મોહરમના તહેવાર પર આ વખતે પણ દેશભરમાં જુલુસ કાઢવામાં આવી રહ્યાં છે અને આ વખતે પણ દેશમાં ઘણે ઠેકાણે વિવાદ અને હિંસાની ઘટનાઓ સામે આવી છે. અમુક ઠેકાણે મારપીટ પણ થઈ છે. અનેક જિલ્લાઓમાં પ્રશાસન અને પોલીસ વિભાગને એલર્ટ પર મૂકવામાં આવ્યાં છે અને વધારાનો બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે.
રાજસ્થાનના કુંભલગઢમાં કિલ્લા પરિસરમાં મોહરમના જુલુસની અનુમતિ મામલે પાંચેક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. મુસ્લિમ સંગઠનો જુલુસ કાઢવાની જીદ કરી રહ્યાં છે અને હિંદુ સંગઠનો વિરોધ નોંધાવી રહ્યાં છે. સંગઠનોનું કહેવું છે કે હનુમાન જયંતી અને મહારાણા પ્રતાપ જયંતી પર પણ કિલ્લામાં જવાની અનુમતિ ન હોય તો પછી મોહરમ પર વિશેષ અનુમતી શા માટે આપવામાં આવવી જોઈએ?
UPના રાયબરેલીમાં બબાલ
ઉત્તર પ્રદેશના રાયબરેલીના કુઢા ગામમાં શુક્રવારે (4 જુલાઈ) પરવાનગી વગર મોહરમનું જુલુસ કાઢવાથી વિવાદ થયો. ઘરોની બહારથી જુલુસ જઈ રહ્યું હતું અને તેમાં સામેલ અમુક લોકોએ આપત્તિજનક નારા લગાવ્યા. લોકોએ વિરોધ કર્યો તો મુસ્લિમ સમુદાયના લોકો ઉશ્કેરાઈને હિંસા કરવા માંડ્યા.
તેમણે લાઠી-દંડા વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે. વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી. પોલીસે આ મામલે સાજિદ, સોનું, અટ્ટુ, અમરોઝ, શબ્બીર સહિત 150 લોકો વિરુદ્ધ મારપીટ અને તોડફોડ સહિતની કલમો હેઠળ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મહારાજગંજમાં ભાજપ નેતા સાથે મારપીટ
ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં મોહરમના જુલુસ દરમિયાન ભાજપ નેતા શિવભૂષણ ચૌબે સાથે મારપીટની ઘટના બની. તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને ઘેરી લેવામાં આવ્યા અને ગાળાગાળી કરીને મારપીટ કરવામાં આવી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી, જેમણે સ્થળ પર પહોંચીને ભાજપ નેતાને બચાવ્યા. આ મામલે ત્રણ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવી છે.
પેલેસ્ટાઇનની ટીશર્ટ પહેરીને જુલુસમાં જોડાયા કટ્ટરપંથીઓ
આ પહેલાં શ્રીનગરથી એક કેસ સામે આવ્યો હતો, જેમાં મોહરમના જુલુસમાં અમુક લોકો પેલેસ્ટાઇનનો ઝંડો લઈને ફરતા જોવા મળ્યા હતા. દેવરિયામાં પણ જુલૂસમાં એક ઇસમ પેલેસ્ટાઇનની ટીશર્ટ પહેરીને આવ્યો હતો, જેને પછીથી પોલીસે કસ્ટડીમાં લઈ લીધો.
આઝમગઢમાં જુલુસમાં આવેલાઓ વચ્ચે જ તકરાર
આઝમગઢમાં મોહરમના જુલુસ દરમિયાન મુસ્લિમ યુવકો એકબીજા સાથે બાખડી પડ્યા. એક તરફ શાહબુદ્દીન અને બીજી તરફ સાહિલ, સમીર, મહબૂબ, સાજિદ, અફઝલ વગેરે વચ્ચે લાઠી-દંડા ચાલ્યા અને ધારદાર હથિયારોનો પણ ઉપયોગ થયો. જેમાં 7 લોકોને ઈજા પહોંચી છે.
પોલીસ અનુસાર, એકબીજા વિરુદ્ધ નારાબાજીના કારણે વિવાદ શરૂ થયો હતો. શાહબુદ્દીનની ફરિયાદ બાદ બંને પક્ષોના કુલ 6 ઓકોને હિંસા ફેલાવવાના આરોપસર પકડી લેવામાં આવ્યા હતા.
કોલકાતાના રેલવે સ્ટેશન પર તલવારો લહેરાવી
કોલકાતાના સિયાલદાહ રેલવે સ્ટેશન પર અમુક મુસ્લિમ યુવકો તલવારો લઈને લોકલ ટ્રેનમાં ચડી ગયા હતા, જ્યાં તલવારો લહેરાવતાં એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યો. ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ લોહીથી લથબથ જોવા મળે છે. સ્ટેશન પર પણ લોહી પડેલું જોવા મળ્યું હતું. આ ઘટના પણ મોહરમ પહેલાં બની હતી.