લિકર પોલીસી કેસ મામલે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મહેલ જેવા બંગલાના રિનોવેશન મામલે CPWDના એન્જિનિયરો સસ્પેન્ડ થયા છે. વિજિલન્સના એક રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના 2 અધિકારીઓ ઉપર CM કેજરીવાલના આદેશ પર નિયમોનું ઉલ્લંઘન કરીને રિનોવેશનના ખર્ચમાં અત્યંત વધારો કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવિંદ કેજરીવાલનો મહેલ જેવો બંગલો બનાવવામાં જોતરાયેલા કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ એટલે કે CPWDના એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિજિલન્સે જે રિપોર્ટ તૈયાર કર્યો હતો તેના આધારે ADG-CPWD ચીફ એન્જિનિયર પ્રદીપ પરમાર અને અભિષેક રાજ નામના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારમાં લોક નિર્માણ વિભાગમાં કાર્યરત હતા. જોકે, હાલ તેઓ અન્યત્ર ફરજ બજાવે છે, પરંતુ ઉપરાજ્યપાલે તેમના સસ્પેન્શનને મંજૂરી આપી છે. આ ત્રણ સિવાય અન્ય પાંચ કર્મચારીઓ પણ તપાસના દાયરામાં છે.
નોંધવું જોઈએ કે દિલ્હી PWD પાસે પોતાની કોઇ કેડર નથી, એટલે આવા અધિકારીઓનું પોસ્ટિંગ-ટ્રાન્સફર CPWD દ્વારા જ કરવામાં આવે છે.
#UPDATE | CPWD has suspended its three engineers, namely, ADG (Civil) CPWD, Ashok Kumar Rajdev, Chief Engineer, Pradeep Kumar Parmar and Superintending Engineer, Abhishek Raj for their role in the illegalities involved in the construction of Delhi CM Arvind Kejriwal’s official…
— ANI (@ANI) August 10, 2024
વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર, AAPની સરકારમાં આ સરકારી બાબુઓએ અરવિંદ કેજરીવાલના PWD મંત્રી સાથે મળીને ‘શીશમહેલ’ના નિર્માણની અનુમતિ આપી હતી. રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, અરવિંદ કેજરીવાલ જે બંગલામાં રહેતા હતા તેમાં એક નવા પૈસાનો ખર્ચ કરવાની પણ જરૂર નહોતી. કોરોનાકાળ દરમિયાન સરકારી વિભાગો ખર્ચ પર કાપ મૂકી રહ્યા હતા, તેવા સમયે આ અધિકારીઓએ જરૂર કરતાં વધારે ખર્ચ કરીને અરવિંદ કેજરીવાલનો બંગલો બનાવવામાં ભાગ ભજવ્યો હતો. કોસ્ટ એસ્કેલેશન બાદ બંગલામાં જરૂર કરતાં અત્યંત વધારે રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર, કેજરીવાલના શીશમહેલમાં ઇન્ટિરિયરમાં ધરખમ ફેરફાર કરીને લાખોની કિંમતના પથ્થરના ફર્શ, બિન જરૂરી લાખોની કિંમતના દરવાજા, ઓટોમેટીક લાઈટો, સ્લાઈડર વિન્ડો, પડદાઓ વગેરે પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવ્યો હતો. આ બંગલાના નવીનીકરણ પાછળ અધધ 45 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ 2015થી લઈને 2022 સુધીમાં કેજરીવાલના આ મહેલ પાછળ 29 કરોડ અલગથી ખર્ચવામાં આવ્યા હતા. હાલ આ આખા વિષયની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે.