ઉમેશ પાલ હત્યાકાંડના આરોપીઓનો એક પછી એક સફાયો થઇ રહ્યો છે. સવારે આ હત્યાને અંજામ આપનારા માફિયા અતિક અહમદના પુત્ર અસદ અને શૂટર મોહમ્મદ ગુલામનું એન્કાઉન્ટર કરવામાં આવ્યા બાદ હવે અન્ય એક આરોપી ગુડ્ડુ મુસ્લિમ જલ્દીથી પકડાઈ શકે તેવા સમાચાર ફરતા થયા છે. હાલ તેની શોધખોળ માટે ઉત્તર પ્રદેશ પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
અસદના એન્કાઉન્ટર બાદ યુપી પોલીસ STF દ્વારા ગુડ્ડુ મુસ્લિમને પણ ઘેરી લેવામાં આવ્યો હોવાના સમાચાર મીડિયામાં ફરતા થયા હતા. જોકે, આ મામલે હજુ સુધી પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ તેની શોધખોળ ચાલી રહી છે. તે ઉમેશ પાલની હત્યા બાદથી જ ફરાર ચાલી રહ્યો છે.
અતિક પુત્ર અસદ અને શૂટર ગુલામ એન્કાઉન્ટરમાં માર્યા ગયા
ગુરુવારે સવારે માફિયા અતિક અહમદના પુત્ર અને ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અસદને એક એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. તેની સાથે તેનો શૂટર ગુલામ મોહમ્મદ પણ માર્યો ગયો હતો. બંનેને યુપી પોલીસ એસટીએફે ઝાંસીમાં ઠાર કર્યા હતા. તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યાં હતાં.
વ્યવસાયે વકીલ ઉમેશ પાલ 2006ના રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી હતા. રાજુ પાલની હત્યાનો આરોપ માફિયા-ગેંગસ્ટર અતિક અહમદ પર લાગ્યો છે. ગત 24 ફેબ્રુઆરીએ તેઓ ઓફિસથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અસદ અને તેના સાગરીતોએ ધોળા દહાડે તેમની હત્યા કરી નાંખી હતી. પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેમના સુરક્ષાકર્મીઓને ગોળીએ દઈને મારી નાંખવામાં આવ્યા હતા.
આ કેસમાં અસદની ગાડી ચલાવનાર અરબાઝ તેમજ ઉમેશ પાલ પર પહેલી ગોળી ચલાવનાર વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માનને અગાઉ જુદાં-જુદાં એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા હતા, જ્યારે આજે અસદ અને ગુલામ માર્યા ગયા હતા. હાલ ગુડ્ડુ મુસ્લિમની શોધખોળ ચાલી રહી છે.
કોણ છે ગુડ્ડુ મુસ્લિમ?
પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા કરી નાંખવામાં આવી તે સમયે ગુડ્ડુ મુસ્લિમે તેમની ઉપર ક્રૂડ બૉમ્બ ફેંક્યા હતા. તેને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. હત્યાકાંડ બાદથી જ અસદ અને અન્ય આરોપીઓ સાથે તે પણ ફરાર ચાલી રહ્યો છે.
ગુડ્ડુ મુસ્લિમ હેન્ડ ગ્રેનેડ બનાવવામાં પાવરધો છે અને ચાલતી મોટરસાયકલ પર પાછળ બેસીને પણ તે બૉમ્બ બનાવી શકે છે. તે જે રીતે બૉમ્બ બનાવે છે તે પ્રક્રિયા અલગ છે અને માત્ર 4થી પાંચ મિનિટમાં બૉમ્બ બનાવી દેવા માટે કુખ્યાત છે. તેણે નેપાળથી આ બૉમ્બ બનાવવાની તાલીમ મેળવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
90ના દાયકાથી જ ગુડ્ડુએ ક્રાઇમની દુનિયામાં ઓળખ બનાવી લીધી હતી અને યુપીના લગભગ તમામ માફિયાઓ સાથે તેના સબંધો હતા. તે લૉ માર્ટિનિયર કોલેજના ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર ફ્રેડરિક ગોમ્સની હત્યામાં પણ સામેલ હતો. જે મામલે તેની ધરપકડ પણ થઇ હતી પરંતુ પછીથી જામીન મળી ગયા હતા. જોકે, પછી પણ તેણે ગુનાઓ આચરવાના ચાલુ જ રાખ્યા હતા.
છૂટ્યા બાદ તે બિહાર ભાગી ગયો હતો અને ત્યાં પણ તેણે લૂંટપાટ સહિત અનેક મોટા ગુનાઓને અંજામ આપ્યો હતો. ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું, જે મામલે વર્ષ 2019માં સીબીઆઈએ તેની સામે ચાર્જશીટ પણ દાખલ કરી હતી.