દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 11 માર્ચે પોલીસને આમ આદમી પાર્ટીના (AAP) સુપ્રીમો અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને અન્ય AAP નેતાઓ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. આ મામલો 2019માં દ્વારકામાં પાર્ટીનાં મોટાં-મોટાં હોર્ડિંગ્સ (Hoardings) લગાવવાનો છે, જેમાં જાહેર ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. આ કેસની સુનાવણી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નેહા મિત્તલે કરી હતી. 11 માર્ચના રોજ તેમણે પોલીસને કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો.
દિલ્હીના એક રહેવાસી શિવકુમાર સક્સેનાએ વર્ષ 2022માં દાખલ કરેલી ફરિયાદ પર કોર્ટે આ આદેશ આપ્યો. ફરિયાદમાં દિલ્હી પ્રિવેન્શન ઓફ ડિફેસમેન્ટ ઓફ પ્રોપર્ટી એક્ટ, 2007ની કલમ 3ના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ન્યાયાધીશે દિલ્હી પોલીસને આગામી સુનાવણીની તારીખે (18 માર્ચ) રિપોર્ટ દાખલ કરવા માટે આદેશ આપ્યો છે.
અરજદાર સક્સેનાએ આરોપ લગાવ્યો હતો કે 2019માં કેજરીવાલ અને અન્ય વ્યક્તિઓએ શહેરના દ્વારકા વિસ્તારમાં ચોક અને રસ્તાઓ, ઇલેક્ટ્રિક થાંભલાઓ, ડીડીએ પાર્કની બાઉન્ડ્રી વોલ અને અન્ય જાહેર સ્થળોએ સામાન્ય જનતા માટે શુભેચ્છાઓ સાથે મોટા કદનાં હોર્ડિંગ્સ લગાવીને જાહેર નાણાંનો દુરુપયોગ કર્યો હતો. કેજરીવાલ ઉપરાંત ફરિયાદીએ તત્કાલીન ધારાસભ્ય ગુલાબ સિંઘ અને મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિકા શર્માને પણ આરોપી બનાવ્યા છે.
સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે, પ્રથમ દૃષ્ટિએ કેસમાં ગુનો બને છે. સાથે ટિપ્પણી કરતાં કહ્યું, “DPDP એક્ટની કલમ 3 હેઠળ સજાપાત્ર ગુનાની ગંભીરતાનો અંદાજ એ તથ્ય પરથી પણ લગાવી શકાય એમ છે કે આ (હોર્ડિંગ્સ) ન માત્ર આંખોમાં ખટકે છે કે સાર્વજનિક ઉપદ્રવનો એક પ્રકાર છે, જેનાથી શહેરની સુંદરતાને તો અસર પડે જ છે પણ યાતાયાતને પણ મોટી અસર કરી છે અને ટ્રાફિકના સુચારુ પ્રવાહ માટે પણ જોખમરૂપ છે. તેનાથી પગપાળા યાત્રીઓ અને વાહનોની સુરક્ષા પર પણ પ્રશ્ન સર્જાય છે. ગેરકાયદેસર હોર્ડિંગ્સ પડવાના કારણે થતાં મૃત્યુ ભારતમાં કોઈ નવી વાત રહી નથી.”
FIR Ordered Against Kejriwal for Alleged Fund Misuse
— Nihal Kumar (@Nihal_kumar0045) March 11, 2025
A Delhi court has ordered an FIR against former CM Arvind Kejriwal and AAP leaders over alleged misuse of public funds for 2019 hoardings in Dwarka. The case involves violation of the Delhi Prevention of Defacement of Property… pic.twitter.com/38fOaqBTHl
અરવિંદ કેજરીવાલ તથા અન્ય AAP નેતાઓ વિરુદ્ધ ગેરકાયદે હોર્ડિંગ્સ મામલે નોંધાશે FIR
નોંધનીય છે કે શિવકુમાર સક્સેનાએ વાસ્તવમાં CrPCની કલમ 156 (3) હેઠળ FIR નોંધવાની માંગ કરી હતી. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે વર્ષ 2019માં તત્કાલીન CM અરવિંદ કેજરીવાલ અને તત્કાલીન AAP ધારાસભ્ય ગુલાબ સિંહ અને તત્કાલીન AAP મ્યુનિસિપલ કાઉન્સિલર નિકિતા શર્માએ દ્વારકામાં ચોક, રસ્તા, વીજળીના થાંભલા, DDA પાર્ક અને અન્ય જાહેર સ્થળોએ સામાન્ય જનતા માટે શુભકામનાઓવાળાં મોટા હોર્ડિંગ્સ લગાવીને જાહેર પૈસાનો દુરુપયોગ કર્યો હતો.
સક્સેનાએ આ અંગે 2019માં દિલ્હી પોલીસ પાસે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ જ્યારે તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં ત્યારે તેમણે કોર્ટનો સંપર્ક કર્યો હતો. બીજી તરફ, દિલ્હી પોલીસે કોર્ટમાં સક્સેનાની અરજીનો વિરોધ કર્યો હતો. દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે ફરિયાદ 2019માં દાખલ કરવામાં આવી હતી અને હાલમાં (2022માં) તે જગ્યાએ કોઈ હોર્ડિંગ લગાવેલ નથી. તેથી આમાં કોઈ સંજ્ઞાનાત્મક ગુનો બનતો નથી.
ત્યારબાદ સપ્ટેમ્બર, 2022માં કોર્ટે સક્સેનાની અરજી ફગાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ તેમણે રિવિઝન પિટિશન દાખલ કરી. જાન્યુઆરી, 2025માં આ અરજી પર સુનાવણી કરતી કોર્ટે ફરીથી મામલો મૅજિસ્ટ્રેટ કોર્ટને મોકલ્યો અને નવેસરથી નિર્ણય કરવા માટે જણાવવામાં આવ્યું.
દિલ્હી પોલીસે કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે હોર્ડિંગ પર પ્રિન્ટિંગ પ્રેસની વિગતો આપવામાં આવી નથી. તેથી તે નક્કી કરવું અશક્ય છે કે તે ક્યાં અને કોના કહેવાથી છપાયાં હતાં. પોલીસે એવી પણ દલીલ કરી હતી કે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત લગભગ 8-10 લોકોનાં નામ આરોપી તરીકે આપ્યાં હતાં, પરંતુ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં મોતાભાગનાં નામ કાઢી નાખવામાં આવ્યાં હતાં. પરંતુ કોર્ટે કહ્યું કે, આવી દલીલો વર્તમાન અરજી પર કોઈ અસર કરતી નથી. તપાસ દરમિયાન કોઈનાં નામ ઉમેરવામાં આવે કે કાઢી નાખવામાં આવે એ એજન્સીનો વિષય છે. તેનાથી ગુનો બન્યો છે કે નહીં તે તથ્ય પર કોઈ અસર થતી નથી.
આદેશમાં ન્યાયાધીશે કહ્યું કે, “આ કોર્ટ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની એ દલીલોમાં કોઈ વજન જોતી નથી, જેમાં તેમણે જણાવ્યું છે કે ઘણો સમય વીતી ગયો હોવાના કારણે આ કેસમાં હવે પુરાવા એકઠા કરવા અશક્ય છે અને પ્રિન્ટિંગ પ્રેસની પણ તેમની પાસે કોઈ વિગતો નથી. કોર્ટ એવું ન વિચારી શકે કે તપાસ એજન્સીને તક આપ્યા વગર જ આ નિષ્કર્ષ પર પહોંચી શકાય, ખાસ કરીને એવા સમયમાં જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમય છે.” સાથે કોર્ટે એમ પણ કહ્યું કે, આ કેસમાં વિલંબ એટલા માટે થયો છે કારણ કે વારંવાર કોર્ટે નિર્દેશ આપ્યા છતાં પોલીસ એક્શન ટેકન રિપોર્ટ દાખલ કરતી ન હતી.