ઉત્તર-પૂર્વનાં રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામો આજે જાહેર થઇ રહ્યાં છે. ત્રણમાંથી બે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવતી જોવા મળી રહી છે જ્યારે એક રાજ્ય મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા રચાશે તેમ જણાઈ રહ્યું છે. જોકે, અહીં પણ ભાજપ ગઠબંધન કરીને સરકાર મેળવી લેશે તેવું અનુમાન છે.
ત્રિપુરા ચૂંટણીમાં ભાજપે બહુમતીનો આંકડો પાર કરી લીધો છે જ્યારે નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધન આગળ છે. મેઘાલયમાં ગણતરી પૂર્ણતાને આરે હોવા છતાં કોઈ પાર્ટી બહુમત નજીક પહોંચી નથી.
ત્રિપુરામાં ફરી એકવાર ભાજપ સરકાર
ત્રિપુરામાં કુલ 60 વિધાનસભા બેઠકોમાંથી હાલની સ્થિતિએ ભાજપ 33 બેઠકો પર આગળ છે, જેમાંથી 12 બેઠકો પર જીત મેળવી લીધી છે. બાકીની બેઠકો પર ગણતરી ચાલી રહી છે અને પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જેને જોતાં પાર્ટી બહુમતીનો આંકડો મેળવી લેશે તે લગભગ નક્કી થઇ ગયું છે.
અહીં CPI-M 11 બેઠકો પર આગળ છે. કોંગ્રેસે 1 બેઠક જીતી છે જ્યારે 2 બેઠકો પર આગળ છે. ટિપરા મોથા પાર્ટીએ 6 બેઠકો જીતી છે અને 6 બેઠકો પર આગળ ચાલી રહી છે.
ત્રિપુરાની આ આ ચૂંટણીમાં કોંગ્રેસ અને CPI-M વચ્ચે ગઠબંધન થયું હતું પરંતુ તેનો કોઈ ફાયદો મળતો જણાઈ રહ્યો નથી. બંને થઈને હાલની સ્થિતિએ 14 બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે.
અહીં 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 36 બેઠકો જીતીને સરકાર બનાવી હતી જ્યારે CPI-Mને માત્ર 16 બેઠકો મળી શકી હતી. ફરી એક વખત ચૂંટણી જીતીને ભાજપે સત્તા ટકાવી રાખી છે.
નાગાલેન્ડમાં પણ ભાજપે સત્તા ટકાવી રાખી
નાગાલેન્ડ વિધાનસભાની કુલ 60 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી ભાજપ ગઠબંધને બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. આ ચૂંટણી ભાજપ અને નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે મળીને લડી રહ્યાં છે. જેમાં હાલ ભાજપ 9 બેઠકો પર આગળ છે અને 3 જીતી લીધી છે. જ્યારે NDPP 14 બેઠકો પર આગળ છે અને 10 બેઠકો જીતી લીધી છે.
અહીં કોંગ્રેસ પાર્ટીએ એકેય બેઠક પર ખાતું ખોલાવ્યું નથી. બીજી તરફ NPF 2 બેઠકો પર આગળ છે. NPPએ 2 બેઠકો જીતી છે અને 3 બેઠકો પર આગળ છે. નાગાલેન્ડમાં ફરી ભાજપ ગઠબંધનની ભવ્ય જીત દેખાઈ રહી છે.
અહીં 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગઠબંધનની સરકાર બની હતી. ભાજપે નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારે NDPPને 18 અને ભાજપને 11 બેઠકો મળી હતી. અહીં કોંગ્રેસનું ખાતું પણ ખુલી શક્યું ન હતું, જે પ્રદર્શન કોંગ્રેસે આ ચૂંટણીમાં પણ જાળવી રાખ્યું છે.
મેઘાલયમાં કોઈ પાર્ટી બહુમત નજીક નહીં, ભાજપ-NPP ફરી સાથે આવશે?
મેઘાલયમાં કોઈ પાર્ટીને બહુમત મળ્યો નથી. અહીં નેશનલ પિપલ્સ પાર્ટી (NPP) 5 બેઠકો જીતી છે જ્યારે 20 બેઠકો પર આગળ ચાલી રહી છે. કુલ 60 સભ્યોની વિધાનસભામાંથી બહુમતી માટે 31 બેઠકો જરૂરી હોય છે. પરંતુ કોઈ પણ પાર્ટી આ આંકડો પાર કરી શકી નથી.
અહીં ભાજપ 3 બેઠકો પર આગળ છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ એક બેઠક જીતી છે અને 4 પર આગળ છે. કોંગ્રેસ 4 બેઠકો પર આગળ ચાલી રહી છે અને 1 પર જીત મેળવી છે. યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી 5 બેઠકો જીતી છે જ્યારે 6 બેઠકો પર આગળ છે.
2018ની વિધાનસભા ચૂંટણીમાં અહીં ભાજપે NPP સાથે ગઠબંધન કર્યું હતું પરંતુ આ ચૂંટણીમાં ગઠબંધન તોડીને તમામ બેઠકો પર લડવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ત્રિશંકુ વિધાનસભા રચાયા બાદ બંને પાર્ટીઓ ફરી સાથે આવી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો બંને પાર્ટીઓ વચ્ચે ફરી ગઠબંધન થાય તો ભાજપ ત્રણેય રાજ્યોમાં સત્તા મેળવી લેશે.