મંગળવાર, 1 ઓગસ્ટના રોજ વહેલી સવારે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં બની રહેલ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર 100 ફૂટ ઊંચાઈએથી ગર્ડર મશીન પડતાં 17 લોકોના મોત થયા છે. આશંકા છે કે હજુ પણ 6 શ્રમિકો ગર્ડરની નીચે ફસાયા છે. NDRF ની ટીમે ઘટના સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી છે. પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે, ત્યાં તેમની સારવાર ચાલુ છે.
અહેવાલો અનુસાર શાહપુર પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે, સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેનું ત્રીજા ચરણનું કામ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન શાહપુરની નજીક મંગળવાર સવારે એક ગર્ડર મશીન પડતાં 17 લોકો મૃત્યુ પામ્યા છે અને હાલ ત્રણ લોકો ઘાયલ છે. પોલીસ દ્વારા જણાવાયું છે કે એમ્બ્યુલન્સ અને રહેવાસીઓની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. સાથે જ મૃતકોના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. જેસીબી અને રેસ્ક્યૂ ટીમે મોરચો સંભાળી લીધો હોવાની વાત સામે આવી છે. ઘટનાસ્થળને સંપૂર્ણ રીતે ખાલી કરવામાં આવી રહ્યું છે.
6 લોકો ગર્ડર નીચે ફસાયેલા હોવાની આશંકા
આ પહેલા વહેલી સવારે NDRFના એક અધિકારી દ્વારા જણાવાયું છે કે, “થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં એક પુલના સ્લેબ પર ક્રેન પડી હતી. એનડીઆરએફની બે ટીમો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અત્યાર સુધીમાં 14 શવ મળ્યા છે, સાથે જ ત્રણ લોકો ઘાયલ છે. આશંકા છે કે હમણાં પણ 6 લોકો ગર્ડરની નીચે ફસાયેલા છે.”
રેસ્ક્યૂ ઓપેશન પુરજોશમાં
આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ, રેસ્ક્યૂ ટીમ, કલેકટર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. એનડીઆરએફની ટીમ દ્વારા કાટમાળને ખસેડીને લોકોને બહાર કાઢવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ સાથે જ ગ્રામીણ એસપી દેશમાને પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. એસપી દ્વારા જણાવાયું છે કે, “સમૃદ્ધિ હાઈવે પર લૉન્ચર પડવાથી શ્રમિકો અને અન્ય લોકો દબાયા હતા, અગ્નિશામક દળ, કલેકટર આપત્તિ વિભાગ અને રેસ્ક્યૂ ટીમે ઘટના સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી છે. ઘાયલોને શાહપુર તાલુકાની એક હોસ્પિટલમાં ખસેડાયા છે.”
નોંધનીય છે કે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં આવેલ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેને બાલા સાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે તરીકે પણ ઓળખવામાં આવે છે. મુંબઈ અને નાગપુરને જોડતો આ હાઈવે 701 કિલોમીટર લાંબો છે. આ હાઇવેના પ્રથમ ચરણનું ઉદ્ઘાટન ડિસેમ્બર, 2022 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ હાઈવે પર મંગળવારે સવારના અરસામાં ગર્ડર પડવાથી જાનહાનિ થઈ છે.