ઉત્તર પ્રદેશમાં માફિયા ભાઈઓ અતીક અહમદ અને અશરફની હત્યા બાદ ઉત્તર પ્રદેશમાં એક સાથે હજારો મોબાઈલ ફોન બંધ થઇ ગયા હોવાની તપાસ કરતી SITના ધ્યાને આવ્યું છે. ઉમેશ પાલની હત્યા બાદ આરોપીઓની ધરપકડ માટે પોલીસે આ તમામ નંબર સર્વિલાન્સ પર મૂક્યા હતા, જે હાલ બંધ હોવાનું જાણવા મળ્યું છે.
ગત 15 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરી નાંખવામાં આવી હતી. ત્યારબાદ અચાનક 3 હજાર મોબાઈલ ફોન બંધ થઇ ગયા છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં મોબાઈલ ફોન બંધ થવાના કારણે શંકા ઉપજી છે. અતીક અહમદના નજીકના લોકોએ ડરના કારણે પોતાના નંબર બંધ કરી દીધા હોવાની આશંકા અહેવાલોમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉમેશ પાલની હત્યા બાદ ફરાર થઇ ગયેલા અતીક અહમદના પુત્ર અસદ અને તેના સાગરીતોને શોધવા માટે પોલીસે પાંચ હજારથી વધુ નંબર સર્વિલાન્સ પર લગાવ્યા હતા. જે પાછળનો હેતુ એ હતો કે તેમાંથી આરોપીઓનાં ઠેકાણાં વિશે જાણકારી મળી શકે અને જેમાં પોલીસને સફળતા પણ મળી હતી અને આરોપીઓ વિશે અનેક અગત્યની જાણકારી પણ મળી હતી. આ જાણકારીના આધારે જ STF અસદ અને મોહમ્મદ ગુલામ સુધી પહોંચી હતી.
અસદ અને ગુલામ એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા અને ત્યારબાદ અતીક અહમદ અને અશરફની પણ હત્યા કરી નાંખવામાં આવ્યા બાદ એક પછી એક નંબર બંધ થવા માંડ્યા છે. ઉપરાંત, રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આમાંથી ઘણા લોકો પોતાનાં ઘરો પણ છોડીને ભાગી ગયા છે અને સબંધીઓ અને મિત્રોના ઘરે શરણ લીધું છે.
પોલીસ અનુસાર, યુપીના પ્રયાગરાજ, લખનૌ, બારાબંકી, કાનપુર, ગાઝિયાબાદ, નોઈડા, ઝાંસી, બરેલી, બરેલી વગેરે સહિત 22 જિલ્લાઓ તેમજ દિલ્હી, રાંચી અને અજમેર વગેરે સ્થળોએ નંબર શંકાસ્પદ રીતે સ્વિચ ઑફ થયા છે. જેમાંથી અમુક મોબાઈલ નંબરો અન્ય માફિયા ગેંગ સાથે પણ જોડાયેલા હતા.
ઉલ્લેખનીય છે કે ગત 15 એપ્રિલના રોજ પ્રયાગરાજમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ જતી વખતે અતીક અહમદ અને અશરફની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ મામલે ત્રણ શૂટરોની ધરપકડ કરવામાં આવી હતી, જેમને હાલ રિમાન્ડ પર લઇ પૂછપરછ ચાલી રહી છે. ગઈકાલે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.