૂન, 2023ના રોજ અંકિતે ’75 ડે હાર્ડ ચેલેન્જ’ની શરૂઆત કરી. આ ચેલેન્જ વર્ષ 2020માં અમેરિકન બિઝનેસમેન અને લેખક એન્ડી ફ્રિસેલાએ શરૂ કરી હતી. આ ચેલેન્જ દરમિયાન અંકિત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયા. ત્યારબાદ થોડા સમયમાં જ તેમના ઈન્સ્ટાગ્રામ પર ફોલોવર્સની સંખ્યા લાખોને વટાવી ગઈ. તેમણે એક મહિનાની અંદર જ 3.7 મિલિયન ફોલોવર્સનો આંકડો પાર કરી લીધો હતો.