અલાહાબાદ હાઈકોર્ટે બુધવારે (4 મે 2022) મસ્જિદ પરિસરમાં અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી માંગતી અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું છે કે અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો એ મૌલિક અધિકાર ગણી શકાય નહીં. આ માટે પહેલેથી જ કાયદો પસાર થઇ ચૂક્યો છે.
આ મામલે ગત વર્ષે 20 ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના બિસૌલી તાલુકાના ધોરણપુર ગામમાં આવેલ મસ્જિદમાં અઝાન આપવા માટે લાઉડસ્પીકરના ઉપયોગની પરવાનગી માંગતી અરજી કરી હતી. જોકે, તેમની આ અરજી સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા એક આદેશમાં ફગાવી દેવામાં આવી હતી. આદેશ બાદ ઈરફાને આ મામલે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
ઈરફાન નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી પર જસ્ટિસ વિવેક કુમાર બિરલા અને જસ્ટિસ વિકાસ બધવારની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી.
અલાહાબાદ હાઈકોર્ટે આ અરજી ફગાવતાં કહ્યું હતું કે, કોઈ પણ ધર્મ પૂજા કે ઈબાદત માટે લાઉડસ્પીકરના ઉપયોગની પરવાનગી આપતો નથી. ઈરફાનનું કહેવું હતું કે એસડીએમ દ્વારા જારી કરવામાં આવેલ આદેશ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર હતો અને મસ્જિદમાં લાઉડસ્પીકર વગાડવા પર રોક લગાવવી એ તેમના મૌલિક અને કાયદાકીય અધિકારોનું ઉલ્લંઘન છે.
અલાહાબાદ હાઈકોર્ટે આ દલીલો ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, આ બાબતે કાયદો બનાવવામાં આવ્યો છે કે મસ્જિદમાં લાઉડસ્પીકરનો ઉપયોગ એ મૌલિક અધિકાર નથી. જેથી આ અરજી સ્પષ્ટ રીતે યોગ્ય છે અને તેને રદ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 માં એક ચુકાદો સંભળાવતા અલાહાબાદ હાઈકોર્ટે નોંધ્યું હતું કે અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ યોગ્ય છે કારણ કે તે ઇસ્લામનો હિસ્સો નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે, અઝાન ઇસ્લામનો હિસ્સો છે પરંતુ તે માટે લાઉડસ્પીકરનો ઉપયોગ એ ઇસ્લામનો હિસ્સો હોય શકે નહીં. જેથી કોર્ટે તર્ક આપ્યો હતો કે લાઉડસ્પીકર આવવા પહેલાં મસ્જિદોમાંથી માનવ અવાજમાં અઝાન આપવામાં આવી હતી. જેથી માનવ અવાજમાં અઝાન આપી શકાય છે. નોંધનીય છે કે ગાઝીપુરના સાંસદ અફજલ અંસારીએ આ મામલે અરજી દાખલ કરી હતી.
The #AllahabadHighCourt on Friday allowed ‘azaan’ from mosques but said that the use of loudspeakers could not be permitted. The court said that ‘azaan’ was a part of Islam but using loudspeakers were not a part of the religion.
— IANS (@ians_india) May 15, 2020
Photo: IANS pic.twitter.com/oLuF8zv9uB
યુપી પોલીસે 11 હજાર લાઉડસ્પીકરો હટાવ્યાં
તાજેતરમાં જ ચાલેલા અઝાન અને લાઉડસ્પીકરના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશ પોલીસે ધાર્મિક સ્થળોએથી લગભગ 11,000 લાઉડસ્પીકરો હટાવ્યાં હતાં. તેમજ 35 હજાર જેટલાં લાઉડસ્પીકરનો અવાજ ઘટાડવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આ મામલે આદેશ આપવામાં આવ્યા બાદ કાર્યવાહી થઇ હતી. આદેશમાં તમામ જિલ્લાઓને 30 એપ્રિલ સુધીમાં લાઉડસ્પીકર મામલે યુપી પ્રદુષણ નિયંત્રણ બોર્ડના દિશા-નિર્દેશોનું પાલન કરવા માટે કહ્યું હતું.
આદેશ બાદ થયેલી કાર્યવાહીમાં સૌથી વધુ સંખ્યામાં લાઉડસ્પીકર (2,395) લખનઉમાંથી હટાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગોરખપુરમાંથી ૧૭૮૮, વારાણસીમાંથી ૧૩૬૬, મેરઠમાંથી ૧૨૦૪, પ્રયાગરાજમાંથી ૧૧૭૨ અને બરેલીમાંથી 1070 લાઉડસ્પીકરો હટાવવામાં આવ્યાં હતાં.