વડોદરા (Vadodara) શહેરમાં તાજેતરમાં હિંદુ સગીરાના ગેંગરેપ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપીઓમાંથી બે આરોપીઓના ઘરને નોટિસ આપવામાં આવી છે. બંનેનાં મકાનો ગેરકાયદેસર હોઈ પાલિકાએ નોટિસ આપીને 72 કલાકમાં ખાલી કરવા માટે જણાવ્યું છે. જો કોઈ સંતોષકારક જવાબ ન મળે તો બુલડોઝર (Bulldozer Action) ફેરવવાની પણ પાલિકા તૈયારી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઑફિસર દ્વારા બંનેને એક નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં શહેરના તાંદલજા વિસ્તારમાં આરોપીઓએ દબાણ કર્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું અને 3 દિવસમાં તેને કેમ ન હટાવી દેવું તે માટે જવાબ કે લેખિત કારણો રજૂ કરવા માટે જણાવ્યું હતું.
ડેપ્યુટી DDOએ જણાવ્યું હતું કે, “નવરાત્રિના બીજા નોરતે ભાયલીમાં એક ગેંગરેપની ઘટના બની હતી. જેમાં મૂળ UPના અને હાલ વડોદરાના તાંદલજામાં રહેતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમાંથી મુન્ના બંજારા અને મુમતાજ ઉર્ફે આફતાબ બંજારા એકતા નગર વસાહત ખાતે ગેરકાયદેસર મકાનોમાં રહેતા હોવાનું પાલિકાના ધ્યાને આવ્યું છે. આથી તેમને ત્રણ દિવસમાં પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જ્યારે ત્રીજા આરોપી શાહરૂખનું મકાન પાલિકાના ક્વાર્ટરમાં હોવાથી નોટિસ અપાઈ નથી.”
જાણવા મળ્યા અનુસાર, શાહરૂખ બંજારા તાંદલજા વિસ્તારમાં જ આવેલા એક મકાનમાં રહે છે. જે પાલિકાની માલિકીની વસાહત છે. તે અહીં ભાડે રહે છે કે કે પોતાની માલિકીનું છે અને જો તેની માલિકીનું હોય તો મકાન કઈ રીતે મળ્યું તે દિશામાં હાલ પાલિકા તપાસ કરી રહી છે. જે માટે સ્થળ મુલાકાત પણ કરવામાં આવી હતી. જો ગેરરીતિ જણાય તો શાહરૂખ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
કોઈ 14 વર્ષ, કોઈ 10 વર્ષથી રહે છે બરોડામાં, તમામ આરોપીઓ UPના
વધુ જાણકારી અનુસાર, મુન્ના અબ્બાસ બંજારા તાંદલજાના એકતાનગરના કાળી તલાવડી વિસ્તારમાં રહે છે. મૂળ તે ઉત્તર પ્રદેશના ગૌંડાનો છે. અન્ય એક આરોપી મુમતાઝ પણ આ જ વિસ્તારમાં રહે છે. તે UPના આંબેડકર નગરનો છે. ત્રીજો આરોપી શાહરૂખ બંજારા પણ આ જ વિસ્તારમાં રહે છે. બાકીના બે આરોપીઓ સૈફઅલી અને અજમલ પણ મૂળ UPના છે અને તાંદાલજા વિસ્તારમાં રહે છે.
મુન્ના બંજારા પત્ની સાથે રહેતો હતો, જે ગર્ભવતી છે. અન્ય એક આરોપી આફતાબનાં ત્રણ સંતાનો પણ છે. ત્રીજો આરોપી શાહરુખ પણ પત્ની અને બે સંતાનો સાથે રહેતો હતો. મુન્ના 10 વર્ષ પહેલાં UPથી વડોદરા આવ્યો હતો જ્યારે મુન્ના અને શાહરૂખ લગભગ 14 વર્ષથી ગુજરાતમાં રહે છે. તેઓ પ્લાસ્ટર ઑફ પેરિસના કામ માટે આવ્યા હતા. મુન્ના અને આફતાબ વળી સંબંધીઓ પણ છે. જ્યારે આફતાબ વિરુદ્ધ તેની પત્નીએ 2015માં દહેજ અને શારીરિક-માનસિક ત્રાસ મામલેનો એક કેસ પણ કર્યો હતો.
કોર્પોરેટરએ ઑપઇન્ડિયાને જણાવ્યું- આરોપીઓનાં ઘર પર ફરશે બુલડોઝર
આ મામલે ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતાં સ્થાનિક ભાજપ કોર્પોટેટર નીતિન દોંગાએ જણાવ્યું કે, ત્રણમાંથી બે આરોપીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો જવાબ ન મળે તો સંતોષકારક પુરાવા રજૂ કરવામાં ન આવે તો ચોથા દિવસે બુલડોઝર ફેરવવામાં આવશે અને જો બુલડોઝર પહોંચે તેમ ન હોય તો અન્ય રીતે પણ જમીનદોસ્ત કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, આ મામલે ઘટના સામે આવ્યા બાદ અને આરોપીઓની ધરપકડ બાદ પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ કાર્યવાહી થઈ છે. જોકે, સ્થાનિક સ્તરે અમુક મુસ્લિમ આગેવાનો આ નોટિસનો વિરોધ કરવા માટે પણ પહોંચી ગયા હતા પરંતુ કોર્પોરેટરનું કહેવું છે કે મકાન ગેરકાયદેસર છે અને તે તૂટશે જ. સાથે એમ પણ કહ્યું હતું કે, આમાં હિંદુ-મુસ્લિમ કરવાની કોઈ જરૂર નથી. ગુનેગારો છે, તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.