ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર ખાણીપીણીની ચીજો વેચતા દુકાનદારોને પોતાનાં નામ પ્રદર્શિત કરવાના યોગી સરકારના આદેશ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે કોર્ટે એકપક્ષીય આદેશ સંભળાવીને સ્ટે મૂક્યો હતો અને સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગવામાં આવ્યો હતો. યોગી સરકારે કોર્ટમાં જવાબ દાખલ કરીને આ આદેશનો બચાવ કર્યો છે. બીજી તરફ, કોર્ટે સ્ટે લંબાવી દીધો છે.
યોગી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, રાજ્ય દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો દુકાનો અને ભોજનાલયોનાં નામોથી કાવડયાત્રીઓને થતા ભ્રમ વિશે મળેલી ફરિયાદો બાદ બહાર પાડવામાં આવ્યા હતા. આવી ફરિયાદો મળવા પર પોલીસ અધિકારીઓએ તીર્થયાત્રીઓની સમસ્યા દૂર કરવા અને કાયદો-વ્યવસ્તા જાળવી રાખવા માટે કાર્યવાહી કરી છે. આ સાથે સરકારે એ પણ સ્પષ્ટતા કરી કે રાજ્યમાં ખાદ્ય વિક્રેતાઓના વ્યાપાર કે વ્યવસાય પર કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી અને તેઓ વ્યવસાય કરવા માટે સ્વતંત્ર છે.
સરકારે એમ પણ જણાવ્યું કે, માલિકોનાં નામ અને ઓળખ પ્રદર્શિત કરવાનો આદેશ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે અને કાવડયાત્રીઓમાં કોઇ ભ્રમ ન રહે તે માટેનો એક અતિરિક્ત ઉપાય માત્ર છે. સરકાર પક્ષે હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 મુજબ ઢાબા માલિકો સહિત તમામ ખાણીપીણીના વિક્રેતાઓએ તેમનાં નામો પ્રદર્શિત કરવાં પડે છે. સુપ્રીમ કોર્ટે જે વચગાળાનો આદેશ આપ્યો છે તે કેન્દ્ર સરકારના કાયદાને અનુરૂપ નથી. સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે આદેશ સમગ્ર રાજ્યમાં નહીં પરંતુ અમુક જ વિસ્તારોમાં (જ્યાંથી કાવડયાત્રીઓ પસાર થાય છે) લાગુ કરવામાં આવ્યો છે.
આ મામલે સુનાવણી હાથ ધર્યા બાદ શુક્રવારે (26 જુલાઈ) સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે લંબાવી દીધો છે અને આગળની સુનાવણી 5 ઑગસ્ટના રોજ મુકરર કરી છે. નોંધવું જોઈએ કે UP સાથે ઉત્તરાખંડમાં પણ આ પ્રકારના આદેશ લાગુ કરવામાં આવ્યા છે. જ્યાં પણ સુપ્રીમનો સ્થગન આદેશ લાગુ રહેશે.
ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસમાં ઉત્તરનાં રાજ્યોમાં કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે લાખો શિવભક્તો ભાગ લે છે. આ યાત્રીઓની ફરિયાદો બાદ પહેલાં UPના મુજફ્ફરનગર જિલ્લામાં તમામ ખાણીપીણી વિક્રેતાઓને પોતાનાં નામ પ્રદર્શિત કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. જેનું પાલન પણ શરૂ થઈ ગયું હતું. પરંતુ તેને લઈને વિપક્ષોએ રાજકારણ શરૂ કરી દીધું અને દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો. ત્યારબાદ UP સરકારે સમગ્ર રાજ્યમાં કાવડયાત્રાના રૂટ પર આ આદેશ લાગુ કરી દીધો અને ઉત્તરાખંડમાં પણ આદેશ આપવામાં આવ્યા. પરંતુ આ આદેશો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી દેવામાં આવી, જેથી કોર્ટે સ્ટે મૂકી દીધો હતો, જે હજુ પણ ચાલુ જ રહેશે.