ઝેરોધાના સ્થાપક નિખિલ કામત સાથે પીએમ મોદીએ (PM Modi) કરેલ પોડકાસ્ટ (Podcast) હાલ ચર્ચામાં છે. શુક્રવારે (10 જાન્યુઆરી) તેનું પ્રસારણ કરવામાં આવ્યું. આ વાતચીતમાં પીએમ મોદીને તેમના અંગત જીવન, રાજકારણ, તેમની કામ કરવાની રીત વગેરેને લઈને ઘણા પ્રશ્ન કરવામાં આવ્યા અને તેના વડાપ્રધાને વિસ્તૃત જવાબો પણ આપ્યા હતા.
પોડકાસ્ટ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું સમય સાથે તેમની જોખમો લેવાની ક્ષમતા (રિસ્ક ટેકિંગ એબિલિટી) વધી રહી છે? તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, “મને લાગે છે કે મારી જે રિસ્ક ટેકિંગ કેપિસિટી છે, તેનો સંપૂર્ણ ઉપયોગ તો હજુ થયો જ નથી.”
My risk-taking capacity has not been utilized yet. pic.twitter.com/cUqST1A6Pd
— Political Kida (@PoliticalKida) January 10, 2025
તેમણે આગળ કહ્યું કે, “મારી આ ક્ષમતા અનેકગણી વધારે હશે. તેનું કારણ એ છે કે મને મારી ચિંતા જ નથી. હું ક્યારેય મારા વિશે વિચારતો નથી અને જે પોતાના વિશે નથી વિચારતા હોતા તેની પાસે રિસ્ક ટેકિંગ કેપિસિટી અઢળક પ્રમાણમાં હોય છે અને મારો કેસ પણ આવો જ છે.”
વાતચીત દરમિયાન પીએમ મોદીએ શરૂઆતમાં અંગત જીવનને લઈને પણ ઘણી વાતો કરી અને મિત્રોનો પણ ઉલ્લેખ કર્યો. એ જણાવ્યું કે, કઈ રીતે બહુ નાની ઉંમરમાં વડનગર છોડી દીધું હતું અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી પરિવાર, શિક્ષકો અને મિત્રો સાથે મુલાકાત કરી હતી. જોકે, તેઓ કહે છે કે, હવે તેમના જીવનમાં ‘તું’ કહેનારા બચ્યા નથી. જે મિત્રો હતા તેઓ પણ તેમને એક વડાપ્રધાન તરીકે જુએ છે.
તેમણે કહ્યું કે, “હું જ્યારે સીએમ બન્યો ત્યારે મેં એક ભાષણમાં કહ્યું હતું કે, હું મહેનત કરવામાં કોઈ કચાશ રાખીશ નહીં. બીજું, હું મારા માટે કશું નહીં કરું. ત્રીજું. હું મનુષ્ય છું, ભૂલ થઈ શકે છે. પણ બદઇરાદાપૂર્વક નહીં. હું પણ માણસ છું, દેવતા નથી. ભૂલ થઈ શકે છે. પણ જાણીજોઈને, બદઇરાદાથી મેં ક્યારેય ભૂલો કરી નથી.”
રાજકારણ પર પણ તેમણે વાતો કરી. તેમણે કહ્યું કે, રાજકારણી બનવું અલગ વાત છે અને રાજકારણમાં સફળ થવું બીજી. સફળ થવા માટે સમર્પણ હોવું જોઈએ અને જનતાના સુખ-દુઃખના તમે સાથી હોવા જોઈએ. સાથે તમે સારા ટીમ પ્લેયર હોવા જોઈએ. યુવાઓ વિશે તેમણે કહ્યું કે, રાજકારણમાં આવતી વખતે એમ્બિશન લઈને આવવાના સ્થાને મિશન લઈને આવવું જોઈએ, તો સફળતા મળશે.
લગભગ 2 કલાકની આ ચર્ચામાં અન્ય પણ અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.