Sunday, September 8, 2024
More
    હોમપેજદેશ‘કપરા સમયમાં જવાનોને મળીને વધાર્યું હતું તેમનું મનોબળ’: જ્યારે તત્કાલીન ભાજપ મહાસચિવ...

    ‘કપરા સમયમાં જવાનોને મળીને વધાર્યું હતું તેમનું મનોબળ’: જ્યારે તત્કાલીન ભાજપ મહાસચિવ નરેન્દ્ર મોદીએ લીધી હતી કારગિલ યુદ્ધક્ષેત્રની મુલાકાત, પૂર્વ સેના અધિકારીએ વાગોળ્યાં સંસ્મરણો

    પૂર્વ સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, આટલા કપરા અને કઠિન સમયમાં પણ તેમણે સૌ સારવાર લેતા જવાનો, તેમના સાથીઓ, ઉપરી અધિકારીઓ, સપોર્ટ સ્ટાફ સૌને આશ્વાસન આપીને મનોબળ વધાર્યું અને સાથે ઉભા રહ્યા.

    - Advertisement -

    26 જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ. 1999ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાની સેનાને ત્રીજી વખત હરાવી હતી. આ યુદ્ધ પૂર્ણ થયું તે દિવસને કારગિલ દિવસ (Kargil Vijay Diwas) તરીકે ઉજવવામાં આવે છે. આજે એ યુદ્ધમાં અદમ્ય સાહસનો પરિચય આપનાર સેના અધિકારીઓ, જવાનોને યાદ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે કારગિલના દ્રાસ ક્ષેત્રમાં હતા, જ્યાં સેનાના જવાનો સાથે તેમણે મુલાકાત કરી. બીજી તરફ, સોશિયલ મીડિયા પર PM મોદીની (PM Narendra Modi) તે સમયની તસવીરો પણ ફરી રહી છે જ્યારે તેમણે કારગિલ યુદ્ધક્ષેત્રની મુલાકાત લીધી હતી. 

    1999માં નરેન્દ્ર મોદી ભાજપ સંગઠન મહાસચિવ હતા. તે સમયે તેઓ કોઇ અધિકારિક હોદ્દા પર ન હતા, છતાં વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ સાથે તેઓ જમીની સ્તરની સ્થિતિ જાણવા માટે ઉદ્યમપુર આર્મી હૉસ્પિટલ પહોંચ્યા હતા. તે સમયે મિલિટરી કમાન્ડ હૉસ્પિટલના કમાન્ડન્ટ મેજર જનરલ વિજય જોશી હતા. તેમણે તાજેતરમાં નરેન્દ્ર મોદીની તે મુલાકાત વાગોળી હતી. 

    તેમણે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ ત્યારે હૉસ્પિટલની મુલાકાત લઈને તમામ ઇજાગ્રસ્ત જવાનોના ખબર અંતર જાણ્યા હતા અને તમામને વ્યક્તિગત મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. તેઓ એકદમ શાંત અને શાલીન હતા પણ સાથે-સાથે જોશ અને ઉર્જાથી પણ ભરપૂર હતા. દરેક વ્યક્તિ તેમની સાથે હળીમળી શકતો હતો. નરેન્દ્ર મોદીએ જવાનો સાથે વાત કરીને શું કરવું જોઈએ, શું ખૂટે છે તેની પણ જાણકારી મેળવી અને તેમના પરિજનો વિશે પણ જાણ્યું હતું.

    - Advertisement -

    પૂર્વ સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, આટલા કપરા અને કઠિન સમયમાં પણ તેમણે સૌ સારવાર લેતા જવાનો, તેમના સાથીઓ, ઉપરી અધિકારીઓ, સપોર્ટ સ્ટાફ સૌને આશ્વાસન આપીને મનોબળ વધાર્યું અને સાથે ઉભા રહ્યા. અધિકારી કહે છે કે, નરેન્દ્ર મોદીની મુલાકાતથી જવાનોમાં પણ એક જોશ અને ઉત્સાહનો સંચાર થયો હતો અને સૌના ચહેરા પર આનંદ દેખાતો હતો. 

    મુલાકાતને લઈને તેઓ કહે છે કે, નરેન્દ્ર મોદી ત્યારે સંગઠનમાં હતા, પરંતુ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ સાથે જે સરકારની ટીમ આવી હતી તેની સાથે તેઓ આવ્યા હતા. જેથી જમીન પરની વાસ્તવિક સ્થિતિ વિશે, જવાનોની સ્થિતિ વિશે જાણી શકાય, ઑપરેશનો વિશે તેમજ સપોર્ટ સિસ્ટમ કેવા પ્રકારની છે અને તેમાં શું જરૂરી છે તે વ્યક્તિગત રીતે જાણી શકાય.

    અંતે મેજર જનરલે (નિવૃત્ત) કહ્યું કે, “આ પ્રકારે યુદ્ધક્ષેત્રમાં આવવું, વ્યક્તિગત રીતે સૌને મળવું, તેમને સાંત્વના, ટેકો અને આશ્વાસન આપવાં…. આવા વ્યક્તિઓ સાચા રાષ્ટ્રભક્ત છે.”

    એ વાત હવે ક્યાંય છૂપી નથી કે દેશના જવાનો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનમાં એક વિશેષ ભાવ રહ્યો છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને વડાપ્રધાન બન્યા પછી પણ સેના સાથે તેમનો વિશેષ સંબંધ રહ્યો છે. ખાસ કરીને દિવાળીના સમયે તેઓ જવાનો વચ્ચે જાય છે અને તહેવારની ઉજવણી કરે છે. કાયમ તેઓ કહેતા રહે છે કે દેશ પોતાના પરિજનો સાથે દિવાળી ઉજવે છે અને હું પણ મારા પરિજનો વચ્ચે આવું છું. 25 વર્ષ પહેલાંની આ ઘટના દર્શાવે છે કે રાષ્ટ્ર અને સેના પ્રત્યે નરેન્દ્ર મોદીનો આદરભાવ માત્ર સત્તા કે પદ પૂરતો સીમિત રહ્યો નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં