Thursday, April 2, 2026
More
    હોમપેજદેશવક્ફ બાય યુઝર, બોર્ડ-કાઉન્સિલમાં બિનમુસ્લિમ સભ્યો….વક્ફ કાયદાને પડકારતી અરજીઓ પરની સુનાવણીના પ્રથમ...

    વક્ફ બાય યુઝર, બોર્ડ-કાઉન્સિલમાં બિનમુસ્લિમ સભ્યો….વક્ફ કાયદાને પડકારતી અરજીઓ પરની સુનાવણીના પ્રથમ દિવસે સુપ્રીમ કોર્ટમાં શું દલીલો થઈ?

    હવે ગુરુવારે (17 એપ્રિલ) 2 વાગ્યે આ વચગાળાના પ્રસ્તાવિત આદેશ પર દલીલો થશે. હાલ કોર્ટે કોઈ આદેશ આપ્યો નથી. 

    - Advertisement -

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પસાર કરીને લાગુ કરેલા વક્ફ સંશોધન કાયદાને પડકારતી ઢગલેબંધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટની મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સુનાવણી શરૂ કરી છે. બુધવારે (16 એપ્રિલ) કોર્ટે પહેલી સુનાવણી હાથ ધરી, જેમાં કોઈ વચગાળાનો કે પૂર્ણ આદેશ આપવામાં આવ્યો નથી પણ અમુક બાબતો સૂચવી છે, જેની ઉપર દલીલો સાંભળવા માટે કોર્ટે આગામી સુનાવણી બીજા દિવસે 17 એપ્રિલના રોજ મુકરર કરી છે. 

    સુનાવણીના આરંભે મુખ્ય ન્યાયાધીશ ખન્નાએ કહ્યું કે, તેઓ બે મુદ્દા પર પ્રારંભિક તબક્કે વિચારણા કરી રહ્યા છે. એક– શું મામલો સુપ્રીમ સ્તરે વિચારવો જોઈએ કે પછી દેશની કોઈ હાઇકોર્ટને પ્રથમ આ કામ સોંપવું જોઈએ. બીજો– કેસ વિશે અરજદારોની દલીલો શું છે. તેમણે ઉમેર્યું કે, બીજો મુદ્દો પહેલા મુદ્દા પર પણ નિર્ણય કરવામાં મદદરૂપ થશે.

    ત્યારબાદ અરજદારો તરફથી હાજર થયેલા વકીલ કપિલ સિબ્બલે કોર્ટ સમક્ષ દલીલ કરતાં કહ્યું કે, વક્ફ કાયદાની મદદથી મજહબી ભાવનાને લગતી એક મહત્વપૂર્ણ બાબતમાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જે બંધારણના અનુચ્છેદ 26ની ઘણી જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેમનું કહેવું હતું કે સરકારે નવા કાયદામાં વ્યવસ્થા કરી છે કે કોઈ પણ વ્યક્તિ, જે પાંચ વર્ષથી ઇસ્લામ પાળતી હોય, તે જ વક્ફ કરી શકે, પરંતુ કોઈ મુસ્લિમ છે કે નહીં તે નક્કી કરવાનું કામ સરકારનું નથી તેવું સિબ્બલનું કહેવું હતું. 

    - Advertisement -

    જોકે આ તબક્કે મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, આવું તો હિંદુઓમાં પણ થયું છે અને આ કેસમાં આર્ટિકલ 26 કાયદો બનાવતાં રોકી શકે નહીં. 

    ત્યારબાદ કપિલ સિબ્બલે કાયદાની એ બાબત પર પણ વાંધો ઉઠાવ્યો, જેમાં સરકાર જો કોઈ સંપત્તિની પોતાની સંપત્તિ તરીકે ઓળખ કરે તો તે વક્ફ રહેતી નથી. તેમજ વિવાદના કિસ્સામાં કલેક્ટરને તેની તપાસ કરવા માટે કહેવામાં આવશે, જે સરકારનો જ ભાગ છે, જેથી જજ જ પોતાનો નિર્ણય કરશે તેવું થયું– આવી દલીલો કપિલ સિબ્બલે કોર્ટમાં આપી હતી અને કહ્યું કે આ તો ગેરબંધારણીય છે. તેમજ તેમણે એ બાબત પર પણ વાંધો ઉઠાવ્યો કે મામલા પર નિર્ણય ન આવે ત્યાં સુધી સંપત્તિ વક્ફ સંપત્તિ ગણાશે નહીં. 

    કપિલ સિબ્બલે કાયદા સામે વાંધો ઉઠાવતાં આગળ કહ્યું કે, અત્યાર સુધી માત્ર મુસ્લિમો જ કાઉન્સિલ અને બોર્ડનો ભાગ હતા, પણ હવે હિંદુઓ પણ તેનો ભાગ બની શકશે. આ મૂળભૂત અધિકારો પર તરાપ છે. જોકે આ બાબતે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, 2 એક્સ ઓફિસિયો મેમ્બર્સ સિવાય મહત્તમ 2 જ બિનમુસ્લિમ સભ્યો હશે, અને આ બાબત તેઓ એફિડેવિટમાં પણ રજૂ કરશે. 

    વક્ફ બાય યુઝર પર દલીલો કરતાં સિબ્બલે કહ્યું કે, વક્ફ સેંકડો વર્ષ પહેલાં થયાં હતાં અને હવે સરકાર જે 300-300 વર્ષ જૂની સંપત્તિ છે તેના પણ દસ્તાવેજો માંગશે. 

    બીજી તરફ, કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરતાં કહ્યું કે, 8 લાખમાંથી ચાર લાખ સંપત્તિ વક્ફ બાય યુઝર છે. તેમનું કહેવું હતું કે ‘વક્ફ બાય યુઝર’ની વ્યવસ્થા ખતમ થઈ જવાથી આ સંપત્તિઓ પર જોખમ ઊભું થશે. 

    ઉલ્લેખનીય છે કે વક્ફ બાય યુઝરનો અર્થ એ થાય કે કોઈ સંપત્તિ ઔપચારિક ઘોષણા વગર લાંબા સમયથી મઝહબી કે સામુદાયિક પ્રવૃત્તિ માટે વાપરવામાં આવતી હોય તો તેને વક્ફ ઘોષિત કરી શકાય. 1995ના કાયદામાં જોગવાઈ એવી કરવામાં આવી કે તેનો ઉપયોગ બંધ થઈ ગયો હોય તોપણ વક્ફ સંપત્તિ તરીકે યથાવત રહે. 2013ના સંશોધનમાં પણ આ જોગવાઈ મજબૂત કરવામાં આવી અને વક્ફ બોર્ડનું નિયંત્રણ યથાવત રહે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મોદી સરકારે હવે નવા કાયદામાં જોગવાઈ ખતમ કરી છે પણ અગાઉ જે વક્ફ બાય યુઝરથી સંપત્તિઓ ઘોષિત થયેલી હતી એનો દરજ્જો યથાવત રહેશે. 

    CJIએ જોકે પ્રશ્ન કર્યો કે વક્ફ બાય યુઝરની નોંધણી કઈ રીતે થઈ શકે? તેમની પાસે કયા દસ્તાવેજો હશે? અમુક દુરુપયોગ પણ થતો હશે, પણ સાથે-સાથે આધારભૂત કેસો પણ હશે. જો તમે વક્ફ બાય યુઝરને ‘અનડૂ’ કરો તો સમસ્યા થશે. 

    SG મહેતાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, “અહીં દલીલો કરવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર હકો પર તરાપ મારી રહી છે. પણ આ જોગવાઈઓ 1995 અને 2013ના કાયદામાં પણ હતી અને સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ હતું જ. આ માત્ર એક સલાહકાર બોડી છે.” અહીં CJIએ SG મહેતાને પ્રશ્ન કર્યો કે શું તેઓ (સરકાર) હિંદુ મંદિરોનાં ટ્રસ્ટમાં મુસ્લિમોને પ્રવેશ આપશે કે કેમ? ત્યારબાદ પ્રશ્ન કર્યો કે શું તેઓ કોર્ટ સમક્ષ એ નોંધાવવા માટે તૈયાર છે કે 2 હોદ્દાની રૂએ જે સભ્યો હોય તેના સિવાય 2થી વધુ બિનમુસ્લિમ સભ્યો નહીં હોય? તેના જવાબમાં SGએ કહ્યું કે, તેઓ એફિવિટમાં આ બાબત સ્પષ્ટ કરશે. 

    અંતે CJIએ કહ્યું કે, પહેલો વિકલ્પ તેમની પાસે એ છે કે તેઓ મામલાની સુનાવણી આગળ ચલાવે. અથવા તેઓ કોઈ પણ એક હાઇકોર્ટ પાસે મામલો મોકલી શકે. ત્યારબાદ વકીલોએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે જ મામલો સાંભળવો જોઈએ. 

    CJIએ કહ્યું કે તેઓ એક વચગાળાના આદેશ પર વિચાર કરી રહ્યા છે. જેમાં જણાવવામાં આવશે કે જે સંપત્તિ કોર્ટે વક્ફ ઘોષિત કરવા માટે નિર્દેશિત કરી હોય તેને ડિનોટિફાય કરી શકાશે નહીં કે બિનવક્ફ તરીકે જોઈ શકાશે નહીં, એ પછી વક્ફ બાય યુઝર હોય કે ન હોય. બીજું– કલેક્ટર પ્રક્રિયાઓ ચાલુ રાખી શકે, પણ જોગવાઈઓ લાગુ પડશે નહીં. ત્રીજું– બોર્ડ અને કાઉન્સિલમાં હોદ્દાની રૂએ જે સભ્યોને નીમવા પડે એ નીમી શકાશે, પણ બાકીના તમામ સભ્યો મુસ્લિમો હોવા જોઈએ. 

    જોકે સોલિસિટર જનરલે વિનંતી કરતાં કહ્યું કે, વચગાળાનો આદેશ પસાર કરવામાં આવે તે પહેલાં તેની ઉપર દલીલ કરવી જરૂરીછે. CJIએ કહ્યું કે, કાયદો પસાર થઈ ગયો હોય ત્યારે કોર્ટ એડમિશન સ્ટેજ પર કોઈ આદેશ આપતી નથી, પણ આ કેસમાં કોર્ટ વિચારી રહી છે કે જો વક્ફ બાય યુઝર ડિનોટિફાય થશે તો દુષ્પરિણામો આવી શકે છે. ત્યારબાદ મામલાને બીજા દિવસે 2 વાગ્યા સુધી ટાળી દેવામાં આવ્યો. હવે ગુરુવારે (17 એપ્રિલ) 2 વાગ્યે આ વચગાળાના પ્રસ્તાવિત આદેશ પર દલીલો થશે. હાલ કોર્ટે કોઈ આદેશ આપ્યો નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં