વડોદરામાં (Vadodara) ભાયલી વિસ્તારમાં એક સગીરા સાથે ગેંગરેપ (Gangrape) થયો હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને FSLની પણ મદદ લેવામાં આવી રહી છે.
પીડિતાના પિતાની ફરિયાદ પર પોલીસે ત્રણ અજાણ્યા આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે આપેલી વિગતો અનુસાર, બે બાઇક પર કુલ પાંચ શખ્સો આવ્યા હતા, જેમાંથી 2 ભાગી ગયા અને બાકીના ત્રણે ઘૃણાસ્પદ કૃત્યને અંજામ આપ્યો.
ઘટનાની વિગતો આપતાં વડોદરાના SP રોહન આનંદે જણાવ્યું હતું કે, ઘટના શુક્રવારે (4 ઑક્ટોબર) મોડી રાત્રે બની હાટી. પીડિત રાત્રે લગભગ 11:30 વાગ્યે તેના એક મિત્રને મળવા માટે ગઈ હતી. ત્યાંથી બંને ભાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટી પાસે વાત કરવા માટે ગયાં હતાં. અહીં 12 વાગ્યાના અરસામાં બે બાઇક પર કુલ પાંચ લોકો ત્યાં આવી પહોંચ્યા હતા.
આગળ જણાવ્યા અનુસાર, આ પાંચે પીડિતા અને તેના મિત્ર સાથે અભદ્રતાપૂર્વક વર્તન કર્યું હતું, જેનો પ્રતિકાર કરતાં બબાલ થઈ હતી. ત્યારબાદ પાંચમાંથી બે ત્યાંથી ભાગી છૂટ્યા હતા, પરંતુ આરોપ છે કે બાકીના ત્રણમાંથી એકે પીડિતાના મિત્રને પકડી રાખ્યો હતો અને બાકીના બેએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
પછીથી પીડિત અને તેના મિત્રે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સ્થળને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત FSLની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.
પોલીસ અનુસાર, ઘટના સમયે અત્યંત અંધારુ હોવાના કારણે પીડિતોને આરોપીઓના ચહેરા ઓળખાઈ શક્યા નથી. જોકે, તેમણે ઉમેર્યું કે, “આરોપીઓના શારીરિક બાંધા અને બોલવા-ચાલવાની ભાષા વગેરેને લઈને અમને જાણકારી આપવામાં આવી છે, જેના આધારે તપાસ કરી રહ્યા છીએ. આરોપીઓ હિન્દી-ગુજરાતી ભાષામાં વાત કરી રહ્યા હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત આરોપીઓમાં બે સગીરો હોવાનું બહાર આવ્યું છે.”
પોલીસે અહીં સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ ઘટનાને નવરાત્રિ કે ગરબા સાથે કશું જ લાગતું-વળગતું નથી. ઉપરાંત, પીડિત કે તેનો મિત્ર ગરબા રમવા માટે ગયા હોવાનું પણ જાણવા મળ્યું નથી.
પોલીસે જણાવ્યું કે, ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને જુદી-જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી રહી છે. આ માટે વડોદરા પોલીસે SOG અને LCBની ટીમોને પણ કામે લગાડી છે અને ગંભીરતાપૂર્વક મામલાની તપાસ કરવામાં આવી રહી છે ટીમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.
સગીર પીડિતાને મેડિકલ પરીક્ષણ માટે મોકલવામાં આવી છે અને તેની સ્થિતિ સ્થિર છે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.