વડાપ્રધાન મોદી બે દિવસીય આંધ્રપ્રદેશ અને કેરળની મુલાકાતે છે. જે દરમિયાન તેમણે મંગળવારે (16 ડિસેમ્બર) આંધ્રપ્રદેશના વિરભદ્ર મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ભગવાન વિરભદ્રની પૂજા-અર્ચના કરી હતી અને તે પછી તેઓ રામ ભજનમાં તલ્લીન થતાં નજરે પડ્યા હતા. જે બાદ PM મોદીએ હવે કેરળના પ્રસિદ્ધ શ્રીકૃષ્ણના ગુરુવાયુર મંદિરમાં પૂજા-અર્ચના કરી છે. કેરળના ત્રિશૂર જિલ્લામાં સ્થિત આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપને સમર્પિત છે. ઉલ્લેખનીય છે કે, કેરળ પહોંચ્યા બાદ PM મોદીએ રોડ શોનું પણ આયોજન કર્યું હતું. જે બાદ તેઓ પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરે પૂજા-અર્ચના માટે ગયા હતા.
બુધવારે (17 જાન્યુઆરી) PM મોદીએ કેરળના ત્રિશૂર જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ ગુરુવાયુર મંદિરની મુલાકાત લીધી હતી. ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત આ મંદિરમાં તેમણે પૂજા-અર્ચના કરી હતી. કૃષ્ણ મંદિરની મુલાકાત બાદ PM મોદી ત્રિશૂર જિલ્લાના જ ત્રિપ્રયાર શ્રીરામ સ્વામી મંદિરમાં પણ પૂજા-અર્ચના કરશે. જે બાદ તેઓ કોચી પરત ફરશે. કોચીના વિલિંન્ગડન દ્વીપ ખાતે તેઓ ₹4000 કરોડના પ્રોજેક્ટ કોચીન શિપયાર્ડ લિમિટેડ આંતરરાષ્ટ્રીય શીપ રીપેર સેન્ટર અને નવી ટ્રાય ડોક રાષ્ટ્રને સમર્પિત કરશે.
#WATCH | Prime Minister Narendra Modi performs pooja and darshan at Guruvayur Temple in Guruvayur, Kerala. pic.twitter.com/rm8j7aii9W
— ANI (@ANI) January 17, 2024
જે બાદ PM મોદી અહિયાં મરીન ડ્રાઈવ પર લગભગ 6,000 ‘શક્તિ કેન્દ્રો’ના પ્રભારીઓની પાર્ટી બેઠકને સંબોધિત કરશે. જે બાદ સાંજના સમયે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. નોંધનીય છે કે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને હવે માત્ર 6 દિવસ બાકી છે. તેવા સમયે PM મોદી ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. મીડિયામાં એવી ચર્ચાઓ વહેતી થઈ છે કે, PM મોદીના કઠોર અનુષ્ઠાનના ભાગરૂપે તેઓ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને ધન્યતા અનુભવી રહ્યા છે.
ઉલેખનીય છે કે, કેરળ પહોંચ્યા પહેલાં PM મોદી મંગળવારે (16 જાન્યુઆરી) આંધ્રપ્રદેશના લેપાક્ષીમાં સ્થિત વિરભદ્ર મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન વિરભદ્રની પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન તેમણે મંદિરમાં રંગનાથ રામાયણની ચોપાઈ પણ સાંભળી હતી. જે બાદ તેઓ રામ ભજન સાંભળીને માત્રમુગ્ધ થતાં નજરે પડ્યા હતા. વિરભદ્ર મંદિર રામાયણના ઐતિહાસિક સ્થળો સાથે જોડાયેલું છે. એવું કહેવાય છે આ સ્થળ પર પક્ષીરાજ જટાયુ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. જે બાદ પ્રભુ શ્રીરામે જટાયુની અંતિમવિધિ પણ આ સ્થળે કરી હતી.