ગુજરાત હાઈકોર્ટની આકરી ઝાટકણી બાદ મોટાભાગના શહેરોમાં ગેરકાયદેસર રીતે ચાલતી માંસ-મચ્છી નોનવેજની લારી-દુકાનોના દબાણ અને ગેરકાયદે ચાલતા કતલખાના દુર કરવામાં આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં વડોદરા મનપા દ્વારા પણ જેતલપુર બ્રિજ નીચે આવલી મચ્છી માર્કટના દબાણો દુર કરવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.
અહેવાલ અનુસાર વડોદરા મ્યુનિસિપિલ કોર્પોરેશને ગેરકાયદેસર રીતે ચાલતા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવી પરિસ્થિતિમાં નોનવેજ વેચતી લારી-દુકાનો પર આ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન વેપારીઓ સાથે થોડી બોલચાલ પણ થઇ હતી. પરંતુ વડોદરા મનપા દ્વારા પોલીસને સાથે રાખીને આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે આ પહેલા 1લી જાન્યુઆરીના રોજ પણ વડોદરા મનપા દ્વારા આવી કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટની પિટિશન પછી ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. તે સમયે વડોદરા મનપાના આરોગ્ય વિભાગ, દબાણ શાખાએ વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને લાઈસન્સ વગર ધમધમતી 39 નોનવેજની દુકાનો સીલ કરવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે આવી જ કાર્યવાહીઓ પ્રશાસન દ્વારા અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં પણ કરવામાં આવી હતી. અને હજુ પણ સમયાનુસાર આવી કાર્યવાહીઓ થતી જ રહે છે.
ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા હાઇકોર્ટનો આદેશ
ગત મહિને રાજ્યમાં ગેરકાયદેસર રીતે ધમધમતા કતલખાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ગેરકાયદે ચાલતા કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. ગેરકાયદે ચાલતા કતલખાના પર હાઇકોર્ટે મોટો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, “લાયસન્સ વિનાની તમામ દુકાનો બંધ કરો. સીલિંગ કાર્યવાહી કરવાની હોઈ તો ટીમ બનાવો.”
ઉલ્લેનીય છે કે, ગુજરાતમાં બેધડક ચાલતા કતલખાના પર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 12 જેટલા કતલખાનાને લાયસન્સ અપાયું છે. છતાં એક આંકડા મુજબ, લગભગ 354 જેટલા કતલખાના ધમધમે છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રાજ્ય સરકાર ગેરકાયદેસર કતલખાના સામે કાર્યવાહી કરતી ન હોવાનો અરજીમાં અરજદારે દાવો કર્યો હતો.
તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ દ્વારા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા પણ તમામ ગેરકાયદે દુકાનો સીલ કરવા આદેશો કરાયા છે. ૨૯૭માંથી ૬૩ દુકાનો-કતલખાના જ સીલ કરાયા હોવાનું કોર્ટે નોંધ્યું હતું. 700થી વધુ દુકાનોમાંથી 297 દુકાનો પાસે લાયસન્સ ન હોવાનો સરકારે જવાબ આપ્યો હતો. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે, આ કાર્યવાહીથી અમે સંતુષ્ટ નથી. સરકારને વિસ્તૃત જવાબ ફાઈલ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો.