વડોદરામાં રામનવમીના દિવસે ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા 23 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી હતી. જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ કોર્ટે પાંચના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે બાકીના 18ને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેને વડોદરા કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
Vadodara Ram Navami Stone Pelting case; Court rejects bail plea of 18 accused #Gujarat #TV9News pic.twitter.com/5vPZq5mj3y
— Tv9 Gujarati (@tv9gujarati) April 1, 2023
જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલા 18 આરોપીઓએ વડોદરા કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે તે નામંજૂર કરી દીધી હતી. જાણવા મળ્યું છે કે હવે તેમના વકીલ સોમવારે સેશન્સ કોર્ટમાં અપીલ કરશે.
રામનવમીની શોભાયાત્રાઓ ઉપર પથ્થરમારો થયા બાદ વડોદરા પોલીસે 45 લોકો વિરુદ્ધ નામજોગ અને બાકીના 500 લોકોના ટોળા વિરુદ્ધ શહેર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ 23 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી જ્યારે બાકીનાની શોધખોળ હાલ ચાલી રહી છે.
કોની જામીન અરજી રદ થઇ?
મોહમ્મદ ઇસ્માઇલ રાઠોડ, સાદિક કાલુમિયાં શેખ, હુસૈન પઠાણ, અયાન રાઠોડ, અઝીમ અન્સારી, સોહીન શેખ, રિયાઝ રાઠોડ, સલમાન ઝાકીર ખાન, નસરુદ્દીન શેખ, શકીલ શેખ, હમીદા રાઠોડ, નસીમ ફિરોઝ, ફાતિમા પઠાણ, શારદા ફીરીઝ બાબી, રાયસા શેખ, અબ્દુલ હસન સૈયદ, અઝીઝ શેખ, આદિલખાન પઠાણ.
આ તમામ આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આ આરોપીઓ હાલ રિમાન્ડ પર
મોઇનખાન પઠાણ, અલતમસ રાયાણી, સાહીલ ખાન બાબી, જાવેદ શેખ અને તૌસીફ શેખ. આ તમામના રવિવાર (2 એપ્રિલ, 2023) બપોર સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.
VHP નેતા રોહન શાહની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી
રામનવમી શોભાયાત્રામાં સામેલ વિશ્વ હિંદુ પરિષદના નેતા રોહન શાહની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે. તેમની સામે ‘ભડકાઉ ભાષણ’ આપવાનો આરોપ લાગ્યો છે. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે.
વડોદરામાં રામનવમી શોભાયાત્રાઓ પર મુસ્લિમ વિસ્તારોમાં થયો હતો પથ્થરમારો
વડોદરા શહેરમાં રામનવમીના દિવસે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત ભગવાન રામની શોભાયાત્રાઓ પર પાંજરીગર મહોલ્લા વિસ્તારમાં મસ્જિદ પાસે પથ્થરમારો થયો હતો. ત્યારબાદ સાંજે કુંભારવાડામાં પથ્થરમારાની વધુ એક ઘટના બની હતી.
આ ઘટનાઓ બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને ઉપદ્રવીઓને શોધી કાઢ્યા હતા. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.