તૃણમૂલ કોંગ્રેસના (TMC) સાંસદે ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવી હોવાનો વિડીયો સામે આવ્યો છે. TMC સાંસદનું નામ કલ્યાણ બેનર્જી છે. તેઓ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મજાક ઉડાવી રહ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમનો વિડીયો બનાવી રહ્યા હતા, જ્યારે અન્ય વિપક્ષી સાંસદો આ કૃત્ય પર હસી રહ્યા હતા. કલ્યાણ બેનર્જીના આ કૃત્યનો વિડીયો હવે વાયરલ થયો છે.
વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે TMC સાંસદે ઉપરાષ્ટ્રપતિની રાજ્યસભામાં વાત કરવાની સ્ટાઈલ અને તેમના લહેકાની નકલ કરીને મજાક ઉડાવી છે. આ દરમિયાન સાંસદ કલ્યાણ બેનર્જી ખૂબ ખરાબ ઈશારા કરે છે. કલ્યાણ બેનર્જી આ વિડીયોમાં જગદીપ ધનખડ દ્વારા સદનમાં કહેવાયેલી વાતોની નકલ કરે છે. જ્યારે સસ્પેન્ડેડ સાંસદો આ જોઈને હસી રહ્યા છે.
#WATCH | TMC MP Kalyan Banerjee mimics Rajya Sabha Chairman Jagdeep Dhankhar in Parliament premises pic.twitter.com/naabLIzibY
— ANI (@ANI) December 19, 2023
લોકસભા સાંસદ રાહુલ ગાંધી આ બધા સાથે ઉભા હતા. રાહુલ ગાંધી કલ્યાણ બેનર્જીનો વિડીયો બનાવી રહ્યા હતા. રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી સાંસદો પણ કલ્યાણ બેનર્જીને જગદીપ ધનખડની ઘણી વાતોની નકલ કરવા કહી રહ્યા હતા. કલ્યાણ બેનર્જી આ વિડીયોમાં કહેતા સાંભળી શકાય છે, “મારી કરોડરજ્જુ કેટલી લાંબી છે, હું કેટલો ઊંચો છું.”
पप्पू @RahulGandhi cheering Kalyan Banerjee who's mocking धनकड़ जी @VPIndia pic.twitter.com/ATeV0ZH25J
— iMac_too (@iMac_too) December 19, 2023
રાહુલ ગાંધી ઉપરાંત આરજેડી સાંસદ મનોજ ઝા, ડીએમકે સાંસદ એ રાજા, કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલ, દીપેન્દ્ર હુડ્ડા અને અન્ય ઘણા સાંસદો અહીં હાજર હતા. કલ્યાણ બેનર્જીની હરકતો જોઈને બધા હસતા હતા. તેમાંથી કોઈએ કલ્યાણ બેનર્જીને રોકવાનો પ્રયાસ કર્યો નહોતો. કલ્યાણ બેનર્જીનો આ વિડીયો નવી સંસદના મકર ગેટનો છે. વિપક્ષી સાંસદો મકર ગેટ પર બેસીને હંગામો મચાવી રહ્યા હતા. તે અહીં વિરોધ કરવા આવ્યા હતા.
‘અધોગતિની કોઈ સીમા નથી હોતી’
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ કલ્યાણ બેનર્જીની આ હરકતની નોંધ લીધી છે. કલ્યાણ બેનર્જી અને રાહુલ ગાંધીના આ વર્તન પર તેમણે કહ્યું, “મેં થોડા સમય પહેલા એક ટીવી ચેનલ પર જોયું હતું, અધોગતિની કોઈ સીમા નથી, અધોગતિની કોઈ સીમા નથી.”
ઉપરાષ્ટ્રપતિ ધનખડે કહ્યું, “તમારા એક મોટા નેતા એક સાંસદના અસંસદીય વ્યવહારનો વિડીયો બનાવી રહ્યા હતા. તમારાથી પણ મોટા નેતા છે. હું તો એ જ કહી શકું કે સદબુદ્ધિ આવે. અમુક મર્યાદા તો હોતી હશે. અમુક જગ્યાએ તો બક્ષો. અમુક જગ્યાએ તો બક્ષો.” તેના પર ત્યાં બેઠેલા અન્ય સાંસદો કહે છે કે આવા લોકોને ક્યારેય સદબુદ્ધિ નહીં આવે. ઉપરરાષ્ટ્રપતિએ રાહુલ ગાંધીની હરકતને શરમજનક અને અસ્વીકાર્ય ગણાવી.
નોંધનીય છે કે, અગાઉ સોમવારે (18 ડિસેમ્બર 2023), 78 સાંસદોને હંગામાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકસભાના 33 અને રાજ્યસભાના 45 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ રીતે સંસદના શિયાળુ સત્રમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા વધીને 141 થઈ ગઈ છે. આજની (19 ડિસેમ્બર) કાર્યવાહી પહેલાં જ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.