અગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને કર્ણાટકમાં કોંગ્રેસે જાહેર કરેલા પોતાના ઘોષણાપત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધ લાદવાની વાત કરીને વિવાદ વહોરી લીધો છે. ભારતીય જનતા પાર્ટી હોય કે RSS, તમામે આ મામલે વિરોધ દર્શાવ્યો છે. વિવાદ વધુ વકરતાં હવે કોંગ્રેસે ડેમેજ કન્ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હોય તેમ જણાઈ રહ્યું છે. હિંદુ સંગઠન પર પ્રતિબંધ લાદવાની ઘોષણા બાદ કર્ણાટકના પૂર્વ CM એમ. વીરપ્પા મોઈલીએ વણસતી પરિસ્થિતિ જોઇને કહ્યું કે, બજરંગ દળ પર પ્રતિબંધનો કોઈ પ્રસ્તાવ નથી અને રાજ્ય પ્રતિબંધ મૂકી શકે નહીં.
અહેવાલો અનુસાર તેમણે ઉડુપીમાં પત્રકારોને સંબોધતા આ વાત કહી હતી. કર્ણાટકમાં બજરંગ દળ પર પ્રતિબંધ લાદવાની ઘોષણા બાદ વીરપ્પા મોઈલીએ મેનિફેસ્ટોની વિવાદિત ઘોષણાને છાવરતા કહ્યું કે, “કોંગ્રેસે નફરતની રાજનીતિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણીઓની પૃષ્ઠભૂમિ મુજબ ઘોષણાપત્રમાં બજરંગ દળ જેવાં સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહીની વાત કરી હતી, નહીં કે પાર્ટીના સત્તામાં આવ્યા બાદ કોઈ સંગઠન પર પ્રતિબંધ લાદવાની.”
‘રાજ્યને સંગઠનો પર પ્રતિબંધ લાદવાનો અધિકાર નથી’: મોઈલી
મોઈલીએ પત્રકારોને સંબોધતા પાર્ટી અને ઘોષણાપત્રથી વિપરીત સ્ટેન્ડ લઈને કહ્યું હતું કે, રાજ્ય સરકારને કોઈ પણ સંગઠન પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર નથી હોતો. તેમણે સરદાર પટેલનું નામ લઈને પાર્ટીને વર્તમાનના વિવાદિત વંટોળથી ઉગારવા કહ્યું કે, “સરદાર પટેલે એક સમયે RSS પર પ્રતિબંધ લાદ્યો હતો, આગળ જતા જેને જવાહરલાલ નહેરુએ રદ કર્યો હતો.”
કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ પાર્ટીનો બચાવ કરતા આગળ કહ્યું કે, “નફરતની રાજનીતિ પર સુપ્રીમકોર્ટનું વલણ બહુ સ્પષ્ટ છે, જેના કારણે જ કોંગ્રેસે ઘોષણાપત્રમાં આ પ્રકારની વાત કહી હતી. પરંતુ બજરંગ દળ પર પ્રતિબંધ લાદવાનો અમારો કોઈ જ ઈરાદો નથી, કેરળના કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે શિવકુમારે આજે આ વાતને સ્પષ્ટ કરી છે.”
શું હતો આખો વિવાદ?
નોંધનીય છે કે કર્ણાટકમાં અગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને કોંગ્રેસે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું, જેમાં તેણે બજરંગ દળની તુલના આતંકવાદી સંગઠન PFI સાથે કરીને તેના પર પ્રતિબંધ લદવાની જાહેરાત કરી હતી. જેના થોડા સમય બાદ જ વડાપ્રધાન મોદીએ તેને બજરંગ બલીનું અપમાન ગણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતે જણાવ્યું હતું કે, પહેલા કોંગ્રેસે ભગવાન રામને તાળામાં બંધ કર્યા, અને હવે આ જય બજરંગબલી બોલનારા લોકોને પણ બંધ કરવા માંગે છે.
કર્ણાટકમાં પોતાના ઘોષણા પત્રમાં બજરંગદળની સરખામણી PFI સાથે કરીને કોંગ્રેસે તેના પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી દીધા બાદ છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ તેમાં સહમતીનો રાગ આલાપીને રાજ્યમાં બજરંગીઓને ‘ઠીક’ કરવાની વાત કરી હતી, બાકી રહી જતું હતું તો રાજસ્થાન કોંગ્રેસ પણ બજરંગ દળ પર ખાર કાઢવા વહેતા પાણીમાં હાથ ધોઈ રહી હોય તેમ, રાજસ્થાનના કોંગ્રેસના મંત્રી ગોવિંદ મેઘવાલે પણ બજરંગીઓ પર આક્ષેપો કરતા કહ્યું હતું કે, રાજ્યમાં બજરંગદળ અપરાધ કરશે તો અમે પણ તેના પર પ્રતિબંધ લગાવીશું.