પશ્ચિમ બંગાળ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે રાજ્યના પાટનગર કોલકત્તામાંથી બે સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે. બંનેની ઓળખ સૈયદ અહમદ અને મોહમ્મદ સદ્દામ તરીકે થઇ છે. બંને સામે આતંકવાદ માટે મુસ્લિમ યુવકોની ભરતી કરવાનો, હથિયારો અને વિસ્ફોટકો જમા કરવાનો અને ફંડ એકઠું કરવાનો આરોપ લાગ્યો છે.
Two persons – Md. Saddam and Sayeed Ahmed – have been arrested from the eastern slope of Vidyasagar Sethu, Kolkata for recruiting young Muslim youths and collecting arms ammunition and explosives and to raise funds for terror: West Bengal STF pic.twitter.com/lSRuHQA3Bb
— ANI (@ANI) January 7, 2023
રિપોર્ટ્સ અનુસાર, બંને કુખ્યાત આતંકવાદી સંગઠન ISIS માટે કામ કરતા હતા. શુક્રવારે બંનેની ધરપકડ કરવામાં આવ્યા બાદ શનિવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે 19 જાન્યુઆરી સુધી તેમના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસે જણાવ્યું કે, એક ઇનપુટના આધારે શુક્રવારે રાત્રે કાર્યવાહી કરીને કોલકત્તા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે હાવડાના ટિકિયાપરામાંથી બંનેને શોધી કાઢ્યા હતા અને પકડી લીધા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, બંને આતંકવાદી સંગઠનો સાથે સંપર્કમાં હતા અને તેમની ભૂમિકાની વધુ તપાસ માટે પૂછપરછ-શોધખોળ ચાલી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પકડાયેલા બંને સંદિગ્ધ એક ગુપ્ત બેઠક કરવા માટે ખીદીરપુર જઈ રહ્યા હતા પરંતુ પહેલાં જ પકડાઈ ગયા હતા. બેમાંથી એક એમ. ટેક એન્જીનીયર છે અને પાકિસ્તાન અને પશ્ચિમ એશિયાના ISIS હેન્ડલરો સાથે સંપર્કમાં હતો. આ બંને હાવડામાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા અને તેનો વિસ્તાર કરવાના આશયથી કામ કરી રહ્યા હતા.
યુવાનોના બ્રેનવૉશ કરીને જેહાદ તરફ વાળવાનો હતો ઉદ્દેશ્ય
બંગાળ STF દ્વારા સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ મામલે એવું પણ જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર આ બંને શખ્સો રાષ્ટ્ર-વિરોધી ગતિવિધિઓ અને કટ્ટરવાદને પ્રોત્સાહન આપી રહ્યા હતા અને તેમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોના બ્રેનવૉશ કરીને તેમને જેહાદી પ્રવૃત્તિઓ તરફ વાળવાનો હતો. યુવાનોમાં દેશવિરોધી ભાવનાઓ ભડકાવવા માટે તેઓ વિસ્ફોટકો અને હત્યાના ફૂટેજનો પણ સહારો લેતા હતા. અધિકારીઓએ એ પણ જણાવ્યું કે અનેક યુવાનો આ બંનેની જાળમાં ફસાઈ ચૂક્યા હતા.
આ બંનેના ઠેકાણા પાસેથી તપાસ કરતી ટીમને કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. ઉપરાંત, તેમની પાસેથી સ્માર્ટ ફોન, ડેબિટ કાર્ડ વગેરે સાથે જેહાદી સાહિત્ય પણ મળી આવ્યું છે. જેના થકી તેઓ મુસ્લિમ યુવાનોના બ્રેનવૉશ કરી રહ્યા હોવાની આશંકા છે. તેમનું કામ હથિયારો એકઠાં કરવાનું અને ફન્ડિંગ ભેગું કરવાનું હતું. હાલ પોલીસ આ બંનેની પૂછપરછ કરીને તેમનું નેટવર્ક શોધી રહી છે.