મળતા સમાચાર અનુસાર બે દિવસ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને હત્યાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી ઈમરજન્સી સેવાઓ માટે જાહેર કરવામાં આવેલા નંબર ડાયલ-112 પર વોટ્સએપ મેસેજ કરીને આપવામાં આવી છે. આ ધમકી ભર્યો મેસેજ રવિવારે (23 એપ્રિલ 2023) રાત્રે મોકલવામાં આવ્યો હતો.
CM યોગી આદિત્યનાથને હત્યાની ધમકી આપતો આ મેસેજ ડાયલ-112ના હેડક્વાટરની સોશિયલ મીડિયા ડેસ્કને વોટ્સએપ પર મળ્યો હતો. ધમકી આપવા વાળા વ્યક્તિએ આ મેસેજમાં લખ્યું હતું કે, “મુખ્યમંત્રી યોગીને બહું જલ્દી મારી નાંખીશ.” યોગી આદિત્યનાથને હત્યાની ધમકી મળ્યા બાદ પોલીસ અને તપાસ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. જે વોટ્સએપ નંબર પરથી મેસેજ કરવામાં આવ્યો હતો તેની ગહન તપાસ ચાલી રહી છે.
હાલ આ મામલે પોલીસે લખનૌના સુશાંત ગોલ્ફ સીટી પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની ધારા 506, 507 અને IT એક્ટની ધારા 66 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. આ FIR 24 એપ્રિલ 2023, સોમવારના રોજ દાખલ કરવામાં આવી હતી.
Lucknow | Case registered under sections 506 & 507 IPC and 66 IT Act in PS Sushant Golf City against an unknown person after 'Dial 112' receives death threat for Uttar Pradesh CM Yogi Adityanath
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 25, 2023
આ પહેલા પણ મળી ચુકી છે ધમકીઓ
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગત 18 એપ્રિલ 2023ના રોજ ઝારખંડના રહેવાસી અમન રઝા નામના એક વ્યક્તિએ મુખ્યમંત્રી યોગીને ગોળી મારીને તેમની હત્યા કરવાની ધમકી આપી હતી. તેણે આ ધમકી ફેસબુક પર એક પોસ્ટ કરીને આપી હતી. આ મામલે ઉત્તર પ્રદેશ ATS પહેલેથી જ તપાસ કરી રહી છે. અમન રઝાની ધરપકડ માટે તપાસ ટીમ ઝારખંડના બોકારો પણ ગઈ હતી, પરતું આરોપી હાથમાં આવ્યો નહતો.
નોંધનીય છે કે ઓગસ્ટ 2022માં પણ ડાયલ-112 પર વોટ્સએપ કરીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ કરીને રાજસ્થાનના ભરતપુર વિસ્તારમાંથી સરફરાઝ નામના આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેની પાસેથી એક પત્ર પણ મળી આવ્યો હતો, જેમાં 15 દિવસની અંદર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવા વિશે લખ્યું હતું.
આ પહેલાં પણ યુપી સીએમ યોગી આદિત્યનાથને એક પત્ર મારફતે ધમકી આપવામાં આવી હતી. યુપીના હિંદુવાદી નેતા દેવેન્દ્ર તિવારીને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેમાં તિવારી અને યોગી આદિત્યનાથને ‘બૉમ્બથી ઉડાવી દેવાની’ ધમકી આપવામાં આવી હતી. 12 ઓગસ્ટ (શુક્રવાર) 2022ના રોજ આ પત્ર મળ્યો હતો. જે બાદ આ મામલે પોલીસને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ ઉત્તર પ્રદેશ પોલીસ અને સાયબર સેલ પણ સક્રિય થઇ ગયા હતા.