શુક્રવારે (1લી સપ્ટેમ્બર, 2023) રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે ‘મેરા બિલ, મેરા અધિકાર’ યોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ નાગરિકો દ્વારા કરવામાં આવતી માલ કે સેવાની ખરીદીના બિલ મેળવતા ગ્રાહકોને પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજનામાં તમે ઓછામાં ઓછા ₹200ના GST બિલથી દર મહિને ₹10 લાખ સુધીની રકમ જીતી શકો છો. સરકારની આ યોજના હેઠળ ગ્રાહકો GST બિલ લેતા થાય તે મુખ્ય હેતુ છે.
રિપોર્ટ અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકો GST અંગે જાગૃત થાય તે હેતુ આકર્ષક યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ભાગ લેવા સરકારે ‘મેરા બિલ, મેરા અધિકાર’ (My Bill My Right) એપ્લિકેશન લોન્ચ કરી છે. જે એન્ડ્રોઇડ સિવાય આઇઓએસ વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે. આ એપમાં તમે લોગીન કરી ખરીદેલ વસ્તુ કે સેવાના ₹200 કે તેનાથી વધુ રકમના GST બિલનો ફોટો અપલોડ કરી આ યોજનામાં ભાગ લઇ શકો છો. આ સાથે પાન નંબર, આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો અપલોડ કરવાની રહેશે. આ સિવાય સરકાર દ્વારા જાહેર કરાયેલ ‘web.merabill.gst.gov.in’ વેબસાઈટ પરથી પણ યોજનાનો લાભ મેળવી શકાય છે. આ યોજના અંતર્ગત ભાગ લેનાર વ્યક્તિ દ્વારા એક મહિનામાં વધુમાં વધુ 25 બિલ અપલોડ કરી શકાશે.
ગુજરાતમાં નાણામંત્રી કનુ દેસાઈએ કરાવ્યો પ્રારંભ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ખાતે આ યોજનાનો પ્રારંભ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રી કનુ દેસાઇએ તા. 01 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11:00 કલાકે વાપી ખાતેથી કર્યો હતો. સરકાર દ્વારા આ યોજનાને આવતા 12 મહિના સુધી અમલમાં મુકવાનો નિર્ણય કરાયો છે. જો કે, કેન્દ્ર સરકારે આ યોજનાને ગુજરાત, આસામ, હરિયાણા, પોન્ડિચેરી રાજ્ય સહિત કેન્દ્રસાશિત પ્રદેશ દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત ભાગ લેનાર વ્યક્તિ દ્વારા એક મહિનામાં વધુમાં વધુ 25 બિલ અપલોડ કરી શકાશે. આ સ્કીમમાં તા. 1 સપ્ટેમ્બર, 2023 અને ત્યાર પછીના બિલોને જ આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશના કર માળખાને સુદ્રઢ કરવાના નવતર પ્રયોગમાં તમે ₹10,000થી લઈને ₹10 લાખ સુધીના પુરસ્કાર મૂલવી શકો છે. આ યોજના અંતર્ગત ત્રિમાસિક ધોરણે ડ્રો કરી માતબર રકમના પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જે અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે ₹30 કરોડની રકમ ફાળવી હોવાનું જાણવા મળ્યું છે.