છેલ્લા થોડા સમયથી વિવાદમાં સપડાયેલાં તાલીમાર્થી IAS પૂજા ખેડકર સામે આખરે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના આધારે પોલીસે FIR નોંધી છે. બીજી તરફ, સિવિલ સર્વિસ એક્ઝામિનેશન 2022ની ઉમેદવારી કેમ રદ કરવામાં ન આવે તે માટે શો કૉઝ નોટિસ પાઠવવામાં આવી છે.
એક પ્રેસ રિલિઝ બહાર પાડીને UPSC દ્વારા આ બાબતની જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, પૂજા ખેડકર સામે FIR દાખલ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમજ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન 2022ની ઉમેદવારી રદ કરવા તેમજ પરીક્ષાના નિયમો અનુસાર ભવિષ્યમાં કોઇ પણ પરીક્ષા કે સિલેક્શનમાં પ્રવેશ મેળવવા પર રોક લગાવવા માટે શો કૉઝ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે.
UPSC has, initiated a series of actions against her, including Criminal Prosecution by filing an FIR with the Police Authorities and has issued a Show Cause Notice (SCN) for cancellation of her candidature of the Civil Services Examination-2022/ debarment from future… pic.twitter.com/ho417v93Ek
— ANI (@ANI) July 19, 2024
કમિશને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેમણે પૂજા ખેડકરની ગેરરીતિઓને લઈને વિસ્તૃત અને તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, તેમણે પોતાનું નામ ઉપરાંત માતા-પિતાનાં નામ બદલીને, ફોટોગ્રાફ, હસ્તાક્ષર, ઇમેઇલ આઇડી, મોબાઈલ નંબર અને સરનામું વગેરે બદલીને ખોટી ઓળખ ઉભી કરી હતી અને ખોટી રીતે પરીક્ષાના નિયમોથી ઉપરવટ જઈને લાભો મેળવ્યા હતા.
UPSCએ આગળ જણાવ્યું કે, પોતાની બંધારણીય ફરજોનું પાલન કરવા માટે UPSC બંધારણીય સૂચિત આદેશનું ચુસ્તપણે પાલન કરે છે અને તમામ પરીક્ષાઓ સહિતની પ્રક્રિયા કોઈ પણ પ્રકારના સમાધાન વિના કર્તવ્યપરાયણતા સાથે પૂર્ણ કરવામાં આવે છે. UPSC અત્યંત નિષ્પક્ષતા અને નિયમોના કડક પાલન સાથે તમામ પરીક્ષા અને પ્રક્રિયાઓની પવિત્રતા અને નીતિમત્તા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
નિવેદનમાં જણાવાયું કે, UPSCએ સામાન્ય જનતા અને ખાસ કરીને ઉમેદવારોમાં વિશ્વસનીયતા જાળવી રાખી છે અને આ વિશ્વસનીયતા સાથે ભવિષ્યમાં પણ કોઇ પણ પ્રકારનું સમાધાન કરવામાં ન આવે અને તેનું સ્તર જળવાય રહે તે સુનિશ્ચિત કરવા માટે આયોગ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે IAS પૂજા ખેડકરનો મામલો છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં ચર્ચામાં છે. 2022માં પરીક્ષા પાસ કરેલ પૂજા વિરુદ્ધ નિયમોથી ઉપરવટ જઈને સુવિધાઓ માંગવાનો આરોપ લાગ્યો હતો. પછીથી તેમના જાતિ અને દિવ્યાંગતા પ્રમાણપત્રને લઈને પણ સવાલો ઉઠ્યા હતા. પછીથી તેમની ટ્રેનિંગ અટકાવી દેવામાં આવી હતી. આ મામલે કેન્દ્ર સરકાર પણ તપાસ કરી રહી છે તો હવે UPSCએ પણ આ દિશામાં કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.