ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ડેમોગ્રાફી ચેન્જને લઈને સમાચારો વહેતા થયા હતા. સમાચારો સામે આવ્યા બાદ હવે તરત જ ઉત્તરાખંડની ધામી સરકારે તે અંગેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. લોકોના સત્યાપન માટે ઉત્તરાખંડ પોલીસે ‘વેરિફિકેશન ડ્રાઈવ’ શરૂ કરી દીધી છે. આ કાર્યવાહી પહેલાં મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ DGP અભિનવ કુમાર અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને તેમને વસ્તી વિષયક પરિવર્તન, ધર્મ પરિવર્તન અને લવ જેહાદ સામે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ હવે તે દિશામાં કાર્યવાહી આદરી દેવામાં આવી છે.
વેરિફિકેશન ડ્રાઈવને લઈને DGP અભિનવ કુમારે શનિવારે (7 સપ્ટેમ્બર) કહ્યું હતું કે, વર્ષ 2011 બાદ જનસંખ્યાની જાણકારી માટે કોઈ જનગણના નથી થઈ, પરંતુ કેટલાક લોકો વચ્ચે, ખાસ કરીને પહાડી જિલ્લાઓમાં એવું કહેવાય રહ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં બહારથી આવીને વસેલા લોકોના કારણે ત્યાંની ડેમોગ્રાફી ચેન્જ થઈ ગઇ છે. આ કારણોસર ઉત્તરાખંડની ધામી સરકારના નિર્દેશો બાદ એક મહિના માટે વેરિફિકેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.
માહિતી અનુસાર, DGPએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વસી ગયેલા અસામાજિક તત્વોની તપાસ માટે કેટલાક વિસ્તારોમાં એક મહિના સુધી વેરિફિકેશન ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ ડ્રાઈવ પૂર્ણ થયા બાદ ડેમોગ્રાફી પરિવર્તનને લઈને કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાશે. જો કોઈ આ રીતનો મામલો સામે આવશે તો આ ડ્રાઈવ દ્વારા તે અંગેની જાણકારી સીધી સરકારને મળી શકશે.
સાથે નોંધવા જેવું છે કે, છેલ્લી વખત 2011માં થયેલી વસ્તીગણતરી દરમિયાન ઉત્તરાખંડની કુલ જનસંખ્યા લગભગ 1.10 કરોડ હતી. જેમાંની લગભગ 84 લાખ વસ્તી હિંદુઓની હતી, જે કુલ જનસંખ્યાના 83% હતી. જ્યારે મુસ્લિમોની વસ્તી 14.06 લાખ એટલે કે 13.9% અને રાજ્યમાં શીખોની વસ્તી 2.34% હતી. જોકે, 2001ની વસ્તીગણતરીમાં રાજ્યમાં કુલ મુસ્લિમ વસ્તી 10.12 લાખ હતી.
હિંદુવાદી સંગઠનોએ ડેમોગ્રાફી ચેન્જને લઈને લગાવ્યા હતા આરોપો
લવ જેહાદના કેસોને લઈને પણ DGP અભિનવે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વયસ્ક લોકો પોતાનો જીવનસાથી શોધવા માટે સ્વતંત્ર છે. પરંતુ, જો કોઈ બીજાના ધર્મને બદલવા માટે સંબંધ બનાવે છે તો પોલીસ કાયદા દ્વારા કાર્યવાહી કરશે. જો આવો કોઈ હેતુ નથી તો પોલીસ કોઈને પણ હેરાન નહીં કરે. તેમણે કહ્યું કે, બંને મુદ્દાઓ રાજ્ય પોલીસ માટે પ્રાથમિક છે. આ ઉપરાંત તેમણે વેરિફિકેશન ડ્રાઈવ વિશે પણ માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેટલાક હિંદુવાદી સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે, દેહરાદુન, હરિદ્વાર, નૈનીતાલ, પૌડી ગઢવાલ અને ટિહરી ગઢવાલ જેવા કેટલાક પહાડી જિલ્લાઓમાં મુસ્લિમોની વસ્તીમાં આશ્ચર્યજનક રીતે વધારો થયો છે. તેમનો આરોપ છે કે, આ દેવભૂમિની ડેમોગ્રાફીને બદલવા માટેના વ્યાપક કાવતરાનો એક ભાગ છે અને તેને આયોજનબદ્ધ રીતે અંજામ આપવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં જ ઉત્તરકાશીના પુરોલા કસ્બા, ધારચૂલા અને ચમોલીના નંદાનગર વિસ્તાર જેવા કેટલાક પહાડી વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ વધી ગયો હતો. તેમાં લવ જેહાદની પણ મોટી ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાઓને લઈને હિંદુ કાર્યકર્તાઓએ રાજ્યમાં બહારના લોકોની વધતી વસ્તીને લઈને પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. ત્યારબાદ હવે સરકારે પણ તે અંગે ધ્યાન આપીને કાર્યવાહી હાથ ધરી છે.