કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં 2 વર્ષની સજા થયા બાદ શુક્રવારે (24 માર્ચ, 2023) લોકસભા સચિવાલયે તેમને સભ્યપદે ગેરલાયક ઠેરવીને બરતરફ કરી દીધા હતા. આમ તો રાહુલ ગાંધીને કાયદા અને નિયમાનુસાર જ બરતરફ કરવામાં આવ્યા છે પરંતુ કોંગ્રેસ ઈકોસિસ્ટમને કેમેય કરીને આ વાત પચી રહી નથી. રાહુલ ગાંધી સાથે ‘અન્યાય’ થયો હોવાના અને તેઓ બદલાના રાજકારણનો ભોગ બન્યા હોવાના દાવાને આગળ ધપાવવા માટે હવે ફેક ન્યૂઝ અને ભ્રામક માહિતીઓનો સહારો લેવામાં આવી રહ્યો છે.
‘ધ હિંદુ’ના ગુજરાતના પત્રકાર મહેશ લાંગાએ એક ટ્વિટમાં દાવો કર્યો કે, ‘2013માં ગુજરાતના કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયાને ખનિજ ચોરીના કેસમાં 2 વર્ષની સજા થઇ હતી. પરંતુ તેમને ધારાસભ્ય પદેથી બરખાસ્ત કરવામાં આવ્યા ન હતા કે તેમણે કેબિનેટમાંથી રાજીનામું પણ આપ્યું ન હતું. બે અઠવાડિયા પછી તેમના કન્વિક્શન પર સ્ટે મૂકી દેવામાં આવ્યો હતો.’ સાથે તેમણે ‘રાહુલ ગાંધી’નું હેશટેગ પણ વાપર્યું હતું.
In 2013, Gujarat Cabinet minister Babu Bokhiria was convicted for two years in a mineral theft case. He was not disqualified and did not even resign from cabinet. After two weeks, his appeal for staying the conviction was granted. #RahulGandhi
— Mahesh Langa (@LangaMahesh) March 24, 2023
હાલ રાહુલ ગાંધીનું ડિસ્ક્વોલિફિકેશન ચર્ચામાં છે. એ વિશે પણ ચર્ચા ચાલી રહી છે કે કયા નિયમો અનુસાર તેમને બરતરફ કરવામાં આવ્યા. જેની વચ્ચે દસ વર્ષ જૂનો મામલો વચ્ચે લાવીને એવું સાબિત કરવાના પ્રયાસો થઇ રહ્યા છે કે ભાજપના ધારાસભ્ય દોષી ઠેરવાયા છતાં સભ્યપદે યથાવત રહ્યા હતા અને રાહુલ ગાંધીને બીજા જ દિવસે ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવ્યા.
અહીં વાસ્તવિકતા થોડી અલગ છે. બાબુ બોખીરીયાને ખનિજ ચોરીના કેસમાં સજા થઇ હતી એ વાત સત્ય છે અને એ પણ સાચું છે કે તેમને સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા ન હતા. પરંતુ તેમાં કોઈ નિયમોનું ઉલ્લંઘન ન હતું કે ન કાયદાથી ઉપરવટ જઈને તમને સભ્યપદે યથાવત રાખવામાં આવ્યા હતા. વાસ્તવમાં, ત્યારે એવી જોગવાઈ અમલમાં હતી કે દોષી ઠેરવાયેલા MP, MLA કે MLC સજા મળ્યાના 3 મહિનાની અંદર સજા વિરુદ્ધ ઉપલી અદાલતમાં અપીલ કરીને સભ્યપદ બચાવી શકતા હતા.
ધારાસભ્યો, સાંસદો કે વિધાન પરિષદના સભ્યોની લાયકાત/ગેરલાયકાત નક્કી કરવા માટે રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951નો સહારો લેવામાં આવે છે. આ એક્ટના ખંડ (8)માં ડિસ્ક્વોલિફિકેશન માટેનાં નિયમો અને શરતો જણાવવામાં આવ્યાં છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે નેતાઓને કોઈ ગુનામાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેઓ સભ્યપદેથી દૂર થાય છે. પણ આ જ એક્ટના ખંડ 8(4)ની જોગવાઈ મુજબ નેતાઓ સજા મળ્યાના 3 મહિનાની અંદર ઉપરની કોર્ટમાં અપીલ કરે તો તેમનું સભ્યપદ બચી શકતું હતું.
જુલાઈ, 2013માં એક કેસ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ એક્ટ (RPA)ના ખંડ 8(4)ને રદબાતલ ઠેરવ્યો હતો અને ચુકાદામાં ઠેરવ્યું હતું કે MP, MLA કે MLC દોષિત જાહેર થયાના દિવસથી જ સભ્યપદેથી બરતરફ ગણવામાં આવે. જેથી, 10 જુલાઈ, 2013 પછી આ ખંડ અમલમાં નથી. જોકે, પછીથી તત્કાલીન UPA સરકારે વટહુકમ દ્વારા કોર્ટના નિર્ણયને પલટાવવાનો પ્રયાસ કરી જોયો હતો પરંતુ વિરોધ બાદ વટહુકમ અને ખરડો પરત લઇ લેવા પડ્યા હતા. રસપ્રદ વાત એ છે કે ત્યારે વિરોધ કરનારાઓમાં રાહુલ ગાંધી પણ સામેલ હતા.
SC verdict came on 10th July…while Babu Bokhiria was convicted in June…
— 卄卂尺丨ㄖ爪 🇮🇳 🌈 (@__gurudas) March 24, 2023
As a journalist, you should research better and do your job correctly!https://t.co/EQ0CuoFVFf
બાબુ બોખીરીયાને જૂન, 2013માં ખનિજ ચોરીના કેસમાં સજા થઇ હતી. ત્યારે આ એક્ટનો ખંડ 8(4) અમલમાં હતો, જેથી તેનો ઉપયોગ કરીને તેમણે સભ્યપદ બચાવી રાખ્યું હતું. ત્યારપછી જુલાઈમાં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં આ ખંડને રદ કર્યો હતો અને તાત્કાલિક ડિસ્ક્વોલિફિકેશન અમલમાં મૂકાયું હતું. જેથી જ્યારે બાબુ બોખીરીયાને સજા થઇ ત્યારે અલગ નિયમો હતા અને રાહુલ ગાંધી સજા ત્યારે અલગ નિયમો છે. ત્યારે પણ નિયમાનુસાર કાર્યવાહી થઇ હતી, આજે પણ નિયમાનુસાર જ કાર્યવાહી થઇ છે.
તે સમયે બાબુ બોખીરીયાએ એક્ટના ખંડ 8(4) હેઠળ પોતાનું સભ્યપદ બચાવી રાખ્યું હતું. પરંતુ હવે આ ખંડ અમલમાં ન હોવાના કારણે રાહુલ ગાંધી તેમ કરી શક્યા નથી અને તેમણે નિયમાનુસાર પદ ગુમાવવું પડ્યું છે. જેથી રાહુલ ગાંધી બદલાના રાજકારણનો ભોગ બન્યા હોવાનું કહેવું હાસ્યાસ્પદ છે.
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બાબુ બોખીરીયાને જૂન, 2013માં પોરબંદરની કોર્ટે 54 કરોડના ખનિજ ચોરીના કેસમાં દોષી ઠેરવ્યા હતા અને સજા સંભળાવી હતી. જેની સામે તેમણે જિલ્લા કોર્ટમાં અપીલ કરી હતી. 2014માં કોર્ટે તેમના સહિત અન્ય આરોપીઓને નિર્દોષ ઠેરવ્યા હતા.