કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ-હૉસ્પિટલમાં મહિલા ટ્રેની ડૉક્ટર સાથે રેપ અને ત્યારબાદ હત્યાની જઘન્ય ઘટના બાદ બંગાળ સહિત દેશભરમાં આક્રોશ છે. હાલ મામલાની તપાસ CBI કરી રહી છે. દરમ્યાન, સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રેએ શહેર પોલીસ કમિશનર અને કૉલેજના પૂર્વ પ્રિન્સિપલની પૂછપરછની માંગ કરીને કેસ પર અમુક સવાલો ઉઠાવ્યા હતા. હવે કોલકાતા પોલીસે તેમની ઉપર ‘ખોટી માહિતી ફેલાવવાનો’ આરોપ લગાવીને પૂછપરછ માટે સમન મોકલ્યું છે.
રવિવારે મધ્ય રાત્રિએ 12:19 કલાકે સુખેન્દુ શેખર રેએ પોતાના X અકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે, “CBIએ નિષ્પક્ષ તપાસ કરવી પડશે. કોણે અને શા માટે સ્યુસાઇડની વાત વહેતી કરી હતી તે જાણવા માટે પૂર્વ પ્રિન્સિપલ અને પોલીસ કમિશનરની પૂછપરછ જરૂરી છે. હૉલની દિવાલ કેમ ડિમોલિશ કરવામાં આવી, આટલા શક્તિશાળી બની ગયેલા રોય પર કોનો હાથ છે, સ્નિફર ડૉગનો ઉપયોગ ત્રણ દિવસ પછી કેમ કરવામાં આવ્યો? સેંકડો પ્રશ્નો છે. તેના જવાબો શોધવા પડશે.”
CBI must act fairly . Custodial interrogation of Ex Principal and Police Commissioner is a must to know who and why floated suicide story.Why wall of hall demolished, who patronised Roy to be so powerful, Why sniffer dog used after 3 days.100s of such questions. Make them speak
— Sukhendu Sekhar Ray (@Sukhendusekhar) August 17, 2024
કોલકાતા પોલીસે આ પોસ્ટને ‘મિસઈન્ફોર્મેશન’ ગણાવી છે અને TMC સાંસદને સમન્સ પાઠવીને લાલબજાર સ્થિત મુખ્યમથકે હજાર રહેવા માટે સમન્સ પાઠવ્યા છે. તેમને રવિવારે (18 ઑગસ્ટ) સાંજે ચાર વાગ્યે પોલીસ સમક્ષ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
પોલીસે કહ્યું કે, રેએ જે ક્રાઇમ સીન પર ત્રણ દિવસ પછી સ્નિફર ડૉગ લઇ જવામાં આવ્યા હોવાનો દાવો પોતાની પોસ્ટમાં કર્યો હતો તે ‘ખોટી માહિતી છે.’ પોલીસ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “સ્નિફર ડૉગ ત્રણ દિવસ પછી લઇ જવામાં આવ્યા હોવાની માહિતી સંપૂર્ણપણે ખોટી છે. સ્નિફર ડૉગ બે વખત મોકલવામાં આવ્યા હતા. પહેલાં 9 તારીખ અને ત્યારબાદ 12 ઑગસ્ટે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 35(1) હેઠળ સુખેન્દુ શેખર રેને નોટિસ મોકલવામાં આવી છે.”
ઇન્ડિયા ટુડેનો રિપોર્ટ જણાવે છે કે સુખેન્દુ શેખર રે હાલ પોલીસ સમક્ષ હાજર થશે નહીં અને તેમણે થોડો વધુ સમય માંગ્યો છે.
RG કર મેડિકલ કૉલેજ-હૉસ્પિટલ કેસની વાત કરવામાં આવે તો અહીં ગત 9 ઑગસ્ટના રોજ એક મહિલા ટ્રેની ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. પછી જાણવા મળ્યું કે તેની હત્યા કરવામાં આવી હતી અને તે પહેલાં તેની સાથે રેપ થયો હતો. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. જોકે, શરૂઆતમાં જ કોલકાતા પોલીસે જે રીતે કેસમાં કામ કર્યું તેને લઈને સવાલો ઉઠવાના શરૂ થઈ ગયા હતા. પરંતુ પોલીસ બીજી તરફ તપાસ બરાબર ચાલતી હોવાના દાવા કરતી રહી. આખરે કલકત્તા હાઈકોર્ટે પીડીતાના માતા-પિતાની અરજી અને અન્ય કેટલીક PIL પર સુનાવણી કરતાં કેસ CBIને મોકલી આપ્યો હતો. CBI હાલ તપાસ કરી રહી છે.