Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, યુકેની કોર્ટે પ્રત્યાર્પણ રોકવાની અરજી ફગાવી:...

    નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, યુકેની કોર્ટે પ્રત્યાર્પણ રોકવાની અરજી ફગાવી: ડાઈમંડનો આ વેપારી બેંકોનું ₹14500 કરોડનું ફૂલેકું ફેરવી ભાગી ગયો હતો

    નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંક (PNB)ને 14,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. છેતરપિંડીનો આ મામલો 29 જાન્યુઆરી 2018ના રોજ પ્રકાશમાં આવ્યો હતો. આ પછી 29 જૂન 2018ના રોજ ઈન્ટરપોલ દ્વારા નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ફટકારવામાં આવી હતી.

    - Advertisement -

    બેંકોનું કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવીને ભાગી ગયેલા હીરાના વેપારી નીરવ મોદીને બ્રિટનની હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. યુકેની હાઈકોર્ટે બુધવારે નીરવ મોદીની અપીલ ફગાવી દીધી હતી અને ભારતને પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. નીરવ મોદીને ભારતમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં તે યુકેમાં આશ્રય લઈ રહ્યો છે. યુકે હાઈકોર્ટ દ્વારા અપીલ ફગાવી દેવાયા બાદ નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

    અહેવાલો અનુસાર લોર્ડ જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને જસ્ટિસ રોબર્ટ જે.ની કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. બંનેએ આ વર્ષની શરૂઆતમાં નીરવ મોદી દ્વારા કરવામાં આવેલી અપીલની સુનાવણીની અધ્યક્ષતા કરી હતી. પ્રત્યાર્પણની મંજૂરી મળતાની સાથે ભારતીય એજન્સીઓ પાસે યુકેની જેલમાં બંધ નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ થઇ ગયો છે.

    આ પહેલા કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ રોબર્ટ જેએ કહ્યું હતું કે ભારત અને બ્રિટન વચ્ચે સારા સંબંધો છે. આવી સ્થિતિમાં બ્રિટને 1992ની ભારત-યુકે પ્રત્યાર્પણ સંધિનું સન્માન કરવું જરૂરી છે. હાઈકોર્ટ પહેલા બ્રિટનની નીચલી કોર્ટે નીરવ મોદીને ભારતને સોંપવાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ પછી નીરવે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે કરોડોનું ફૂલેકું ફેરવ્યા બાદ ફરાર થઇ ગયેલા નીરવ મોદીને લાવવાની કોશિશ ઘણા સમયથી ચાલી રહી છે. તેવામાં નીરવ મોદી તેના પ્રત્યાર્પણને રોકવા માટે અલગ-અલગ દલીલો આપી રહ્યો છે. નીરવના વકીલોએ યુકેની કોર્ટને કહ્યું હતું કે તે ડિપ્રેશનથી પીડિત છે અને ભારતની જેલમાં આત્મહત્યા કરી શકે છે.

    આટલું જ નહીં, નીરવે કોર્ટને કહ્યું હતું કે ભારતમાં તેને જીવનું જોખમ છે અને, ભારતમાં જેલોની હાલત ખૂબ જ ખરાબ છે અને ત્યાં તેની હત્યા થઈ શકે છે. નોંધનીય છે કે ઓગસ્ટ 2018માં આ કેસની તપાસ કરી રહેલી ભારતીય એજન્સી સીબીઆઈએ પહેલીવાર બ્રિટેનની કોર્ટમાં નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે અપીલ કરી હતી.

    નીરવ મોદીને આર્થિક અપરાધ અધિનિયમ 2018 હેઠળ ભારતની વિશેષ પીએમએલએ કોર્ટે ભાગેડુ જાહેર કર્યો હતો. એજન્સીઓની કાર્યવાહીથી બચવા નીરવ લંડન ભાગી ગયો હતો. ત્રણ વર્ષ પહેલા 13 માર્ચ 2019ના રોજ બ્રિટનની સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે લંડનમાંથી તેની ધરપકડ કરી હતી. ત્યારથી તે સાઉથ વેસ્ટ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે.

    નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંક (PNB)ને 14,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. છેતરપિંડીનો આ મામલો 29 જાન્યુઆરી 2018ના રોજ પ્રકાશમાં આવ્યો હતો. આ પછી 29 જૂન 2018ના રોજ ઈન્ટરપોલ દ્વારા નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ફટકારવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં