મોદી સમાજ પર કરેલી ટિપ્પણી મામલે થયેલા માનહાનિ કેસમાં સુરતની સેશન્સ કોર્ટમાંથી પણ રાહત ન મળ્યા બાદ રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ અહીંથી પણ તેમને નિરાશા જ સાંપડી છે. હાઇકોર્ટની સિંગલ બેન્ચે આજે ચુકાદો આપતાં રાહુલ ગાંધીની દોષ પર રોક લગાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી અને સેશન્સ કોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો હતો. આ સાથે કોર્ટે અમુક ટિપ્પણીઓ પણ કરી. કોર્ટે નોંધ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ ઓછામાં ઓછા 10 કેસ ચાલી રહ્યા છે અને સેશન્સ કોર્ટના ચુકાદામાં કોઈ હસ્તક્ષેપ કરવાની જરૂર જણાઈ રહી નથી.
#GujaratHighCourt's single-judge bench led by Justice Hemant M Prachchhak dismissed disqualified #Congress leader #RahulGandhi's plea to stay his conviction and suspend two years jail Term in the defamation case.
— Anurag (@LekhakAnurag) July 7, 2023
Judge noted at least 10 criminal cases are pending against him… pic.twitter.com/dPHupxhAu4
ચુકાદો આપતાં ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે, “અરજદાર (રાહુલ ગાંધી) આધારહીન તથ્યોના આધારે દોષ પર રોક લગાવવાની માંગ કરી રહ્યા છે. કાયદાનો એક સુસ્થાપિત સિદ્ધાંત છે કે દોષ પર રોક લગાવવી એ અપવાદ છે, નિયમ નહીં.” કોર્ટે ઉમેર્યું કે, રાહુલ ગાંધી વિરુદ્ધ ઓછામાં ઓછા 10 ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે. આ કેસની ફરિયાદ થયા બાદ પણ મહારાષ્ટ્રમાં વીર સાવરકરના પૌત્ર દ્વારા રાહુલ સામે કેમ્બ્રિજમાં તેમણે સાવરકર વિશે કરેલી ટિપ્પણી બાદ ફરિયાદ દાખલ કરાવી હતી.
કોર્ટે કહ્યું, “વર્તમાન સંજોગોને જોતાં દોષ પર રોક લગાવવાનો ઇનકાર કરવાથી આરોપીને કોઈ પણ રીતે અન્યાય થાય થશે નહીં. આ દલીલોના આધારે કોર્ટ મત ધરાવે છે કે દોષ પર રોક લગાવવા માટે કોઈ વ્યાજબી કારણ નથી. નીચલી કોર્ટે પસાર કરેલો આદેશ ન્યાયસંગત અને યોગ્ય જ છે અને તેમાં કોઈ હસ્તક્ષેપની જરૂર જણાઈ રહી નથી. કોર્ટ આ અરજી ફગાવે છે.”
ઉલ્લેખનીય છે કે આ પહેલાં સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને મળેલી 2 વર્ષની સજા યથાવત રાખી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ હાઇકોર્ટનો સંપર્ક કરતાં કોર્ટે બે તબક્કામાં સુનાવણી હાથ ધરી હતી. ગત 2 મેના રોજ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે મામલાની સુનાવણી હાથ ધરતાં રાહુલ ગાંધીને રાહત આપવાનો હાઇકોર્ટે ઇનકાર કરી દીધો હતો.
હવે કોંગ્રેસ નેતા પાસે સુપ્રીમ કોર્ટ પાસે જવાનો વિકલ્પ બચ્યો છે, જે માટે વહેલી તકે અરજી કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. ત્યાં સુધી તેમનું લોકસભાનું સભ્યપદ રદ જ ગણાશે.