ભારતીય રેલવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નેટવર્ક દિવસે ને દિવસે વધારી રહી છે. તે અંતર્ગત રેલવે વિભાગે અમદાવાદ-મુંબઈ વચ્ચે વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. હાલ ગાંધીનગર-મુંબઈ વચ્ચે એક વંદે ભારત ટ્રેનનું સંચાલન થઈ રહ્યું છે. જે અમદાવાદ સ્ટેશન પર ઊભી રહે છે. પરંતુ મુસાફરોની માંગ અને ઘસારાને ધ્યાને લઈને અમદાવાદથી જ ટ્રેન સંચાલિત કરવાનો નિર્ણય લેવાયો છે. જાણવા મળી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી 12 માર્ચે વર્ચ્યુઅલી 10 ટ્રેનોને લીલીઝંડી બતાવશે. જેમાં અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે પણ ખૂબ આગળ વધી રહ્યુ છે ત્યારે રાજ્યને અન્ય રાજ્યોના મહત્વના શહેરો સાથે જોડવામાં આવે તે જરૂરી છે. અમદાવાદથી મુંબઈ વેપારના કામ માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા જતા હોય છે તેમને સુવિધા મળી રહે અને સમયની બચત થાય તે માટે PM મોદી ગુજરાતને ચોથી વંદે ભારત ટ્રેનની ભેટ આપી રહ્યા છે. જે અમદાવાદ-મુંબઈ રુટ પર દોડશે. આ વંદે ભારત ટ્રેન સોમથી શનિવાર સુધી નિયમિત દોડશે. એટલે કે અઠવાડિયામાં છ દિવસ મુસાફરોને આ ટ્રેનનો લાભ મળી રહેશે. જ્યારે રવિવારના દિવસે આ ટ્રેન નહીં દોડે.
નવી શરૂ થનારી ટ્રેન 160 KM પ્રતિ કલાકની ઝડપે દોડશે. સાથે તેનો કલર પણ લેટેસ્ટ ભગવો હશે. આ ટ્રેન સવારે 6:10 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશનથી રવાના થશે અને 7:6 કલાકે વડોદરા પહોંચશે. તે બાદ 8:30 કલાકે તે સુરત અને 9:33 કલાકે વાપી પહોંચશે. જ્યારે 10:59 કલાકે બોરીવલી અને 11:35 કલાકે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશને પહોંચશે. પરત ફરતી વખતે તે ટ્રેન બપોરે 3:55 કલાકે મુંબઈ સેન્ટ્રલ પરથી રવાના થશે અને સાંજે 4:26 કલાકે બોરીવલી પહોંચશે. જ્યારે સાંજે 5:53 કલાકે વાપી અને 6:55 કલાકે સુરત પહોંચશે. ત્યાંથી નીકળીને તે 8:21 કલાકે વડોદરા અને 9:25 કલાકે અમદાવાદ પહોંચશે. રવિવાર સિવાયના તમામ દિવસે ટ્રેન ચાલુ રહેશે.
આ ઉપરાંત અમદાવાદ અને જામનગર વચ્ચે ચાલી રહેલી હાલની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવશે.આ ટ્રેન સવારે 4 કલાકે દ્વારકાથી ઉપડીને 10 વાગ્યે અમદાવાદ પહોંચશે અને સાંજના 6 વાગ્યે અમદાવાદથી ઉપડીને રાત્રે 12 કલાકે દ્વારકા પહોંચશે.
ગુજરાતને અગાઉ ત્રણ વંદે ભારત ટ્રેનોની મળી હતી ભેટ
નોંધનીય છે કે, આ પહેલાં ગાંધીનગરથી મુંબઈ, જોધપુરથી સાબરમતી અને અમદાવાદ-જામનગર રૂટ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થઈ હતી. ત્યારે હવે મુંબઈને જોડતી વધુ એક વંદે ભારત ટ્રેનનો લાભ મુસાફરોને મળશે. કોઈપણ પ્રકારની ખામી રહી ન જાય તે માટે ટ્રેનના તમામ કોચ એસી, એક્ઝિક્યુટિવ, ચેરકાર, સીસીટીવી, વાઇફાઇ તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદ -મુંબઈ રૂટ પર આ બીજી ટ્રેન શરૂ થવાની છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યને પહેલી વંદે ભારત ટ્રેન એક વર્ષ પહેલાં 30 સપ્ટેમ્બર 2022ના ગાંધીીનગર-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે મળી હતી. બીજી વંદે ભારત એક્સપ્રેક્સ ટ્રેન અમદાવાદ અને રાજસ્થાનના જોધપુર રૂટ પર 7 જુલાઈ, 2023ના રોજ મળી હતી. તેમજ અમદાવાદના સાબરમતી સ્ટેશનથી સૌરાષ્ટ્રના જામનગરને જોડતી વંદે ભારત ટ્રેન 24 સપ્ટેમ્બર 2023માં શરૂ કરવામાં આવી હતી.