ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) શાહજહાંપુરમાં (Shahjahanpur) ગુરુવારે (3 એપ્રિલ) ઇસ્લામી પુસ્તક કુરાનના (Quran) ફાટેલા પાનાં મળી આવ્યા બાદ સ્થિતિ વણસી ગઈ હતી. ઘટનાની જાણ થયા બાદ હજારોની સંખ્યામાં મુસ્લિમ ટોળાં (Muslim Mob) એકઠા થઈ ગયા હતા અને કાર્યવાહીની માંગણી કરવા લાગ્યા હતા. જોકે, પોલીસને જાણ થયા બાદ સીસીટીવીના આધારે આરોપીને પકડી પણ પાડવામાં આવ્યો હતો. જે બાદ જાણવા મળ્યું કે, આરોપી પણ મુસ્લિમ સમુદાયનો છે અને તેનું નામ મોહમ્મદ નઝીમ (Mahommad Nazim) છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
માહિતી અનુસાર, આ ઘટના ગુરુવારે (3 એપ્રિલ) રાત્રે લગભગ 9 કલાકે જલાલાબાદમાં બનવા પામી હતી. જલાલાબાદ પોલીસ સ્ટેશનથી 50 મીટર દૂર આ ઘટના બની હતી. જોવા મળ્યું હતું કે, એક યુવક દુકાનની સામે કુરાનના પાનાં ફાડીને ઉડાવી રહ્યો હતો. ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા અને મુસ્લિમો સમુદાયમાં રોષ ફેલાયો હતો. મોટી સંખ્યામાં મુસ્લિમ ટોળાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને નારા લગાવવા લાગ્યા હતા.
આરોપી નીકળ્યો મોહમ્મદ નઝીમ
ઘટનાની સૂચના મળતા જ SP રાજેશ દ્વિવેદી પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ટોળાંને શાંત કરવાના પ્રયાસો કરવા લાગ્યા હતા. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ભારે પોલીસદળ પણ ખડકી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તપાસ આદરી હતી અને સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરી હતી. આરોપીની ઓળખ મોહમ્મદ નઝીમ તરીકે થઈ છે. પોલીસે તાત્કાલિક ધોરણે તેની ધરપકડ કરી લીધી છે અને તપાસ હાથ ધરી છે.
ઘટના વિશે વાત કરતા SP રાજેશ દ્વિવેદીએ કહ્યું છે કે, “હું પોતે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મુસ્લિમ ટોળાંઓને શાંત કર્યા બાદ તપાસ કરી. સીસીટીવી ફૂટેજની તપાસ કરતા એક યુવક પાક પુસ્તકના પાનાં હવામાં ઉડાવી રહ્યો હોય તેવું નજરે ચડ્યું હતું. આરોપીની ઓળખ જલાલાબાદ કસ્બાના રહેવાસી નઝીમ તરીકે થઈ છે. હાલ કાર્યવાહી ચાલુ છે.”
दि-03.04.25 को रात्रि में थाना जलालाबाद क्षेत्र में धार्मिक पुस्तक के फटे हुए पन्ने मिलने की सूचना पर तत्काल संज्ञान लेते हुए CCTV व अन्य जानकारी के माध्यम से एक नजीम नाम के व्यक्ति को हिरासत में लेने व अग्रिम कार्यवाही के सम्बन्ध में #श्री_राजेश_द्विवेदी SP_शाहजहाँपुर की बाईट। pic.twitter.com/a9cpLf1VKG
— SHAHJAHANPUR POLICE (@shahjahanpurpol) April 3, 2025
વધુમાં SPએ એવું પણ જણાવ્યું હતું કે, આરોપી માનસિક રીતે અસ્થિર છે અને રાત્રે જ તેની અટકાયત કરવામાં આવી હતી. હાલ વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ છે અને શંકાસ્પદ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.