થોડા સમય પહેલા વડોદરાના ફતેગંજના સ્કૂલવાન ડ્રાઈવરે માત્ર 4 વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે અડપલા કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. ઘટનામાં બાળકીની માતાની ફરિયાદ પર પોલીસે આરોપી સાદિકની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી હતી. આ મામલામાં તાજેતરમાં જ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા આરોપીએ રેગ્યુલર જામીનની માંગ કરી હતી. પરંતુ કોર્ટે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સાદિકના જામીન ફગાવી દીધા હતા.
મળતી માહિતી અનુસાર વડોદરામાં ફાતેમા રેસિડેન્સી, મધુનગર, ગોરવા ખાતે રહેતો સાદિક ખાનગી શાળામાં સ્કૂલવાન ચલાવતો હતો. તેણે સનફાર્મા રોડ પર રહેતા પરિવારની માત્ર 4 વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે અડપલા કર્યા હતા. તેણે ઘણા લાંબા સમય સુધી આ હરકત ચાલુ રાખી હતી. બાળકીની માતાને શંકા જતા આખો ભાંડો ફૂટ્યો હતો અને સાદિકની ધરપકડ કરી લેવામાં આવી હતી. બાદમાં કોર્ટમાં રજુ કરીને તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
તેવામાં તે વચગાળાના જામીન મેળવીને બહાર આવ્યો હતો. જોકે તેણે કોર્ટમાં સામાન્ય જામીન મેળવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ કોર્ટે તેની અરજી ફગાવી દેતા તેણે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. જોકે તેણે હાઈકોર્ટમાંથી પણ અરજી પરત ખેંચી લીધી હતી. આ બધા વચ્ચે પોલીસે સાદિક વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દેતા તેણે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જોકે સરકારી વકીલે તેની આ અરજીનો વિરોધ કર્યો હતો.
આરોપીના કૃત્યને ધ્યાનમાં રાખીને કોર્ટે અરજી ફગાવી
સરકારી વકીલે દલીલ આપી હતી કે જો સાદિક બહાર આવશે તો તે ફરિયાદીને ડરાવી ધમકાવીને કેસ પર અસર કરશે. બીજી તરફ સરકારી વકીલની અરજી ધ્યાને લેતા કોર્ટે પણ સાદિકની અરજી નામંજૂર કરી હતી. કેસમાં એડિશનલ સેશન્સ ન્યાયાધીશ માધુરી પાન્ડેએ નોંધ્યું હતું કે આટલી નાની ઉંમરની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય ભવિષ્યમાં નકારાત્મક અસરો ઉભી કરી શકે તેમ છે.
કોર્ટે તેમ પણ નોંધ્યું હતું કે આવા કેસમાં ભોગ બનનારની સુરક્ષા વધુ મહત્ત્વની છે. સાદિકની જામીન અરજી ફગાવતા કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, આ પ્રકારના ગુના દિન-પ્રતિદિન વધતા જાય છે, માટે આરોપીને જામીન આપી શકાય નહી.
રોજ શાળાએથી ઘરે લાવવામાં મોડું કરતા બાળકીની માતાને શંકા ગઈ હતી
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં આવેલા જે.પી રોડ પર રહેતા પરિવારે પોતાની 4 વર્ષની બાળકીને વિસ્તારની ખાનગી શાળામાં કેજીમાં અભ્યાસ કરવા મૂકી હતી. બાળકીને લાવવા લઇ જવા માટે પરિવારે ફતેગંજમાં રહેતા સાદિક નામના મુસ્લિમ યુવકની ઇકો વાન બંધાવી હતી. ઇકો ચાલક સાદિક શરૂઆતમાં તો સવારે બાળકીને ઘરેથી સમયસર લઈ જતો અને બપોરે 12 વાગ્યે મૂકી જતો હતો, પણ બે દિવસમાં જ સાદિક નિયત સમય કરતા રોજ પાંચથી દસ મિનીટ મોડો બાળકીને મુકવા આવતો હતો. આ દરમિયાન બાળકીના કપડા પણ અસ્તવ્યસ્ત રહેતા હતા. જે જોઇને બાળકીની માતાને શંકા ગઈ હતી.
માતાને પોતાની પુત્રીના કપડા જોઈ કશું અજુગતું બનવાની ફાળ પડી હતી. જેને લઈને તેમણે ગત 15 જુન 2023ના રોજ બાળકીને આ વિશે પૂછ્યું હતું. દરમિયાન બાળકીએ કહ્યું હતું કે સ્કુલવાનનો ડ્રાઈવર સાદિક તેની સાથે છેડછાડ કરતો હતો. તે બાળકીના ગુપ્તાંગના ભાગે અડપલા કરતો હતો. ડઘાયેલી પરિણીતાએ તાત્કાલિક પોતાના પતિને ફોન કરીને આ વિશે જાણ કરી હતી.
પતિને જાણ કર્યા બાદ બાળકીની માતા તાત્કાલિક ધોરણે શાળાએ પહોંચી બાળકીના વર્ગ શિક્ષક અને આચાર્યને આ આખી ઘટના જણાવી હતી. પીડિત પરિવારની વાત સાંભળીને શાળાના શિક્ષકો પણ ચોંકી ઉઠ્યા હતા અને બાળકીની માતાને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. જે બાદ બાળકીની માતાએ શહેરના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં સ્કુલવાન ડ્રાઈવર સાદિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.