Thursday, November 21, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: MS યુનિવર્સીટીમાં નમાઝનો વધુ એક વિડીયો વાયરલ, 2 વિદ્યાર્થીઓએ જાહેરમાં નમાઝ...

    વડોદરા: MS યુનિવર્સીટીમાં નમાઝનો વધુ એક વિડીયો વાયરલ, 2 વિદ્યાર્થીઓએ જાહેરમાં નમાઝ પઢી, કાર્યવાહીની માંગ

    હિંદુ સંગઠનોને મામલાની જાણ થતાં તેઓ પણ પહોંચ્યા હતા અને યુનિવર્સીટી કેમ્પસમાં રામધૂન અમે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

    - Advertisement -

    વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી (MSU) વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. બે દિવસ પહેલાં અહીંની સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર બે મુસ્લિમ વ્યક્તિઓએ નમાઝ અદા કરી હોય તેવો વિડીયો સામે આવ્યા બાદ હવે MSUની કોમર્સ ફેકલ્ટીમાંથી આવો વિડીયો બહાર આવ્યો છે. આ બંને યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. 

    આ બંને વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીના છે અને પરીક્ષા આપવા માટે આવ્યા હતા. તેમણે કેમ્પસમાં જ નમાઝ પઢી હતી, જેનો વિડીયો વાયરલ થઇ ગયો હતો. જે ખબર વાયુવેગે પ્રસરી જતાં MSUની વિજિલન્સ ટીમના સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. 

    હિંદુ સંગઠનોને મામલાની જાણ થતાં તેઓ પણ પહોંચ્યા હતા અને યુનિવર્સીટી કેમ્પસમાં રામધૂન અમે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. બીજી તરફ, યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલરની ઓફિસે જઈને પણ સૂત્રોચ્ચાર કરી તપાસની માંગ કરી હતી. 

    - Advertisement -

    ABVP સાથે જોડાયેલાં સૂત્રોએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય સંગઠનોની રજૂઆત બાદ યુનિવર્સીટીએ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે અને આ મામલે આવતીકાલે VHP આવેદનપત્ર પણ આપશે તેમ જાણવા મળ્યું છે. 

    અમે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરીશું: યુનિવર્સીટી 

    ઘટનાને લઈને યુનિવર્સીટીના પીઆરઓ લકુલેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હાલ કોમર્સ ફેકલ્ટીમાં એસવાયબીકોમની મિડ સેમેસ્ટરની પરીક્ષાઓ ચાલી રહી છે. એ દરમિયાન યુનિટ બિલ્ડીંગના પાછળના ભાગે કેટલાક વિદ્યાર્થીઓ બેઠા હતા અને વિજિલન્સની ટીમને ધ્યાને આવતાં તેમણે સમજાવીને ત્યાંથી રવાના કર્યા હતા. 

    તેમણે કહ્યું કે, યુનિવર્સીટી આવા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરશે અને માર્ગદર્શન આપીને યોગ્ય રીતે સમજાવવાના પ્રયત્નો કરવામાં આવશે. તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની તકેદારી રાખવામાં આવશે. 

    બે દિવસ પહેલાં એક પુરુષ અને મહિલાનો નમાઝ પઢવાનો વિડીયો સામે આવ્યો હતો 

    ઉલ્લેખનીય છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં નમાઝ પઢવામાં આવી હોય તેવો આ ઉપરાછાપરી બીજો બનાવ બન્યો છે. બે દિવસ પહેલાં જ સંસ્કૃત મહાવિદ્યાલય ફેકલ્ટીની બહાર એક પુરુષ અને મહિલાનો નમાઝ પઢવાનો વિડીયો વાયરલ થયો હતો. જોકે, તેઓ વિદ્યાર્થીઓ ન હતા જેથી કોઈ વિદ્યાર્થીના વાલી હોય તેમ માનવામાં આવી રહ્યું હતું. 

    આ મામલે પણ વિશ્વ હિંદુ પરિષદે આવેદન પત્ર પાઠવીને યુનિવર્સીટી તંત્ર પાસે કડક તપાસ કરવાની અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં