મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હે હત્યા કેસમાં NIAએ તપાસ હાથ પર લીધા બાદ હત્યાના માસ્ટરમાઈન્ડ સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જે બાદ કેસની વધુ વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઉમેશ કોલ્હેના હત્યારાઓ એકબીજા સાથે સબંધ ધરાવતા હતા અને તેમાંથી કેટલાક હત્યાના માસ્ટરમાઈન્ડના NGO સાથે કામ કરતા હતા.
આરોપીઓ પૈકીના એક ડૉ. યુસુફ ખાને આ તમામ આરોપીઓને હત્યા માટે ઉશ્કેર્યા હતા. યુસુફ ઉમેશ કોલ્હેનો મિત્ર હતો અને તેમણે તેને મદદ પણ કરી હતી. ઉમેશ કોલ્હેએ ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં જે પોસ્ટ મૂકી હતી, તે વોટ્સએપ ગ્રુપનો એડમીન યુસુફ જ હતો.
હત્યા માટે ઉશ્કેરનાર ડૉ. યુસુફ ઉમેશનો મિત્ર હતો
વેટરનરી ડોક્ટર યુસુફ ખાન અને કેમિસ્ટ ઉમેશ કોલ્હે બંને એક્બીજાને ઘણા સમયથી ઓળખતા હતા. 2016 થી તે બંને સારા મિત્રો હતા. બંને વચ્ચે નાણાકીય વ્યવહારો પણ થતા હતા અને ઉમેશ કોલ્હેએ ઘણીવાર યુસુફને મદદ પણ કરી હતી. યુસુફ ખાનની બહેનના લગ્ન હોય કે તેના સંતાનોઆ એડમિશન, ઉમેશ કોલ્હેએ તેને આર્થિક સહયોગ કર્યો હતો. જોકે, આટલા સારા સબંધો હોવા છતાં યુસુફે જ ઉમેશ કોલ્હેની હત્યા માટે આરોપીઓને ઉશ્કેર્યા હતા.
શેખ ઇરફાને પ્લાન ઘડ્યો હતો
યુસુફ ખાને ઉમેશ કોલ્હે વિરુદ્ધ ઉશ્કેર્યા બાદ શેખ ઈરફાન એક્શનમાં આવ્યો અને તેણે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તેણે મૌલાના મુદસ્સિર અહેમદ ઉર્ફે સોનુ રઝા શેખ ઇબ્રાહિમને રેકી કરવાનું કામ સોંપ્યું હતું. જે બાદ શેખ ઈરફાને અન્ય લોકોને પણ પ્લેનમાં જોડ્યા હતા. જેમાં શાહરૂખ પઠાણ (25), અબ્દુલ તૌફીક (24), શોએબ ખાન (22) અને આતિબ રાશિદ (22)નો સમાવેશ થાય છે. શોએબે ઉમેશ કોલ્હેને પાછળથી ગળામાં હુમલો કર્યો હતો. જોકે, આ ચારમાંથી એકેયનો ક્રિમિનલ રેકોર્ડ નથી.
ઈરફાન કામેલા વિસ્તારમાં પઠાણ ચોક ખાતે રહે છે. તેના પાડોશીએ જણાવ્યું કે, તે વેલ્ડર હતો પરંતુ કોરોનાના કારણે તેના ધંધા પર અસર પડી હતી. તે એક ‘રાહબર’ નામનું એનજીઓ પણ ચલાવે છે. NGOના ફેસબુક પેજ પર ઉપલબ્ધ વિગતો અનુસાર, આ સંસ્થા દિવ્યાંગો માટે કામ કરે છે. જે ચાર લોકોને પ્લાનમાં સામેલ કરવામાં આવ્યા હતા તેઓ આ NGO સાથે ભૂતકાળમાં કામ કરી ચૂક્યા હતા.
ચરમપંથીઓએ હત્યાને આપ્યો હતો અંજામ
ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, શેખ ઈરફાનના પાડોશીઓએ જણાવ્યું કે, તાજેતરમાં તે ‘ચરમપંથી મજહબી’ બની ગયો હતો અને સાત વર્ષથી સામાજિક ગતિવિધિઓમાં સક્રિય હતો. ઉપરાંત તેણે સીએએ વિરોધી આંદોલનોમાં પણ હિસ્સો લીધો હોવાનો આરોપ છે. ઈરફાન તેની મા, તેનો ભાઈ, પત્ની, બે પુત્રો અને એક પુત્રી સાથે રહે છે. જોકે, છેલ્લા એક અઠવાડિયાથી તેના ઘરે તાળું લાગ્યું છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, “હું તેને સારી રીતે જાણું છું. જાહેર સમસ્યાઓને લઈને તે એઘણીવાર પોલીસ સ્ટેશને આવતો રહ્યો હતો. તેની વિરુદ્ધ મારપીટનો એક કેસ દાખલ થયો હતો અને પૂછપરછ માટે અટકાયત પણ કરવામાં આવી હતી. તેણે તેના એક મિત્રને અન્ય સમુદાયની એક યુવતી સાથે ભાગવામાં મદદ કરી હતી.”
પ્લાન બનાવનાર, હત્યા કરનાર તમામ મજહબી કટ્ટરપંથીઓ
સ્થાનિક સૂત્રો અનુસાર, અન્ય આરોપીઓ મુદસ્સીર શેખ અને તૌફીક તસ્લીમ પણ ચરમપંથી હતા. એક સૂત્રે જણાવ્યું, “અબ્દુલ ગુસ્સાવાળા સ્વભાવનો હતો. અમુક વર્ષો પહેલાં તે એક મધ્યરાત્રીએ નાગપુરી ગેટ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને એક ફેસબુક પોસ્ટ વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ લગાવી FIR દાખલ કરવાની માંગ કરી હતી. કેમિસ્ટની હત્યા બાદ તેણે અન્યો સામે ડંફાસો મારી હતી કે તેણે પયગંબરનું અપમાન કરનારને મારી નાંખ્યો હતો. પોલીસને ત્યાંથી જ પહેલી લીડ મળી હતી.”
સીસીટીવી ફૂટેજમાં રેકી કરતા જોવા મળ્યા હતા આરોપીઓ
હત્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી પછી તેમને બનાવ પહેલાંના કેટલાક સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. વિડીયોમાં ત્રણ આરોપીઓ કાળા કપડાંમાં રેકી કરતા જોવા મળે છે. અન્ય એક ફૂટેજમાં ત્રણ આરોપીઓ હત્યા માટે બનાવના સ્થળે જતા દેખાય છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ
માર્યા ગયેલા ઉમેશ કોલ્હેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ મળી આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ચાકુથી હુમલો થયો હોવાના કારણે તેમના મગજની નસને નુકસાન પહોંચ્યું હતું. ઉપરાંત, તેમની શ્વાસનળી, અન્નનળી અને આંખની નસને પણ નુકસાન થયું હતું. ઉમેશના ગળા પર વાગેલો ઘા પાંચેક ઇંચ જેટલો પહોળો, સાત ઇંચ લાંબો અને પાંચ ઇંચ ઊંડો હતો.
પોલીસે ગેરમાર્ગે દોરતા દાવા કર્યા હતા
અમરાવતી હત્યા કેસ બાદ પોલીસ પર પણ સવાલો સર્જાયા છે. પોલીસ પર જાણીજોઈને આ કેસને ચોરીમાં ખપાવવાના પ્રયાસ કરવાના આરોપ લાગ્યા છે. આરોપ છે કે મામલાની તપાસ દરમિયાન પોલીસે નૂપુર શર્માના સમર્થનમાં કરવામાં આવેલ પોસ્ટના કારણે હત્યા થઇ હોવા છતાં ચોરીની ઘટના હોવાનું કહ્યું હતું. પોલીસે દાવો કર્યો હતો કે, આરોપીઓ ચોરી કરવા માટે આવ્યા હતા અને ઉમેશે કંઈ પણ આપવાનો ઇનકાર કરતાં તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. પરંતુ મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ સહિત અનેક લોકો દ્વારા આ દાવા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કારણ કે આરોપીઓનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ મળ્યો ન હતો તેમજ હત્યા બાદ તેઓ ઉમેશ પાસેથી કંઈ લઇ ગયા ન હતા. ઉમેશ પાસે 3 હજાર રૂપિયા રોકડા અને મોબાઈલ હતો, જે ક્રાઇમ સીન પાસેથી મળી આવ્યા હતા.
મામલાની ગંભીરતાને ધ્યાને લેતા ગૃહમંત્રી અમિત શાહે કેસ NIA ને સોંપવાનો નિર્ણય લીધો હતો. જે બાદ એજન્સીની એક ટીમ અમરાવતી પહોંચી હતી અને એફઆઈઆર દાખલ કરી હતી. FIRમાં મુદસ્સીર અહેમદ, શાહરુખ પઠાણ, અબ્દુલ તૌફીક, શોએબ ખાન, અતિબ રશીદ, યુસુફ ખાન અને શેખ ઈરફાન સહિતના લોકોના નામ લખવામાં આવ્યાં છે.
Amravati incident very serious, killing is barbaric. Accused, mastermind nabbed. NIA investigating it, finding if there is some international connection. This was initially portrayed as theft, that too will be investigated: Deputy CM Devendra Fadnavis outside Maharashtra assembly pic.twitter.com/Qa1yTmCy8q
— ANI (@ANI) July 3, 2022
કેસ મામલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અમરાવતી કેસ બહુ ગંભીર છે. હત્યા જઘન્ય છે. માસ્ટરમાઈન્ડ સહિતના આરોપીઓ પકડાઈ ગયા છે. NIAની તપાસ ચાલી રહી છે. તેમજ આંતરરાષ્ટ્રીય કનેક્શનની પણ તપાસ ચાલી રહી છે. પોલીસના દાવાઓ અંગે પણ તેમણે કહ્યું કે, શરૂઆતમાં આ કેસને ચોરીનો કેસ ગણાવવામાં આવી રહ્યો હતો, જે મામલે પણ તપાસ કરવામાં આવશે.