આપણા દેશમાં સામાન્ય રીતે ભરણપોષણના કેસમાં કોર્ટ પતિને જ પત્નીના ભરણપોષણ માટે એક નિશ્ચિત રકમ ચૂકવવાનો આદેશ આપતી હોય છે. આવા કિસ્સા લોકોએ ખુબ જોયા-જાણ્યા છે. પરંતુ આનાથી વિરુદ્ધ ઇન્દોર ફેમિલી કોર્ટે એક પારિવારિક વિવાદમાં પત્નીને તેના પતિને ભરણપોષણ માટે દર મહિને ₹5 હજાર ચૂકવવાનો આદેશ આપ્યો છે. મહિલાના પતિને વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં તેની સામે ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પતિએ ભરણપોષણનો કેસ દાખલ કરીને કહ્યું હતું કે, તેની પાસે ભરણપોષણની કોઈ વ્યવસ્થા નથી જ્યારે તેની પત્ની બ્યુટી પાર્લર ઓપરેટર છે અને સારા પૈસા કમાય છે. જે પછી કોર્ટે આ મામલે પતિ તરફ ચુકાદો આપ્યો છે.
આ મામલે વકીલ મનીષ ઝારોલે જણાવ્યું કે, ભરણપોષણની માંગ સાથે કેસ કરનાર પતિનું નામ અમન છે, અને પત્નીનું નામ નંદીની છે. બંનેની મુલાકાત એક કોમન ફ્રેંડ દ્વારા થઇ હતી. બંને વચ્ચે નિકટતા વધતા નંદીનીએ અમનને પ્રપોઝ કર્યું હતું. પરંતુ અમન તેની સાથે લગ્ન કરવા ઈચ્છુક ન હોવાથી તેને ના પડી હતી. જે પછી નંદીનીએ અમનને આત્મહત્યા કરવાની ધમકી આપતા બંનેએ જુલાઈ 2021માં આર્ય સમાજના એક મંદિરમાં વિધિવત લગ્ન કરી લીધા હતા, અને ઇન્દોરમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા.
આરોપ છે કે લગ્ન પછી નંદીનીએ અમનને હેરાન કરવાનું ચાલુ કર્યું હતું. અમને ખુબ સમજાવ્યું છતાં જયારે તેને પોતાનો વ્યવહાર ન સુધાર્યો ત્યારે નિરાશ અમન નંદીનીને છોડીને પોતાના ઘર-પરિવાર સાથે જતો રહ્યો હતો. જે પછી તેણે કોર્ટમાં પત્ની સામે ભરણપોષણનો દાવો કર્યો હતો.
દલીલ વખતે અમને કોર્ટમાં કહ્યું હતું કે, “હું માત્ર 12મું ધોરણ પાસ છું. મેં કોલેજમાં એડમિશન લીધું હતું, પણ નંદિનીના કારણે મારે ભણતર છોડવું પડ્યું. હું બેરોજગાર છું, જ્યારે નંદિની ગ્રેજ્યુએટ છે અને બ્યુટી પાર્લર ચલાવે છે. આવી સ્થિતિમાં મને તેમની પાસેથી ભરણપોષણ ભથ્થું મળવું જોઈએ.”
જયારે બીજી બાજુ નંદીનીએ ભરણપોષણની રકમની ચુકવણી કરવા માટે અસમર્થતા દર્શાવી હતી. સાથે તે બેરોજગાર હોવાનો અને અમન નોકરી કરતો હોવાનો દાવો કર્યો હતો. પરંતુ અમને તેના દાવાઓનું ખંડન કરતા જણાવ્યું હતું કે, તે તેને છોડી તેના પરીવાર સાથે રહેવા ગયો ત્યારે નંદીનીએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ કરી હતી અને વ્યવસાયમાં બ્યુટીપાર્લરનો ઉલ્લેખ કર્યો હતો. જેથી ફરિયાદના આધારે કોર્ટે તેનું જુઠાણું પકડી પાડ્યું હતું. જયારે અમનની નોકરી અંગેના કોઈ પાકા પુરાવા નંદીની કોર્ટમાં રજૂ ન કરી શકતા અંતે કોર્ટે અમનના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો.
કોર્ટના આદેશ મુજબ હવે અમનને નંદીની સાથે નહી રહેવું પડે અને તેની પત્ની નંદીનીએ દર મહીને અમનને ₹5 હજારનું ભથ્થું ચુકવવું પડશે. આ ઉપરાંત કેસનો પણ ખર્ચ ચૂકવવો પડશે.