આગામી 22 નવેમ્બરના રોજ વર્ચ્યુઅલ G20 સમિટ યોજાવા જઈ રહી છે, જેની અધ્યક્ષતા ભારત કરશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ સમિટ માટે તમામ સભ્ય દેશો તેમજ આમંત્રિત દેશોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમિટમાં સપ્ટેમ્બરમાં યોજાયેલા G20 શિખર સંમેલનમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેની ઉપર વધુ ચર્ચા થશે તેમજ ભારત આધિકારિક રીતે અધ્યક્ષતા બ્રાઝીલને સોંપી દેશે.
ભારતની G20 અધ્યક્ષતા 30 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે. નિયમો અનુસાર, દરેક દેશ 1 ડિસેમ્બરથી લઈને 30 નવેમ્બર સુધી G20નો અધ્યક્ષ રહે છે. આ વર્ષે આ અધ્યક્ષતા ભારત પાસે હતી. જેના ભાગરૂપે જ દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરના રોજ સમિટ યોજાઈ હતી. આ જ સમિટના સમાપન ભાષણ દરમિયાન પીએમ મોદીએ નવેમ્બર મહિનામાં એક વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરવાનું એલાન કર્યું હતું. હવે આ સમિટ 22 નવેમ્બરે યોજાશે.
India announces Virtual #G20 Summit chaired by Prime Minister Modi will be held on Nov 22 & India will finally pass on the presidency to Brazil on Nov 30 pic.twitter.com/huobLPQ7Lu
— Siddhant Mishra (@siddhantvm) November 18, 2023
વિદેશ મંત્રાલયે શનિવારે (18 નવેમ્બર) આ અંગે આધિકારિક જાહેરાત કરી હતી. મંત્રાલયે જણાવ્યું કે, આ સમિટની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અને તે માટે આફ્રિકન યુનિયન સહિત સમૂહના તમામ દેશો તેમજ 9 આમંત્રિત દેશોને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મંત્રાલયની આધિકારિક અખબારી યાદી જણાવે છે કે, આ સમિટમાં સપ્ટેમ્બર શિખર સંમેલનમાં જે મુદ્દાઓ પર સહમતી બની હતી તે ક્ષેત્રોમાં કેટલું કાર્ય થયું અને શું પરિણામો મળ્યાં તે અંગે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે. આ સિવાય 17 નવેમ્બરે યોજાયેલી દ્વિતીય વોઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટમાં જે મુદ્દાઓ ચર્ચાયા હતા તેને પણ G20 સમક્ષ મૂકવામાં આવશે. આગળ જણાવવામાં આવ્યું કે, વર્ચ્યુઅલ G20 સમિટનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય મંચોને અસર કરતા વિભિન્ન G20 નિર્ણયોના અસરકારક અમલીકરણ પર ભાર આપવા માટેની દિશામાં આગળ વધવાનો છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યા અનુસાર, આ વર્ચ્યુઅલ સમિટના સમાપન બાદ ભારત આધિકારિક રીતે બ્રાઝિલને આગામી વર્ષની G20 અધ્યક્ષતા સોંપશે. ઉલ્લેખનીય છે કે શિખર સંમેલનના સમાપન દરમિયાન પણ પીએમ મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિને અધ્યક્ષતા સોંપી હતી, પરંતુ તે પ્રતીકાત્મક હતું, કારણ કે નિયમાનુસાર ભારત પાસે અધ્યક્ષતા 30 નવેમ્બર સુધી છે.
એ પણ નોંધનીય છે કે ભારતની અધ્યક્ષતામાં 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન પાટનગર દિલ્હીમાં G20 સમિટનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં, બ્રિટીશ પીએમ ઋષિ સુનક, ઈટલી પીએમ જ્યોર્જિયા મેલોની સહિતના વૈશ્વિક નેતાઓએ ભાગ લીધો હતો અને સમિટ અત્યાર સુધીની સફળતમ સંમેલનો પૈકીની એક રહી હતી.