Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપની સ્પષ્ટ બહુમતીથી જીતના એંધાણ, મેઘાલયમાં કોઈ પાર્ટીને બહુમતી નહીં: જાણો...

    ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપની સ્પષ્ટ બહુમતીથી જીતના એંધાણ, મેઘાલયમાં કોઈ પાર્ટીને બહુમતી નહીં: જાણો શું કહે છે એક્ઝિટ પોલ્સ

    ત્રણેય રાજ્યોમાં એકસમાન 60 બેઠકો માટે મતદાન થયું છે. ત્રણેય રાજ્યોની ચૂંટણીઓનાં પરિણામો 2 માર્ચના રોજ એકસાથે જાહેર કરવામાં આવશે.

    - Advertisement -

    ઉત્તર-પૂર્વનાં બે રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડમાં યોજાયેલી ચૂંટણી માટે આજે મતદાન પૂર્ણ થયું છે. જેની સાથે એક્ઝિટ પોલ્સ પણ સામે આવવાના શરૂ થઇ ગયા છે. જેમાં ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપની સરકાર બનવાના અણસાર વર્તાઈ રહ્યા છે તો મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા રચાવાનું અનુમાન છે. 

    ત્રિપુરામાં ગત 16 ફેબ્રુઆરીએ મતદાન કરવામાં આવ્યું હતું, જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં આજે મતદાન પૂર્ણ થયું છે. ત્રણેય રાજ્યોમાં એકસમાન 60 બેઠકો માટે મતદાન થયું છે. ત્રણેય રાજ્યોની ચૂંટણીઓનાં પરિણામો 2 માર્ચના રોજ એકસાથે જાહેર કરવામાં આવશે. પરંતુ તે પહેલાં આજે એક્ઝિટ પોલ્સ આવવા માંડ્યા છે. 

    ત્રિપુરામાં ભાજપ સરકાર બનવાનાં એંધાણ 

    જન કી બાતના એક્ઝિટ પોલ્સ અનુસાર, ત્રિપુરા વિધાનસભાની કુલ 60માંથી ભાજપ ગઠબંધનને 29થી 40 બેઠકો મળી શકે છે. CPM ગઠબંધનને 16થી 9 જ્યારે TMPને 14થી 10 બેઠકો મળવાનું અનુમાન છે. અન્યના ફાળે એક બેઠકનું અનુમાન લગાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    ઇન્ડિયા ટૂડે-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ્સ અનુસાર, 60માંથી ભાજપ ગઠબંધનને 36થી 45 બેઠકો મળી શકે છે. જ્યારે લેફ્ટ પાર્ટીઓને 6થી 11 બેઠકો મળવાના અણસાર છે. TMPને 9થી 16 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

    ઝી ન્યૂઝના પોલ અનુસાર ત્રિપુરામાં 60માંથી ભાજપને ફાળે 29થી 36 બેઠકો મળી શકે છે. CPM ગઠબંધનને 13થી 21 અને TIPRAને 11થી 16 બેઠકો મળી શકે છે. અન્યને ફાળે 3 બેઠકોનું અનુમાન છે. 

    ઉલ્લેખનીય છે કે 60 બેઠકોની વિધાનસભામાં બહુમતી માટે 31 બેઠકો જોઈએ છે. જેમાંથી મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ભાજપનો વિજય સુનિશ્ચિત હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

    નાગાલેન્ડમાં પણ ભાજપનો વિજય સંભવ 

    નાગાલેન્ડની 60 સભ્યોની વિધાનસભામાંથી ભાજપને બહુમતી મળવાનું અનુમાન છે. જન કી બાતના પોલ્સ અનુસાર, ભાજપ 35થી 45 બેઠકો મેળવી શકે છે. જ્યારે NPFને 10થી 6 અને અન્યને ફાળે 15થી 9 બેઠકો જઈ શકે છે. 

    ઇન્ડિયા ટૂડે-માય એક્સિસના પોલમાં પણ ભાજપને બહુમતી મળતી બતાવવામાં આવી છે. જે અનુસાર, ભાજપ અને NDDPના ગઠબંધનને 38થી 48 બેઠકો મળી શકે છે. NPFને 3થી 8 અને કોંગ્રેસને 1થી 2 બેઠકો મળી શકે તેમ છે. 

    ટાઈમ્સ નાઉના પોલ્સ અનુસાર, નાગાલેન્ડમાં ભાજપ 60માંથી 44 બેઠકો મેળવી શકે તેમ છે. કોંગ્રેસનું ખાતું પણ ન ખુલે તેવું અનુમાન છે તો બીજી તરફ NPFને 6 અને અન્યના ખાતામાં 9 બેઠકો જઈ શકે છે. 

    ઝી ન્યૂઝના પોલમાં પણ ભાજપની જીત નિશ્ચિત હોવાનું અનુમાન છે. જે અનુસાર, પાર્ટી ગઠબંધનને 35થી 43 બેઠકો મળી શકે જ્યારે કોંગ્રેસને 1થી 3 બેઠકો અને NPFને 2થી 5 બેઠકો મળવાનું અનુમાન છે. 

    મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા રચાશે: પોલ્સ 

    મેઘાલયની વાત કરવામાં આવે તો અહીં કોઈ પાર્ટીને બહુમતી મળતી જણાઈ રહી નથી. ‘જન કી બાત’ના પોલ અનુસાર અહીં TMCને 14થી 9 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપ 3થી 7 બેઠકોમાં સમેટાઈ શકે છે. કોંગ્રેસને 11થી 6 બેઠકો મળવાનું અનુમાન છે. 

    ઇન્ડિયા ટૂડેના પોલ અનુસાર, મેઘાલયમાં NPPને 18થી 24 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 6થી 12 જ્યારે ભાજપને 4થી 8 બેઠકો મળવાનું અનુમાન છે. ટાઈમ્સ નાઉના પોલ અનુસાર, NPPને 22, કોંગ્રેસને 3 અને ભાજપને 5 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે અન્ય નાની-મોટી પાર્ટીઓ અને અપક્ષના ફાળે 29 બેઠકો જઈ શકે છે. 

    ઝી ન્યૂઝના પોલ્સમાં પણ NPPને 21થી 26 બેઠકો મળતી બતાવવામાં આવી છે. ભાજપને 6થી 11, TMCને 8થી 13 અને કોંગ્રેસને 3થી 6 બેઠક મળવાનું અનુમાન છે. અન્યના ફાળે 10થી 19 બેઠકો જઈ શકે છે. 

    તમામ એક્ઝિટ પોલ્સમાંથી એકેયમાં મેઘાલયમાં કોઈ પાર્ટીને બહુમતી મળતી જણાઈ રહી નથી. જોકે, NPP સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની શકે તેમ પોલ્સ પરથી લાગી રહ્યું છે. જોકે, ખરું ચિત્ર તો 2 માર્ચે પરિણામના દિવસે જ સ્પષ્ટ થઇ શકશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં