વડોદરાની (Vadodara) MS યુનિવર્સિટીના (M.S University) હિન્દી વિભાગના એક પ્રોફેસર (Professor) મોહમ્મદ અઝહર ઢેરીવાલાની (Mohammad Azhar Dheriwala) ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું છે. તેના પર તેની જ એક હિંદુ વિદ્યાર્થિની (Hindu female student) સાથે બીભત્સ હરકતો કરી અને ધમકી આપવાનો આરોપ છે. પીડિત વિદ્યાર્થિનીની એક મિત્રએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરીને આરોપી પ્રોફેસરની ધરપકડ કરી છે. ફરિયાદમાં એવો પણ આરોપ છે કે, પ્રોફેસર મોહમ્મદ ધર્માંતરણ માટેનું દબાણ કરી રહ્યો હતો. જોકે, આરોપી પ્રોફેસરે આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ સમગ્ર ઘટના શનિવારે (11 જાન્યુઆરી) સામે આવી છે. વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં હિન્દી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો હતો કે, તેની સાથે અભ્યાસ કરતી અન્ય એક હિંદુ વિદ્યાર્થિનીને એસોસિયેટ પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા પરેશાન કરી રહ્યો છે. ફરિયાદીના આરોપ બાદ સયાજીગંજ પોલીસ સ્ટેશને તે દિશામાં તપાસ આદરી છે અને આરોપી પ્રોફેસરની ધરપકડ પણ કરી છે. આ ઉપરાંત આરોપી પ્રોફેસરને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો છે.
ધર્માંતરણના પણ લાગ્યા આરોપ
ફરિયાદમાં કહેવાયું છે કે, આરોપી પ્રોફેસર પીડિતાને મેન્ટલી ટૉર્ચર કરી રહ્યો છે અને ઘર સુધી પીછો પણ કરે છે. આરોપ છે કે, તેણે વિદ્યાર્થિનીને પર્સનલ રૂમમાં બોલાવવા માટે બીભત્સ ઈશારા પણ કર્યા હતા. આ ઉપરાંત ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આરોપી પ્રોફેસરે વિદ્યાર્થિનીને તેની કારકિર્દી તબાહ કરી દેવાની ધમકી આપી હતી અને પરીક્ષામાં પાસ કરવા માટેનું પ્રલોભન પણ આપ્યું હતું. વધુમાં આરોપ છે કે, તેણે હિંદુ વિદ્યાર્થી પર ઇસ્લામ કબૂલ કરવા માટે દબાણ પણ બનાવ્યું હતું.
આ ઉપરાંત પીડિતાની ફરિયાદી મિત્રને પણ માનસિક ત્રાસ આપ્યો હોવાનો આરોપ છે. ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક યુનિવર્સિટીની કમિટી બેસાડવામાં આવી હતી અને પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેની ઓફિસ પણ સીલ કરી દેવામાં આવી હતી. હાલ પોલીસ પણ આ મામલે વધુ તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.
‘તારી બહેનપણી કેમ મારી સાથે વાત નથી કરતી’ કહીને ફરિયાદી વિદ્યાર્થિનીને પણ કરી પરેશાન
ઘટનાને લઈને સયાજીગંગ પોલીસ સ્ટેશનના PSI પાટીલે ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે, જે વિદ્યાર્થિની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવી હતી, તેની એક મહિલા મિત્રએ પ્રોફેસર મોહમ્મદ અઝહર વિરુદ્ધ વુમન ગ્રીવન્સ સેલમાં પોતાની સાથે જાતીય સતામણી થઈ હોવાની અરજી આપી હતી. હાલ પોલીસે કેટલાક પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, પોલીસ હાલ મુખ્ય પીડિત વિદ્યાર્થિની સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.
આ ઘટનાને લઈને ACP ડીજે ચાવડાએ કહ્યું છે કે, પોલીસ ફરિયાદ કરનાર વિદ્યાર્થિનીને પણ આરોપી પ્રોફેસર માનસિક ત્રાસ આપતો હતો તેવો આરોપ છે. ફરિયાદી વિદ્યાર્થિનીને આરોપી કહેતો હતો કે, “તારી બહેનપણી કેમ મારી સાથે વાત નથી કરતી” આ સાથે તે ધમકી આપતો હોવાનો પણ આરોપ છે. પોલીસે જણાવ્યું છે કે, આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 78, 352 અને 351(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.