Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: પોલીસ વાન પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ, ચાલકને ઇજા: ટ્રક ડ્રાઈવર...

    વડોદરા: પોલીસ વાન પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ, ચાલકને ઇજા: ટ્રક ડ્રાઈવર યુનુસ અને મોસીનની ધરપકડ

    ફરિયાદ બાદ પોલીસે યુનુસ, મોસીન, શોએબ, સુફિયાન અને એક અજાણ્યા સહિત પાંચ ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો. 

    - Advertisement -

    તાજેતરમાં એક જ મોડેસ ઓપરેન્ડીથી પોલીસ અધિકારીઓ પર વાહન ચડાવી દેવાના બનાવો બની રહ્યા છે ત્યારે ગુજરાતમાં આવો બીજો બનાવ બન્યો છે. વડોદરામાં એક ટ્રકનો પીછો કરતી પીસીઆર વાન પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં વાનના ચાલકને ઇજા પહોંચી હતી. આ મામલે પોલીસે યુનુસ અને મોસીન નામના બે ઈસમોની ધરપકડ કરી લીધી છે. 

    નંદેસરી પોલીસની એક વાન ગઈકાલે મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન આજે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં કન્ટ્રોલ રૂમ તરફથી તેમને એક શંકાસ્પદ ટ્રક જઈ રહી હોવાની જાણકારી મળી હતી. જે બાદ પીસીઆર વાન ઇન્ચાર્જ એએસઆઈ ભીમસિંહ, પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ અને ડ્રાઈવર રામદાસ મેડાએ ટ્રકનો પીછો કરી રોકવાના પ્રયાસ કર્યા હતા. 

    દરમ્યાન, પોલીસ વાનમાંથી કોન્સ્ટેબલે હાથથી ઈશારો કરી ટ્રક ડ્રાઈવરને વાહન થોભાવવા માટે કહ્યું હતું પરંતુ ટ્રક ધીમી પડ્યા વિના પીસીઆરને ઓવરટેક કરીને આગળ નીકળી ગઈ હતી. જે બાદ પોલીસે પીછો કરતા ડ્રાઈવરે ટ્રક વાસદ ટોલનાકા પહેલા ડિવાઈડરના કટમાંથી પરત વડોદરા તરફ હંકારી હતી. 

    - Advertisement -

    જે બાદ ફાજલપુર નજીક પીસીઆર વાને ઓવરટેક કરી આગળ જઈને પોલીસ કોન્સ્ટેબલે ફરી એકવાર હાથના ઈશારે ટ્રક ડ્રાઈવરને થોભાવવા માટે કહ્યું હતું, પરંતુ ટ્રક ડ્રાઈવરે પીસીઆરને ટક્કર મારી જાનથી મારી નાંખવાના ઇરાદે ઉપર લાવતાં ડ્રાઈવરે સાવચેતી વાપરીને વાન બાજુ પર લઇ લીધી હતી. 

    ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ત્યારબાદ અવારનવાર ટ્રક ઓવરટેક કરવા જતાં તેનો ડ્રાઈવર કેબિનમાં બેઠેલા ઈસમોના ઈશારાના આધારે સાઈડ આપતો ન હતો. જે બાદ પદમલા બ્રિજ પાસે ખુલ્લી જગ્યા મળતાં પીસીઆર વાન ચાલકે ટ્રકની ડાબી બાજુએથી આગળ જવા પ્રયત્ન કરતાં ટ્રક ડ્રાઈવરે સાથી ઈસમોના ઈશારે ટ્રક પીસીઆર પર ચડાવી દેવાનો પ્રયત્ન કરતાં વાનચાલકે બચાવ માટે બ્રેક મારતાં વાન હાઈ-વે રોડ અને સર્વિસ રોડ વચ્ચેના ડિવાઈડરમાં અથડાતાં ચાલકને હોઠના ભાગે અને દાઢીના ભાગે ઇજા પહોંચી હતી. 

    બનાવ બાદ તાત્કાલિક વાયરલેસ દ્વારા કન્ટ્રોલ રૂમને આ બાબતની જાણ કરવામાં આવતાં છાણી પોલીસે બે ઈસમોને ટ્રક સાથે પકડી પાડ્યા હતા. જેમની ઓળખ યુનુસ રમજાની આલમ અને મોસીન હસન મીઠા તરીકે થઇ હતી. જ્યારે તેમણે પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે તેમની સાથે સુફિયાન મોડાસાવાલા, શોએબ શેખ અને અન્ય એક ઈસમ હતો, જે ભાગી છૂટ્યા હતા. 

    આ ઈસમો ગોધરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ બાદ પોલીસે યુનુસ, મોસીન, શોએબ, સુફિયાન અને એક અજાણ્યા સહિત પાંચ ઈસમો સામે ટ્રકમાં ચોરીનો માલ-સમાન લઇ જઈ પકડાય ન જાય તે માટે ઈરાદો પાર પાડવા પીસીઆર વાનને ટક્કર મારી પોલીસ કર્મચારીઓને જાનથી મારી નાંખવાની કોશિશ કરવા બદલ આઇપીસીની કલમ 307 (હત્યાનો પ્રયાસ), 332 (ફરજ પર હાજર કર્મચારી પર હુમલો) અને 34 (સમાન ઈરાદાએ આચરેલ ગુનો) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હરિયાણા અને રાંચીમાંથી આવી ઘટનાઓ સામે આવી હતી. હરિયાણાના નૂહમાં પથ્થર ભરેલા ડમ્પરથી ડીએસપી સુરેન્દ્ર સિંહની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ મામલે પોલીસે એન્કાઉન્ટર બાદ ઈકરાર નામના આરોપીની ધરપકડ કરી લીધી હતી. 

    ઝારખંડના રાંચીમાં પણ બુધવારે સવારે પશુ તસ્કરોએ સંધ્યા ટોપનો નામનાં એસઆઈ પર ગાડી ચડાવીને તેમની હત્યા કરી નાંખી હતી. તદુપરાંત, આણંદના બોરસદમાં પણ એક પોલીસકર્મી પર ટ્રક ચડાવી દેવામાં આવી હતી, જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં