ઉત્તર પ્રદેશના બાંદામાં એક ઘરની બહાર વાંધાજનક સૂત્રો લખીને સાંપ્રદાયિક માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઘરની દીવાલો પર ‘હિંદુઓ ભારત છોડો’ અને ‘મકાન ખાલી કરો’ જેવા નારા લખીને ધમકી આપવામાં આવી છે. મામલો પોલીસના ધ્યાને આવતાં કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટના બાંદાના મર્દન નાકા વિસ્તારની છે. આ વિસ્તાર મુસ્લિમ બહુમતી વિસ્તાર માનવામાં આવે છે અને અહીં અમુક ઘરો હિંદુઓનાં પણ છે. અમુક ઈસમોએ અહીં એક ઘર પર ‘હિંદુઓ ભારત છોડો’ અને ‘હિંદુઓ મકાન ખાલી કરો’ જેવાં સૂત્રો લખ્યાં હતાં. આ ઘર રામલાલ પ્રજાપતિ નામના વ્યક્તિનું છે. શનિવારે સવારે તેમના ઘરના શૌચાલય અને તેની બાજુની દીવાલ પર આ પ્રકારનાં ધમકીભર્યાં સૂત્રો લખેલાં જોવા મળ્યાં હતાં.
તેમણે સ્થાનિકો તેમજ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓને જાણ કરતાં તેઓ સ્થળે પહોંચ્યા હતા તો બીજી તરફ પોલીસનો કાફલો પણ પહોંચ્યો. એસપી સહિતના પોલીસ અધિકારીઓએ પહોંચીને તપાસ કરી અને આ સૂત્રો દૂર કરી દેવડાવ્યાં હતાં. તેમજ શાંતિ જળવાઈ રહે તે માટે વિસ્તારમાં પેદલ માર્ચ પણ કરી હતી અને કડક કાર્યવાહીની બાંહેધરી આપી હતી.
અમે વર્ષોથી આ મકાનમાં રહીએ છીએ, આ જમીન અમારા પૂર્વજોની છે: સ્થાનિકો
સ્થાનિકોએ જણાવ્યું કે, અમારા ઘરની દીવાલ પર હિંદુ મકાન ખાલી કરો એવું લખ્યું હતું. અમને ઘર ખાલી કરવાની ધમકી આપવામાં આવી રહી છે. અમે આ મકાનમાં વર્ષોથી રહીએ છીએ. આ અમારા પૂર્વજોની જમીન છે. સ્થળ પર પહોંચેલા હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ પણ આ કૃત્યનો વિરોધ કરીને પોલીસ સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી હતી.
અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ, કડક કાર્યવાહી થશે: પોલીસ
ઘટનાસ્થળે પહોંચેલા એસપીના નિર્દેશ પર પોલીસે અજ્ઞાત ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ મામલે SSP લક્ષ્મી નિવાસ મિશ્રાએ જણાવ્યું કે, આ મામલે કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે અને જેણે પણ આ લખ્યું છે તેની ઓળખ કરવામાં આવી રહી છે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જાણવા મળ્યા અનુસાર, પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે અને સ્થાનિકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.