ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઓરૈયામાં (Auraiya) પીઝા કાફે ચલાવતા હસનૈન સિદ્દિકીએ પોતાને ત્યાં આવતા ગ્રાહક યુવક-યુવતીઓના વિડીયો (Cafe Viral Video) બનાવીને તેમને બ્લેકમેલ કર્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં આરોપી પોતાના પીઝા કાફેના પ્રાઈવેટ બોક્સમાં કેમેરો લગાવીને યુવતીઓના વિડીયો બનાવી લેતો. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને કાફે સીલ કરી દીધું છે. આ સાથે હસનૈનના સહયોગી અયાનની પણ ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બિધુના પોલીસ સ્ટેશનની હદમાં આવતા ‘ઝાયકા કાફે પિઝા સેન્ટર’ની છે. આ દુકાનનો માલિક હસનૈન સિદ્દિકી છે અને તે તેના કાફેમાં પીઝા ખાવા આવતી યુવતીઓના આપત્તિજનક વિડીયો બનાવી લેતો હોવાનો આરોપ છે. આરોપ એવો પણ છે કે, હસનૈન આ વિડીયો દ્વારા યુવતીઓને બ્લેકમેલ કરતો અને તેની સાથે સંબંધ રાખવા માટેનું દબાણ પણ કરતો હતો. તેણે કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
ફરીયાદી પર કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ
નોંધનીય છે કે, આ મામલે સ્થાનિક રહેવાસી ભાનુ ઠાકુરે દસ દિવસ પહેલાં જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે, પીઝા કાફેના પ્રાઈવેટ બોક્સમાં યુવતીઓના વિડીયો બનાવવામાં આવે છે. ભાનુ ઠાકુર પાસે આવેલી એક યુવતીએ પોતે પીડિતા હોવાનું જણાવતા તેમણે આ ફરિયાદ આપી હતી. જોકે, ફરિયાદ બાદથી જ આરોપીએ તેમને ધ્યાનમાં રાખીને ગત 2 ડિસેમ્બરે તેમના પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભાનુ ઠાકુરના મિત્રને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ મામલે માહિતી આપતા સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ઝાયકા પીઝામાં પ્રાઈવેટ કેબીન બનાવવામાં આવ્યા છે. આ કેબીનમાં આવતી યુવતીઓનો વિડીયો ઉતારી લેવામાં આવતો હતો. ત્યારબાદ કાફેના સંચાલકો દ્વારા જે-તે યુવતીઓને બ્લેકમેલ કરવામાં આવતી હતી.
અધિકારીના જણાવ્યા અનુસાર, આ મામલે ધારા-ધોરણો અનુસાર FIR નોંધી લેવામાં આવી છે. ત્યારબાદ ચાલેલી તપાસમાં આરોપો સાચા હોવાનું સામે આવતા જ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. દરમિયાન પીઝા કાફેને સીલ કરી દેવામાં આવ્યું હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે. બીજી તરફ પોલીસે આ મામલે મુખ્ય આરોપી હસનૈન સિદ્દિકી અને તેના એક સાથી અયાનની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા.