વક્ફ સંશોધન અધિનિયમને (Waqf Act) લઈને દેશભરમાં સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં પશ્ચિમ બંગાળની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ એટલે કે TMCના સાંસદ કલ્યાણ બેનર્જીએ વક્ફ પર વિવાદિત નિવેદન આપ્યું છે. કલ્યાણ બેનર્જીએ (Kalyan Banerjee) કહ્યું છે કે મુસ્લિમ જે પણ જગ્યા કે જમીન પર નમાજ પઢે તે વક્ફની સંપત્તિ (Waqf property) બની જાય છે. તેમના આ નિવેદનને લઈને ભાજપ આકરા પાણીએ છે. ભાજપે આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે.
TMCના સાંસદ કલ્યાણ બેનર્જીએ વક્ફને લઈને આ વિવાદિત નિવેદન શનિવારે (30 નવેમ્બર 2024) આપ્યું હતું. તેમના નિવેદનનો એક વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં તેમણે કેટલાક પેપર્સ હાથમાં રાખીને બંગાળી ભાષામાં એક સભાને સંબોધતા કહ્યું હતું કે, “જો કોઈ જમીનના ટુકડા પર મુસ્લિમો દ્વારા નમાજ અદા કરવામાં આવશે તો તેને ‘વક્ફ સંપત્તિ’ માનવામાં આવે. તમે કે પછી કોઈ પણ જ્યાં પણ નમાજ અદા કરો છો તે વક્ફ સંપત્તિ છે.”
These remarks were made by TMC MP Kalyan Banerjee, who is also a member of the Standing Committee on WAQF. According to him, any location where Muslims offer Namaz would automatically be considered a WAQF property. This suggests that public spaces, such as roads, railway tracks,… pic.twitter.com/hrzFgvfsYp
— Amit Malviya (@amitmalviya) December 1, 2024
આ વિડીયોમાં તેઓ હાજર લોકોને સંબોધતા કહી રહ્યા છે કે, “તમે શું, 5, 10, 15, કે 20 લોકો (મુસ્લિમો) નિયમિત રૂપે જે જમીનના ટુકડા પર નમાજ પઢો છો તે આપોઆપ વક્ફની જ સંપત્તિ બની જાય છે.” નોંધવું જોઈએ કે કલ્યાણ બેનર્જી પશ્ચિમ બંગાળના સેરામપુર લોકસભા ક્ષેત્રથી TMCના સાંસદ છે. વર્ષ 2021માં તેમણે માતા સીતાને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી અને સીતાહરણની ઘટનાને હાથરસ સાથે જોડી હતી.
ભાજપ TMC પર આકરા પાણીએ
બીજી તરફ ભાજપ આ પ્રકારના નિવેદનથી TMC પર આકરા પાણીએ છે. ભાજપ નેતા અમિત માલવિયાએ X હેન્ડલ પર કલ્યાણ બેનર્જીનો વિડીયો શેર કરીને તેમનો ઉધડો લીધો હતો. તેમણે લખ્યું કે, “આ ટિપ્પણી TMCના સાંસદ અને વક્ફ સંશોધન સમિતિના સભ્ય પણ છે. તેમના અનુસાર મુસ્લિમ કોઈ પણ જગ્યાએ નમાજ પઢશે તેને આપોઆપ વક્ફ સંપત્તિ માની લેવામાં આવશે. સાર્વજનિક સ્થળો, જાહેર રસ્તાઓ, રેલ્વે સ્ટેશનો, એરપોર્ટ, બાગ-બગીચા અને અન્ય જે પણ જગ્યાઓ પર નમાજ પઢવામાં આવે તેને વક્ફ સંપત્તિ તરીકે દાવો થઇ શકે.”
તેમણે કહ્યું કે, “જો આમ થયું તો કોલકાતાના મહત્વના સ્થળોઅને ભૂમિના એક મોટા ટુકડાને મુસ્લિમ સમુદાયને સોંપી દેવામાં આવશે. જો ચૂંટણીના લાભો મેળવવા માટે આ પ્રકારના વિચારોને વેગ આપવામાં આવે, તો બંગાળના હિંદુ સમુદાયને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બની શકે કે તેમણે તેમની માતૃભુમી પશ્ચિમ બંગાળથી પલાયન કરવું પડે. મમતા બેનર્જી અને TMC પાકિસ્તાન અને બાંગ્લાદેશની જેમ જ હિંદુઓનો સર્વનાશ કરી દેશે.”