Tuesday, July 2, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સ‘કપ જીતવાનું સપનું સાકાર થયું, હવે આગલી પેઢીને તક આપવામાં આવે’: વર્લ્ડ...

    ‘કપ જીતવાનું સપનું સાકાર થયું, હવે આગલી પેઢીને તક આપવામાં આવે’: વર્લ્ડ કપમાં ભવ્ય વિજય બાદ વિરાટ કોહલી-રોહિત શર્માની T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ

    વિરાટ કોહલીએ પહેલી T20 મેચ વર્ષ 201૦માં રમી હતી. ત્યારબાદ તેઓ ઘણા વર્લ્ડ કપ રમ્યા છે. કુલ મેચની વાત કરવામાં આવે તો તેમણે 125 મેચ રમી છે, જેમાં 48.69ની એવરેજથી 4188 રન બનાવ્યા.

    - Advertisement -

    આખરે 17 વર્ષો બાદ ભારતે શનિવારે (29 જૂન, 2024) સાઉથ આફ્રિકાને તેના ઘરમાં હરાવીને ફરી એક વખત T20 વર્લ્ડ કપ જીત્યો. આ ભવ્ય અને ઐતિહાસિક જીતની દેશભરમાં ઉજવણી થઈ રહી છે અને ખેલાડીઓ પર શુભેચ્છાઓનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના બે ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. 

    બંને ખેલાડીઓએ મેચ પૂર્ણ થયા બાદ આ જાહેરાત કરી હતી. મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું કે, આ તેમનો અંતિમ T20 વર્લ્ડ કપ હતો અને જીત મેળવીને પોતે ખૂબ ખુશ છે. તેઓ આવું જ પરિણામ ઇચ્છી રહ્યા હતા. તેમણે કહ્યું કે, હવે નવી પેઢીને તક મળવી જોઈએ, જેમાં ઘણા સારા ખેલાડીઓ છે. તેમણે ઉમેર્યું કે, આ તેમની અંતિમ T20 મેચ હતી અને તેઓ કપ જીતવા માંગતા હતા, જે સપનું પૂર્ણ થયું છે.

    મેચ બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન કોહલીએ કહ્યું, “આ એક ઓપન સિક્રેટ જેવું છે. કદાચ આપણે હારી પણ ગયા હોત તોપણ મેં જાહેરાત કરી દીધી હોત. આ મારો અંતિમ T20 વર્લ્ડ કપ હતો, હવે નવી પેઢી માટે આગળ વધવાનો સમય છે. હજુ બે વર્ષનો સમય છે (T20 વર્લ્ડ કપ દર બે વર્ષે રમાય છે), ભારતમાં ઘણા સારા ખેલાડીઓ છે. તેઓ T20 ફોર્મેટમાં ભારતને આગળ લઇ જશે અને આપણે તેમને IPLમાં રમતા જોઈએ છીએ એવું જ પ્રદર્શન અહીં પણ કરશે. તેઓ આ ટીમને અહીંથી આગળ લઇ જશે અને દેશનો ઝંડો ઊંચો રાખશે તેમાં મને કોઈ શંકા નથી.” 

    - Advertisement -

    વિરાટ કોહલીએ પહેલી T20 મેચ વર્ષ 201૦માં રમી હતી. ત્યારબાદ તેઓ ઘણા વર્લ્ડ કપ રમ્યા છે. કુલ મેચની વાત કરવામાં આવે તો તેમણે 125 મેચ રમી છે, જેમાં 48.69ની એવરેજથી 4188 રન બનાવ્યા. સાઉથ આફ્રિકા સામેની મેચમાં પણ તેમણે ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 

    રોહિત શર્માની પણ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ 

    વિરાટ કોહલી બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી હતી. મેચ બાદ યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું કે, “આ મારી અંતિમ T20 મેચ હતી. આ ફૉર્મેટને અલવિદા કહેવાનો આનાથી સારો સમય કોઇ નથી. મેં આની દરેક ક્ષણને જીવી છે. આ જ ફોર્મેટ રમીને મેં ભારતીય ક્રિકેટ ટીમમાં મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. હું આ જ ઇચ્છતો હતો, મારે કપ જીતવો હતો.”

    આગળ રોહિત શર્માએ કહ્યું કે, “મારે આ જ જોઈતું હતું. આ ક્ષણોને શબ્દોમાં ઢાળવી બહુ કઠિન છે. મારા માટે આ ભાવુક ક્ષણો છે. મારે કોઇ પણ રીતે કપ જીતવો હતો, આખરે અમે જીતી શક્યા એનો આનંદ છે.”

    રોહિત શર્માએ ભારત તરફથી કુલ 159 T20 મેચ રમી, જેમાં 32ની એવરેજથી કુલ 4231 રન બનાવ્યા છે. એક કેપ્ટન રહેતાં તેઓ T20માં હાઈએસ્ટ રન સ્કોરર રહ્યા છે. આ વર્લ્ડ કપમાં પણ તેમના નામે 257 રન બોલે છે, જે યાદીમાં બીજો ક્રમ છે. 

    T20 ફોર્મેટમાંથી બંને ખેલાડીઓની નિવૃત્તિ બાદ દેશભરમાંથી તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ચાહકો કહી રહ્યા છે કે આ રીતે ટોચ પર હોઈએ ત્યારે છોડવું કઠિન કામ છે, પરંતુ બંનેએ યોગ્ય નિર્ણય લીધો. જોકે, આ નિવૃત્તિ માત્ર T20 ફોર્મેટમાંથી છે. બાકીનાં ફૉર્મેટમાં બંને ખેલાડીઓ રમતા રહેશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં